અમદાવાદઃ શહેરના કાલુપુર વિસ્તારમાં ધોળે દિવસે ખૂની ખેલ ખેલાયો છે. યુવકને દોડાવી દોડાવીને તલવારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. જો કે, ચોંકાવનારી બાબત તો એ છે કે, પોલીસ ચોકીથી માત્ર થોડા જ અંતરે આ બનાવ બન્યો છે. વટવા સૈયદવાડી વિસ્તારમાં રહેતા સાબાન હુસેન ઉર્ફે સાબાનઅલી મોમીન નામના યુવકને લગ્ન પ્રસંગમાં જમવાનું લાઇનમાં આપવા બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવત રાખીને ચાર લોકોએ હત્યા કરી દીધી છે. આ મામલે વટવા વિસ્તારમાં રહેતા મોહંમ્મદ ફૈઝાન મોમીનએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદીના બહેન ના લગ્ન હોવાથી લગ્ન પ્રસંગમાં સાદિક હુસૈન, રફીક હુસૈન, અને લિયાકત હુસૈન નામના વ્યક્તિઓ પણ જમણવારમાં આવ્યા હતા. તે વખતે લિયાકત હુસૈને ફરિયાદીના ભાઈ નાઝીમ ઉર્ફે ઝીંગો શેખને લાઈનમાં જમવાનું આપ તેમ કહીને ગાળ બોલતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ફરિયાદીએ વચ્ચે પડતા તેની સાથે પણ ઝઘડો કર્યો હતો. તે ઝઘડાની અદાવત રાખીને સાદીક હુસૈન, રફીક હુસૈન, લિયાકત હુસૈન તથા નાસીર હુસૈને ભેગા મળીને ફરિયાદી જ્યારે ઓટો રિક્ષામાં કાશીમ હુસૈન તથા સાબાન હુસૈન બેસાડીને સારંગપુર સિંધી માર્કેટ પહોંચ્યો હતો તે દરમિયાન એક ઓટોરિક્ષાચાલકે તેમની રીક્ષાની ઓવરટેક કરવાની કોશિશ કરી હતી. જો કે, તેમણે રીક્ષા ઉભી ના રાખતા આરોપીઓએ રીક્ષા પર તલવાર વડે ઘા માર્યા હતા.
ત્યારબાદ ફરિયાદી રીક્ષા લઇને પાંચકુવા પાસે પહોંચતા સાહીક હુસૈને તલવાર વડે ફરિયાદી પર હુમલો કરતા તેને પીઠના ભાગે ઇજા પહોચી હતી. જો કે, ટ્રાફિક હોવાથી તેઓ રીક્ષા ઉભી રાખીને ત્રણેય રીક્ષામાંથી ભાગવા જતા સાહીત હુસૈન તથા લિયાકત હુસૈને તલવાર ચપ્પા તેમજ સળિયા વડે પાછળ આવીને સાબાન હુસૈન તથા કાશી હુસૈન અને પર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન સાબાન હુસૈનનું મૃત્યુ નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા કાલુપુર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આ બાબતે સાદીક હુસૈન મોમીન, રફીક હુસૈન મોમીન, લિયાકત હુસૈન મોમીન અને નાસીર હુસૈન મોમીન વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.