Home /News /ahmedabad /PM Modi Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ, ‘...એ દિવસ દૂર નથી જ્યારે હવે ગુજરાતમાં વિમાન પણ બનશે’
PM Modi Speech: વડાપ્રધાન મોદીએ કહ્યુ, ‘...એ દિવસ દૂર નથી જ્યારે હવે ગુજરાતમાં વિમાન પણ બનશે’
વડાપ્રધાને મહેસાણાના દેલવાડામાં જંગી જાહેર જનસભાને સંબોધન કર્યુ હતુ.
PM Modi Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય ગુજરાત પ્રવાસના પહેલા દિવસે મહેસાણામાં જાહેર જનસભાને સંબોધી હતી. તેમાં તેમણે ગુજરાતના ઔદ્યોગિક વિકાસ વિશે વાત કરી હતી અને કોંગ્રેસ પર આકરાં પ્રહાર પણ કર્યા હતા.
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણાના દેલવાડાના સંબોધન દરમિયાન કહ્યુ હતુ કે, ‘હવે એ દિવસ દૂર નહીં હોય કે જે તમે ઉપર વિમાન જોવો છો તે ગુજરાતમાં બનશે.’ ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ અભૂતપૂર્વ વિકાસ કર્યો હતો. હવે તેઓ ભારતના વડાપ્રધાન છે ત્યારે પણ ગુજરાતમાં વધુ ને વધુ ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવા માટે કાર્ય કરી રહ્યા છે.
મારે અનેકગણું કામ કરવું છેઃ મોદી
તેમણે કહ્યુ હતુ કે, ‘હિન્દુસ્તાનનું મોટામાં મોટું કામ તમારા અહીં બેચરાજી માતાના ચરણોમાં થવાનું છે. લિથિયન આયર્નનો પ્લાન્ટ પણ અહીં હસલપુરમાં છે. આટલેથી સંતોષ માનવાનો નથી. મેં આટલું તો કર્યુ જ અને હજુ અનેકગણું કરવું છે. વીજળી પહોંચે, પાણી પહોંચે તો જ ઔદ્યોગિક વિકાસ થાય. કૃષિ ક્ષેત્રે વિકાસ થાય. દૂધ ઉત્પાદનમાં પણ વિકાસ થાય. મહેસાણા હવે દવા, પ્લાસ્ટિક, સિમેન્ટ, એન્જિનિયરિંગ માટેનું ઉર્જા કેન્દ્ર બન્યું છે.’
વધુમાં તેમણે ઉમેર્યુ હતુ કે, ‘જાપાનવાળા ગાડી અહીંયા બનાવે છે અને અહીંયાથી જ પાછી જાપાન લઈ જાય છે. ત્યાં ચલાવે છે. અહીં જાપાનવાળા પૈસા રોકે છે. ગુજરાતીઓની બુદ્ધિ, ગુજરાતીઓનો પરસેવો તેમાં છે. અહીંયાથી ગાડીઓ પણ વાપરવા માટે જાપાનવાળા મગાવે છે. અહીં ત્રણ પ્લાન્ટ લાખો ગાડીઓ બનાવે છે.’
કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ હતુ કે, ‘એક સમય હતો ત્યારે ગુજરાતમાં સાયકલનાંય સાંસા હતા. ગુજરાતમાં સાયકલ પણ નહોતી બનતી. જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં હવે ગાડીઓ બની રહી છે અને એ દિવસ દૂર નહીં હોય જ્યારે તમે જે ઉપર વિમાન જોવો છો તે પણ ગુજરાતમાં જ બનશે.’
ગુજરાતમાં વિકાસ દેખાય છેઃ મોદી
વધુમાં વડાપ્રધાન કહે છે કે, ‘આજે ગુજરાતમાં વિકાસ દેખાય રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે. આ નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર આવી એટલે જ વિકાસની ગતિ વધી ગઈ છે.’