Parth Patel, Ahmedabad : અમદાવાદમાં આવેલી નિરમા યુનિવર્સિટીના SAE નિરમા કોલેજિયેટ ક્લબ દ્વારા ટીમ સ્ટેલિયન્સ એ 19 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી, 2023 વચ્ચે કોઈમ્બતુર ખાતે ફોર્મ્યુલા ભારત 2023 સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ટીમ સ્ટેલિયન્સ ઓવરઓલ બીજા નંબરે તથા પ્રથમ રનર-અપ રહી હતી.
ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશનના 33 મેમ્બરોએ કમ્બશન વ્હીકલ કેટેગરીમાં પ્રતિનિધિત્વ કર્યું
આ સ્ટેલિયન્સ ટીમમાં મિકેનિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરિંગના 33 મેમ્બરોની એક મજબૂત ટીમ બનાવવામાં આવી હતી. જેમણે કમ્બશન વ્હીકલ કેટેગરીમાં નિરમા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ટીમે અનુકરણીય કામગીરી દર્શાવી હતી. તથા નિરમા યુનિવર્સિટી માટે ઓવરઓલ બીજી પોઝિશન એટલે કે પ્રથમ રનર-અપ, બેસ્ટ એક્સિલરેશન, બેસ્ટ સ્કીડપેડ, એન્જિનિયરિંગ ડિઝાઇનમાં રનર-અપ અને ઓટોક્રોસમાં રનર-અપ રહીને નિરમા યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેમ કે IIT અને NIT તેમજ રાષ્ટ્રીય પ્રતિષ્ઠિત અન્ય સંસ્થાઓની 42 ટીમોએ પણ ભાગ લીધો હતો.
રેસિંગ કારમાં કાર્બન ફાઇબર અને 3D પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરાયો
બીજા વર્ષમાં આવેલી ટીમે આ સ્પર્ધામાં કુલ 5 પુરસ્કારો જીત્યા અને પ્રથમ રનર-અપ રહી. કારની આ સ્પર્ધામાં નિર્ણાયક પેનલ દ્વારા સ્ટેલિયન્સ ટીમની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. જેમાં વિવિધ આંતરરાષ્ટ્રીય નિર્ણાયકોએ હાજર રહી વિદ્યાર્થીઓની ટીમોનું મૂલ્યાંકન કરી રહ્યા હતા અને તેમની કુશળતા ચકાસી રહ્યા હતા.
આ ટીમ સ્ટેલિયન્સે તેમની શૈક્ષણિક પ્રતિબદ્ધતાઓ સાથે સમાધાન કર્યા વિના યુનિવર્સિટી પરિસરમાં જ શરૂઆતથી રેસિંગ કારના ઉત્પાદનમાં કાર્બન ફાઇબર અને 3D પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ જેવી વિવિધ નવીનતાઓનો સમાવેશ કર્યો હતો. આ સાથે ટીમ સ્ટેલિયન્સે 5 મહિનાના સમયગાળામાં ફેબ્રિકેશન પૂર્ણ કર્યું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર