અમદાવાદ: ધોરણ 12 સાયન્સના કેટલાક વિષયોમાં સિલેબસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાસ કરીને એનસીઈઆરટી દ્વારા પ્રકાશિત ફિજીક્સ, કેમેસ્ટ્રી, મેથ્સના પુસ્તકમાં કોર્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે સિલેબસમાં કરવામાં આવેલા આ ઘટાડાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર શું અસર થશે તે જાણવું જરુરી છે. કારણ કે, ધોરણ 12 સાયન્સએ મેડિકલ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે કારકિર્દિ બનાવવા માટે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે. ત્યારે ત્રણ મહત્વના વિષયોના દુર કરવામાં આવેલા કેટલાક ટોપિક વિદ્યાર્થીઓને ફાયદો કરાવશે કે નુકસાન તે પણ મહત્વનુ બની જાય છે.
એનસીઈઆરટી દ્વારા વર્ષ 2023માં જે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યા છે તેમાં ધોરણ 12 સાયન્સમાં કેટલાક ટોપિકને રિડ્યુસ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ફિજિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ જેવા સબજેક્ટના ટોપિકમાં થયેલો ઘટાડો વિદ્યાર્થીઓ માટે કેટલો મહત્વનો છે તેનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર શું અસર થઈ શકે તે જાણવાનો પ્રયાસ ન્યુઝ18 ગુજરાતીએ કર્યો છે. આ અંગે ધોરણ 12 સાયન્સના શિક્ષક પુલકિતભાઈ જણાવે છે કે, 2023 માટે એનસીઈઆરટી દ્વારા જે પુસ્તક પ્રકાશિત કરાયું છે તેમાં ધોરણ 12 સાયન્સ કેટલાક ટોપિક રીડ્યુસ કર્યા છે.
એનસીઈઆરટી મતે 30 ટકા સિલેબસમાં ઘટાડો થયો છે. ભૌતિક વિજ્ઞાન માટે વાત કરીએ તો વધારાનું સ્વાધ્યાય ઓલ્ડ સિલેબસમાં હતું તે ડિલીટ થયું છે અને કેટલાક ચેપ્ટરના અમુક ટોપિક રિડ્યુસ કર્યા છે. સરસાયણ વિજ્ઞાનમાં 5થી 6 ચેપ્ટર ઓછા થયા મેથ્સમાં દરેક ચેપ્ટરમાં અમુક અમુક દાખલા કેન્સલ થયા છે. ફિજીક્સમાં 170 પેજ ગત વર્ષ કરતા ઓછા કરાયા છે. મેથ્સ અને કેમેસ્ટ્રીમાં 165 પેજ ઘટાડ્યા છે એટલે કુલ 500 પેજ જેટલો ઓછો સિલેબસ વિદ્યાર્થીઓ માટે કરાયો છે.
બી ગ્રુપની વાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓને મેડિકલમાં જવું છે તેઓને નીટમાં ફાયદો થશે કારણ કે, ત્રણેય પુસ્તકોમાં કુલ 500 પેજ ઓછા થયા છે. તેવી જ રીતે એ ગ્રુપમાં એટલે કે જે વિદ્યાર્થીઓ જેઈઈ, ગુજસેટ કે બોર્ડની એક્ઝામ આપશે તો તેઓને તેના પુરતો તો ચોક્કસ ફાયદો થશે.
વિદ્યાર્થીઓને શું નુકસાન
એન્જિનિયરીંગ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓને બોર્ડ એક્ઝામ કે, પ્રવેશ પરીક્ષા માટે ભલે ફાયદો દેખાતો હોય પરંતુ જ્યારે હાયર સ્ટડી માટે કોલેજમાં કે યુનિવર્સિટીમાં આગળ જશે તો તેઓએ અભ્યાસમાં મુશ્કેલી થઈ શકે. કારણ કે એન્જિનિયરિંગમાં મેથ્સ, ફિજીક્સ એ ખુબ મહત્વના સબજેક્ટ છે તેમાં જો ટોપીકમાં ઘટાડો થાય તો આગળ જતા વિદ્યાર્થીઓને મુશકેલીઓ થઈ શકે.
મહત્વનું છે કે, એનસીઈઆરટીએ 2023માં બુક પ્રકાશિત કરી છે તેની એક્ઝામ 2024માં લેવાશે. એટલે આ વર્ષે ઓરિજનલ સિલેબસ છે તે જ પ્રમાણે નીટ, જેઈઈ અને ગુજસેટની એક્ઝામ લેવાશે.