અમદાવાદ: પોસ્ટ વિભાગ લોકોની સુવિધામાં વધારો કરી રહ્યું છે. આજે ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા વન્યજીવન દિવસની થીમ પર વિશેષ કવર અને ચિત્ર પોસ્ટકાર્ડનો સેટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ "સેમ ડે ડિલિવરી" સુવિધા શરુ કરવામાં આવી છે. કારણ કે, રોજને રોજ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. શહેરના એક છેડેથી બીજા છેડે જવું પડે તો બે વખત તો વિચાર કરવો પડે. શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જો પાર્સલ, ગિફ્ટ, બર્થ ડે કેક પહોંચાડવાની હશે તો પોસ્ટ વિભાગ પહોંચાડી આપશે. સેમ ડે ડિલિવરીની સુવિધા અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને રાજકોટમાં શરુ કરવામાં આવી છે.
મોબાઈલ વાન પણ શરુ કરવામાં આવી છે
એલિસબ્રિજ પીઓ, અમદાવાદ જીપીઓ, નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર એચ.ઓથી બુક કરવામાં આવેલા પાર્સલ તે દિવસે અમદાવાદ, ગાંધીનગરના પ્રસંદગીના વિસ્તારમાં પહોંચાડવામાં આવશે. સાથે જ મોબાઈલ વાન પણ શરુ કરવામાં આવી છે. જેનામાં પાર્સલ મોકલી શકાશે. મોબાઈલ પાર્સલ બુકિંગ વેન દ્વારા છેલ્લા બે મહિનામાં કુલ 26,408 પાર્સલ 38.30 ટીન વજનના બુકિંગ થયા હતા.
ચીફ પોસ્ટ જનરલ માસ્તર નીરજ કુમારે જણાવ્યું હતું કે, ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ઇ-કોમર્સની જરૂરિયાતોને પહોંચી વળવા, ગ્રાહકોને મુશ્કેલી વિના પાર્સલ બુકિંગની સુવિધા પૂરી પાડવા માટે ડોર સ્ટેપ પાર્સલ બુકિંગ સર્વિસ માટે મોબાઇલ પાર્સલ બુકિંગ વાન અને ડેડિકેટેડ પાર્સલ બુકિંગ કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સેમ ડે ડિલિવરીની સેવા શરૂ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્યની તમામ પોસ્ટ ઓફિસમાં વિવિધ પોસ્ટ ઓફિસ બચત યોજનાઓની જાણકારી માટે આ ઝુંબેશ ચલાવવામાં આવે છે.