અમદાવાદઃ આજે એટલે કે 2જી ફેબ્રુઆરીએ એક ગજ્જબ ઘટના બનવાની છે. અંદાજે 50,000 વર્ષ પહેલાં આવી ઘટના બની હશે અને આગામી 50,000 વર્ષ પછી આવી ઘટના બનવાના ચાન્સ છે. આ ખગોળીય ઘટના એટલે ‘લીલો ધૂમકેતુ’ દેખાવાની ઘટના. આપણે સૌ ‘ધૂમકેતુ’ વિશે ભણ્યાં જ છીએ, પણ આ વખતે વાત કરવી છે ‘લીલા ધૂમકેતુ’ની.
આ પ્રકારની ખગોળીય ઘટના 50 હજાર વર્ષમાં એકવાર બનતી હોય છે. વર્ષ 2022માં પહેલીવાર આ ધૂમકેતુ શોધવામાં આવ્યો હતો. આ ધૂમકેતુને ‘Comet C/2022 E3 (ZTF)’ નામ આપવામાં આવ્યું છે. 2 માર્ચ, 2022ના દિવસે પહેલીવાર શોધવામાં આવ્યો હતો. ખગોળશાસ્ત્રી બ્રાયસ બોલિન અને ફ્રેન્ક મેસ્કી દ્વારા ઝ્વિકી ટ્રાન્ઝિયન્ટ ફેસિલિટી દ્વારા આ ધૂમકેતુની શોધ થઈ હતી.
કચ્છના ફોટોગ્રાફર સત્યવિજયસિંહ ચુડાસમાએ આ ધૂમકેતુને 31મી જાન્યુઆરીએ કેમેરામાં કેદ કર્યો હતો. ઉપરના ફોટોમાં જોઈ શકાય છે કે, ધૂમકેતુ દેખાઈ રહ્યો છે. આ સમયે ધૂમકેતુ 2જી ફેબ્રુઆરીએ વધુ નજીક આવશે અને ડાર્ક સ્કાયમાં નરી આંખે જોઈ શકાશે.
લીલો ધૂમકેતુ પૃથ્વીથી અંદાજે 26.4 મિલિયન માઇલ જેટલો દૂર હશે ત્યારે નરી આંખે જોઈ શકાશે. દિવસ પ્રમાણે વાત કરીએ તો, 2જી ફેબ્રુઆરી, 2023 એટલે કે આવતીકાલે આ ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીક હશે. ત્યારે ડાર્ક સ્કાયમાં આ ધૂમકેતુ નરી આંખે જોઈ શકાશે. આ ધૂમકેતુ બાયનોક્યુલર અને ટેલિસ્કોપની મદદથી ખૂબ જ ચોખ્ખો જોઈ શકાશે.
લીલા ધૂમકેતુની ક્લોઝ તસવીર
આ ધૂમકેતુનો રંગ લીલો દેખાય છે?
ધૂમકેતુના માથાના ભાગે રહેલો લીલો રંગ ડાયાટોમિક કાર્બનની હાજરીને કારણે છે. C2 પરમાણુ, જ્યારે સૌર અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ દ્વારા ઉત્તેજિત થાય છે ત્યારે તે મોટાભાગે ઇન્ફ્રારેડમાં ઉત્સર્જિત થાય છે, પરંતુ તેની ત્રિપુટી 518 nm (નેનોમીટર) સુધી પ્રસરે છે. તે ન્યૂક્લિયસમાંથી બાષ્પીભવન કરાયેલા કાર્બનિક પદાર્થોના ફોટોલિસિસ દ્વારા ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બે દિવસ સુધીના લાઇફ સ્પાન સાથે ફોટો ડિસોસિએશનમાંથી પસાર થાય છે અને તે સમયે ધૂમકેતુના માથામાં લીલી ચમક દેખાય છે.
ક્યારે અને ક્યાં દેખાશે ધૂમકેતુ?
ધૂમકેતુ C/2022 E3 (ZTF)ને જોવા માટેનો શ્રેષ્ઠ સમય રાતે 9.30 વાગ્યા પછીનો હશે. ડાર્ક સ્કાયમાં ધ્રુવ તારાની દક્ષિણ તરફ જુઓ. ધૂમકેતુ દક્ષિણ દિશામાં આગળ હશે અને અંતિમ સ્થાન ઓરિયન નક્ષત્રના ઉપરના ભાગે દેખાશે.
ધૂમકેતુનું કદ અને ભ્રમણકક્ષા કઈ?
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે, તેની સાઇઝ પર નજર કરીએ તો આ ધૂમકેતુ અંદાજે એક કિલોમીટર જેટલો વ્યાસ ધરાવે છે. તેની કુલ ભ્રમણકક્ષા 42,490,414 કિલોમીટર છે. તો વળી, તેની પૂંછડી અંદાજે 2.5 ડિગ્રી જેટલા ખૂણે વળેલી છે. આ ધૂમકેતુ વર્ષ 2023નો સૌથી ચમકતો ધૂમકેતુ છે.