Home /News /ahmedabad /અંગ દાન એ જ મહાદાન: અમદાવાદ સિવિલમાં 2 દર્દીના અંગદાનથી 6 લોકોને નવજીવન મળ્યું; ગંભીર તકલીફોથી થયા મુક્ત

અંગ દાન એ જ મહાદાન: અમદાવાદ સિવિલમાં 2 દર્દીના અંગદાનથી 6 લોકોને નવજીવન મળ્યું; ગંભીર તકલીફોથી થયા મુક્ત

4 કિડની અને 2 લીવરના દાનથી 6 દર્દીઓને મળ્યું નવજીવન

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી 6 પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કરતા કુલ 4 કિડની અને 2 લીવરનું દાન મળ્યું હતું.

  Parth Patel, Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલના (Civil Hospital) અંગદાનના સેવાયજ્ઞ એ વેગ પકડ્યો છે. ત્યારે જીવંત વ્યક્તિને અંગદાન ન કરવું પડે અને અંગોની ખોડ-ખાંપણ કે તકલીફથી પીડાતા દર્દીને નવજીવન મળી રહે તે માટે બ્રેઇનડેડ (Braindead) દર્દીઓના અંગદાનમાં મળતા અંગો વડે અનેક લોકોને નવજીવન આપવામાં આવી રહ્યા છે. ત્યારે સિવિલ હોસ્પિટલના આ સેવાયજ્ઞમાં (Servant) વધુ એક અકલ્પનીય સિધ્ધી ઉમેરાઈ છે.

  અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રના બે બ્રેઇનડેડ દર્દીઓના અંગોના દાનથી 6 પીડિત દર્દીઓનું જીવન બદલાયું છે. 22 અને 23 મી ઓગસ્ટના રોજ બ્રેઇનડેડ થયેલ બે દર્દીઓના પરિવારજનોએ અંગદાનનો જનહિતલક્ષી નિર્ણય કરતા કુલ 4 કિડની અને 2 લીવરનું દાન મળ્યું છે.આ અંગદાનમાં મળેલી 4 કિડની અને એક લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટિટ્યુટમાં દાખલ દર્દીઓમાં સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે. જ્યારે એક લીવરને સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.અંગદાન શું હોય છે, તેનું મહત્વ શું છે, તે કેવી રીતે કરવામાં આવે છે. તે તમામ વિગતોથી આજે પણ ઘણાંય લોકો અજાણ છે. આવું જ કંઇક હતું કચ્છના પશુપાલક જાડેજા પરિવારજનોના કિસ્સામાં. જેમાં કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના રાયા ગામમાં ઘેટા-બકરાં ચરાવતા અને પશુપાલન સાથે જોડાયેલ જાડેજા પરિવારના પુત્રોએ અંગદાન કે પ્રત્યારોપણ વિશે ક્યારેય સાંભળ્યું પણ ન હતું કે જોયું પણ ન હતું.

  આ પણ વાંચો: IKDRC શરૂ કરશે મહિલાઓમાં ગર્ભાશય પ્રત્યારોપણ: આવી મહિલાઓને લાભ મળશે

  19 મી ઓગસ્ટના રોજ જાડેજા પરિવારના 50 વર્ષીય ખમાબા જાડેજા ઢળી પડતા માથાના ભાગમાં તેઓને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમને સારવાર અર્થે જ્યારે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તબીબોએ દિવસ-રાત અથાગ પરિશ્રમથી તેમનો જીવ બચાવવાના તમામ પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ 22 મી ઓગસ્ટના રોજ તબીબો દ્વારા અંતે તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.બ્રેઇનડેડ જાહેર કરાયા ત્યારે તેમના પરિવારજનોને બ્રેઇનડેડ એટલે શું, તે અંગેની કોઇ પણ પ્રકારની જાણ ન હતી. આ સાથે અંગદાન શું હોય છે, અંગદાનનું મહત્વ શું છે, તેનાથી પણ તેઓ અજાણ હતા. પશુપાલન કરીને જીવનનિર્વાહ કરતા જાડેજા પરિવારના પુત્રોને સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા અંગદાન અંગેની સવિસ્તૃત સમજ આપવામાં આવી અને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું.

  પરિવારજનોને એટલી તો ખબર પડી ગઇ કે આ એક એવું દાન છે. જેના થકી કોઇ વ્યક્તિને નવું જીવન મળે છે. આપણું સ્વજન તો આપણે ગુમાવી દીધું છે. પરંતુ તેમના અંગો થકી કોઈક પરિવારના સ્વજનનો બચાવ થઇ શકતો હોય તો અંગદાન કેમ ન કરીએ. આ તમામ વિચાર સાથે પરિવારજનોએ અંગદાનનો હ્રદયસ્પર્શી નિર્ણય કર્યો.જેના પરિણામે 2 કિડની અને 1 લીવરનું દાન મળતા 3 દર્દીઓમાં આ અંગોને પ્રત્યારોપણ કરવામાં આવ્યા અને નવજીવન આપવામાં સફળતા મળી. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં 23 મી ઓગસ્ટના રોજ પણ એક અંગદાન થયું હતું. જેમાં જામનગરના 40 વર્ષીય શંકરભાઈ કટારાને પણ માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમને બ્રેઇનડેડ જાહેર થતા પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું હતું.

  આ પણ વાંચો: ફોટો જર્નાલિસ્ટનું એકઝિબિશન યોજાયું; કોરોના મહામારીની બેનમૂન તસ્વીરો પ્રદર્શિત કરાઈ

  અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે આજે રાજ્યના શહેરી વિસ્તાર ઉપરાંત દૂર દૂરના અંતરિયાળ વિસ્તારમાં રહેતા અને શિક્ષિત સાથે અશિક્ષિત વર્ગના સેવાભાવી લોકો પણ અંગદાનનું મહત્વ સમજીને આ સેવાયજ્ઞમાં જોડાયા છે. પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા પરિવારને અંગદાનની સમજ આપતા અંગદાનનો કરેલો ત્વરિત નિર્ણય દર્શાવે છે કે જીવથી જીવ બચાવવાના યજ્ઞમાં લોકો પોતાની ઈચ્છાથી નિ:સ્વાર્થપણે જોડાઈ રહ્યા છે.વધુમાં તેઓએ ઉમેર્યુ કે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 20 મહિનામાં કુલ 88 અંગદાન થયા છે. જેમાં કુલ 277 અંગોનું દાન મળ્યું છે. જેના થકી 254 પીડિત વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મળી છે.
  Published by:Santosh Kanojiya
  First published:

  Tags: Civil Hospital, Human Life, Organ donation, અમદાવાદ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन