નાનપણથી જ ચા પ્રત્યેનો લગાવ જોઈ લોકો મને ચા ની ડ્રેનેજ લાઈન કહેતા
અમદાવાદમાં રહેતી નેહા ભટ્ટએ અકસ્માતમાં પગ ગુમાવ્યા પણ હિંમત ન હાર્યા, મુશ્કેલીઓનો સામનો કરી આજે તેઓ પગભર થયા છે. તેઓ આજે અમદાવાદ રીવર ફ્રન્ટ અટલ બ્રીજ પાસે એપ્યુટી ટી સ્ટોલ ચલાવી રહ્યા છે. સાથે સાથે ઈ-ચા નો નવો કોન્સેપ્ટ પણ શરૂ કર્યો છે.
Parth Patel, Ahmedabad: કહેવાય છે કે મન મક્કમ હોય તો માણસ મહા મુશ્કેલી માંથી પણ નીકળી જાય છે. ત્યારે આ ઉધારણને અમદાવાદમાં રહેતી નેહા ભટ્ટે સાબિત કરી બતાવી છે. અકસ્માતમાં પગ ગુમાવ્યો પણ હિંમત ન હારી. આજે તેઓ એમપ્યુ ટી સ્ટોલ ચલાવી પગભર થયા છે. તેઓ પોતાના તમામ કામ જાતે જ કરે છે. હાલ તેઓ અટલ બ્રિજ રિવરફ્રન્ટની સામે એમપ્યુ ટી ચલાવી રહ્યા છે. સાથે સાથે ઓનલાઈન ઈ-ચા નો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી જરૂરિયાતમંદ લોકોને ચા પીવડાવી શકો છો.
બગોદરા હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થતા હું ગંભીર રીતે ઘાયલ થઈ
નેહા ભટ્ટે વાત કરતા જણાવ્યું કે હું એક સામાન્ય પરીવારમાંથી આવું છું. નાનપણથી મારું એક જ સ્વપ્ન હતું કે ભણીગણીને જીવનમાં કંઈક નવું કરવાનું. મારો જન્મ મહુવામાં થયો હતો. ધોરણ 12 પાસ કર્યા બાદ મોન્ટેસરીનો અભ્યાસ કર્યો. પરંતુ પરીવારની સ્થિતિ આર્થિક રીતે નબળી હોવાને લીધે પરીવારને ટેકો આપવા જોબ શરૂ કરી.
મને ગાંધીનગરની એક શાળામાં શિક્ષક તરીકે સારી નોકરી મળી ગઈ. અમે મહુવામાં પરીવાર સાથે ભાડાના મકાનમાં રહેતા હતા. પોતાનું મકાન ખરીદવા માટે અમે બેન્કમાં લોન મેળવવાનો પ્રયત્ન કરતા હતા. પરંતુ કોઈ કારણસર ફાઈલ અટકી પડતી હતી. અચાનક એક દિવસ બેન્કમાંથી ફોન આવ્યો કે તમારી લોન પાસ થઈ જશે. પરંતુ તેના માટે તમારા સાઈનની જરૂર છે.
બીજા દિવસે હું સવારે વહેલા ઊઠી સરકારી બસમાં ઘરે જવા અમદાવાદથી નીકળી. પરંતુ રસ્તામાં બગોદરા હાઈવે પર અમારી બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયો. આ ભયંકર અકસ્માતમાં હું ગંભીર રીતે ઘાયલ થઈ. ત્યારબાદ મને 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં સારવાર કરવામાં આવી.
વધુમાં જણાવતા કહ્યું કે થોડા દિવસતો હું કોમામાં હતી. કોમામાંથી બહાર આવ્યા બાદ મને ખબર પડી કે અકસ્માત વખતે મારા શરીરના ડાબા ભાગમાં વધારે અસર થઈ હતી.
જેમાં મોંઢાના જડબાના ભાગે 20 થી વધુ ટાંકા આવ્યા હતા. હાથ અને શરીરના અન્ય ભાગે ઈજા થઈ હતી. જ્યારે ડાબા પગનો અડધો ભાગ વધારે ઈજા થવાથી કપાવો પડ્યો હતો. થોડા સમય બાદ કપાયેલા પગમાં ઈન્ફેક્શન વધતા 80% જેટલો પગ ફરી કપાવો પડ્યો.
મારા પગની આવી દુર્દશા જોઈને હું ખૂબ રડી. કારણ કે મેં જિંદગીમાં પણ આવું ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ મારી આવી હાલત થશે. બે દિવસ સુધી હું ખાધા-પીધા વગર રડતી જ રહી. આવા સમયે મારા પરિવારે મને ખૂબ સાથ સહકાર આપ્યો અને આગળની જિંદગી જીવવા માટે હિંમત આપી.
નાનપણથી જ ચા પ્રત્યેનો લગાવ જોઈ લોકો મને ચા ની ડ્રેનેજ લાઈન કહેતા
એક દિવસ મને વિચાર આવ્યો કે મારી પાસે ભલે એક પગ નહોય પરંતુ ભગવાને આપેલી આવડતનો ઉપયોગ કરીને હું આગળ વધીશ. પરિવારના સાથ અને સહકારથી મનોબળને મક્કમ રાખી મેં ચા નો બિઝનેસ શરૂ કર્યો. ચા શરૂ કરવાનું મુખ્ય કારણ એ હતું કે નાનપણથી જ ચા પ્રત્યે મારો અનોખો લગાવ હતો. લોકો મને ચા ની ડ્રેનેજ લાઈન કહેતા. કેમ કે જુદી જુદી ચા નો ટેસ્ટ કરવાની અને ચા બનાવવાની આ બંને કળા મારી પાસે હતી.
આ અનોખી કળાને મેં મારા બિઝનેસમાં ઝંપલાવ્યું. અને હાલમાં મેં એમપ્યુ ટી નામનો ચા નો સ્ટોલ શરૂ કર્યો છે. ચા ના આ બિઝનેસને હું વધુ આગળ લઈ જઈ અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઈચ્છા ધરાવું છું. ખાસ વાત એ છે કે અહીં આવતા દરેક કસ્ટમરને માત્ર 10 રૂપિયામાં માટીની કુલડીમાં સ્વાદિષ્ટ ગરમા ગરમ ચા-કોફી સર્વ કરવામાં આવે છે. આ સાથે મેં ઈ-ચા નો નવો કોન્સેપ્ટ શરૂ કર્યો છે. જેમાં તમે ઓનલાઈન પેમેન્ટ કરી જરૂરિયાતમંદ લોકોને ચા પીવડાવી શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.