Home /News /ahmedabad /રખિયાલમાં અંગત અદાવતમાં નવ રાઉન્ડ ફાયરીંગ, ત્રણ આરોપીઓ ઝડપાયા
રખિયાલમાં અંગત અદાવતમાં નવ રાઉન્ડ ફાયરીંગ, ત્રણ આરોપીઓ ઝડપાયા
કરાયા નવ રાઉન્ડ ફાયરીંગ
રખિયાલ વિસ્તારમાં અંગત અદાવતમાં સ્થાનિકને માર મારીને નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ: શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલી કાશીબાઇની ચાલી નજીક મોડી રાત્રે નવ રાઉન્ડ ફાયરીંગ કરીને આતંક મચાવનારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અંગત અદાવતમાં સ્થાનિકને માર મારીને નવ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં રખિયાલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
ગોમતીપુર વિસ્તારમાં રહેતા નાસિરહુસૈન શેખ નામના વ્યક્તિએ રખીયાલ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, 21મી જાન્યુઆરીના દિવસે તેમના મિત્રની દીકરીની સગાઇ હોવાથી તેઓ મિત્રો સાથે કાશીબાઇની ચાલી પાસે ફુટપાથ બેઠા બેઠા તાપણી કરી રહ્યાં હતાં. આ દરમિયાન, ફજલએહમદ શેખ, તેનો ભાઇ અલ્તાફ અને ચાર મિત્રો ગાડીમાં ત્યાં આવી પહોચ્યાં હતાં અને ફજલ એહમદ શેખએ આવીને કહ્યું હતું કે, "ઇકબાદ બાટલી કહા હૈ", આ બાદ ફરિયાદીએ મને ખબર નથી, હું તેને ઓળખતો નથી, તેમ કહેતા ફજલ ઉશ્કેરાઇ ગયો હતો અને મારા મારી કરવા લાગ્યા હતા. જો કે બુમાબુમ થતાં ફજલએહમદ શેખ તેની ગાડીમાંથી પિસ્તલ લઇને આવીને ફાયરીંગ કરવા લાગ્યો હતો. આ બાદ, બુમાબુમ અને નાસભાગ થતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતાં.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને SOG સહીત પોલીસ આરોપીને પકડવા માટે કામે લાગી હતી. આ બાદ, SOGને બાતમી મળતા ફઝલ શેખ, મેહફુસમિયા મલેક અને લુકમાન ઉર્ફે સમીર ભટ્ટીની નરોડા પાસેથી ધરપકડ કરી છે. આરોપી ફઝલની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, જુહાપુરના જાવેદ નામના શખ્સ પાસેથી 40 હજારમાં હથિયાર ખરીદ્યું હતું. જે હથિયાર વડે ફઝલે ફાયરિંગ કરી રિલ પણ બનાવી હતી.
આ ઘટનામાં પકડાયેલ 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી ફઝલ વિરુદ્ધ આ અગાઉ બાપુનગર તથા રખીયાલમાં 5 જેટલા શરીર સંબંધી ગુનાઓ દાખલ થયા છે. જેને પાસા પણ કરવામાં આવ્યા હતા. આરોપી લુકમાન વિરુદ્ધમાં રામોલ તથા ખોખરામાં 10 જેટલા શરીર સંબંધી ગુનાઓ દાખલ થયા છે. આ સાથે, તેને બે વખત પાસા પણ થયા છે. જ્યારે મેહફુસમિયા મલેક વિરુદ્ધમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયેલો છે. હાલમાં પોલીસએ આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.