અમદાવાદ : દેશ સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસે (Corona Virus) હાહાકાર મચાવી દીધો છે. ત્યારે અમદાવાદની (Ahmedabad) સિવિલ હોસ્પિટલનાં (Civil Hospital) આઈસોલેશન વોર્ડમાં કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ તરીકે વધુ ચાર વ્યક્તિઓને દાખલ કરવામાં આવ્યાં છે. તો શહેરમાં 58 વર્ષનાં ઘોડાસરનાં પુરષ દર્દીનું સ્વાઈન ફ્લૂના (Swine Flu) કારણે એસવીપી હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આ વર્ષે સ્વાઇન ફ્લુનાં કારણે થયેલું પહેલુ મોત છે. નોંધનીય છે કે, જાન્યુઆરીથી માર્ચના પહેલા અઠવાડિયા સુધીમાં સ્વાઇન ફલુના કુલ 13 દર્દીઓ નોંધાયા છે. રાત્રે ઠંડી અને બપોરે ગરમીના અહેસાસવાળી બેવડી ઋતુથી રોગચાળો વધારે વધવાની સંભાવના
છે.
આ અંગે સિવિલ હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. જી.એચ. રાઠોડે જણાવ્યું કે, સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી કોરોના વાઈરસનાં 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી 9નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ ઉપરાંત ઘોડાસરનાં 58 વર્ષના પુરુષનું સ્વાઈન ફ્લૂના કારણે મોત થયું છે. તેઓ 26મી ફેબ્રુઆરીથી હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં તેમના બ્લડ સેમ્પલને બી.જે. મેડિકલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. સ્વાઇન ફ્લૂની સારવાર શરૂ કરવામાં આવ્યા બાદ ગઇકાલે મોડી સાંજે તેમનું મૃત્યુ થયું હતું. છેલ્લા 3 મહિનામાં જ શહેરમાં સ્વાઇન ફલૂના 13 જેટલા કેસ નોંધાયા છે.
મ્યુનિ.ની હોસ્પિટલોમાં મેલેરિયાના 6, ડેન્ગ્યુના 4 અને ચિકનગુનિયાના 1 મળીને 11 મચ્છરજન્ય રોગચાળાના દર્દીઓ દાખલ થયેલા છે. આ સાથે મેલેરિયા જેવા લક્ષણો ધરાવતા 23488 દર્દીના લોહીના નમૂના અને 112 ડેન્ગ્યુના લક્ષણો ધરાવતા દર્દીના સીરમના નમૂના લેવાયા છે. એટલે કે 23600 દર્દી માત્ર 7 દિવસમાં જ મ્યુનિ. ચોપડે નોંધાયા છે. બેવડી સિઝનના કારણે શરદી-ખાંસી અને વાયરલ ઇન્ફેકશનના કેસો પણ વધતા જાય છે.