અમદાવાદ: 'શિક્ષક કભી સાધારાણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે પલતે હે...' આમ તો આ વાક્ય શિક્ષકો માટે લખાયું છે. જેમાં શિક્ષકને ખૂબ મહાન ગણાવ્યો છે. પરંતુ હાલ જે પ્રકારે શિક્ષકોને જે શિક્ષણ સિવાયની કામગીરી સોંપવામાં આવી રહી છે, તેના કારણે જાણે સરકારે શિક્ષકને સાધારાણ બનાવી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. કારણ કે, પ્રાયમરી શિક્ષણમાં પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસની જરુર છે. તેવા સમયે શિક્ષકોને ઈ-શ્રમની કામગીરી સોંપાતા શિક્ષકોએ વિરોધ કર્યો છે અને આ મામલે કલેક્ટર અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
શિક્ષકોને ઈ-શ્રમની કામગીરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા હાલમાં જ પૂર્ણ થઈ છે અને હવે પ્રાયમરી શિક્ષણ ધોરણ 1થી 8ની પરીક્ષા શરુ થશે. એક તરફ પરીક્ષા અને બીજી તરફ અભ્યાસક્રમ પૂર્ણ કરવાની જવાબદારી અને તેવા સમયે જ શિક્ષકોને ઈ-શ્રમની કામગીરી સોંપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક યુનિયનના પ્રમુખ મનોજ પટેલ જણાવે છે કે, સરકાર શિક્ષકોને સસ્તા ભાળી ગઈ છે. કંઈ પણ કામ હોય તો શિક્ષકોને આપી દેવાય છે. હવે શિક્ષકોને ઈ-શ્રમની કામગીરી સોંપાઈ છે. એક બાજુ પરીક્ષાને 20 દિવસ બાકી છે છતાં શિક્ષકોને ઈ-શ્રમની કામગીરી સોંપી છે. ઈ-શ્રમની કામગીરીમાં ઘરે-ઘરે જવાનું, વાલીનો સંપર્ક કરવાનો વાલી બોલાવવાનો આધાર સાથે લિંક કરવાનો અને ઈ-શ્રમ કાર્ડ બનાવવાનું, બહુ મુશ્કેલ છે અને વેબસાઈટ ચાલતી નથી. બીજી બાજુ, શિક્ષણ કાર્ય પૂર્ણ કરવાનું છે. તેની સાથે આ કામગીરી સોંપી છે. તેનો અમે વિરોધ કરીએ છીએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, શિક્ષકોને 100થી વધુ કામ સોંપવામાં આવે છે. વસ્તી ગણતરી, ઈ-શ્રમની કામગીરી, કોરોના હતો ત્યારે કોરોના ડ્યુટીમાં લગાડી દીધા હતા. સરકારને જ્યારે જરુર પડે ત્યારે શિક્ષકોનો ઉપયોગ કરે છે. આ કામગીરી બેરોજગારોને કે પછી નિવૃત કર્મચારીઓને સોંપવી જોઈએ. કલેક્ટર કચેરીમાં 2020થી આ કામગીરી હતી, તે લોકો ન કરી શક્યા એટલે શિક્ષકોને સોંપી. ખરેખર તેમને કોઈબીજા ડિપાર્ટમેન્ટ કે ખાનગી શાળાના શિક્ષકોને સોંપવી પડે, માત્ર મ્યુનિસિપલ શિક્ષકોને આ કામગીરી સોંપાઈ છે, તેનો અમે વિરોધ કર્યો છે. આ મામલે કલેક્ટરને અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવશે.