Mother Murdered Daughter: અમદાવાદમાં ત્રણ માસની બાળકીના સારવાર માટે આવેલ માતાએ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે.
અમદાવાદ: ‘મા તે મા બીજા બધા વગડાના વા’ અને ‘જનનીની જોડ સખી નહીં જોડે રે લોલ’ સહીતની અનેક કહેવતો મા માટે કહેવામાં આવી છે. પોતે ભૂખી સુઇને દિકરાના મોઢામાં કોળિયા મુકવાની વાતો નવી નથી. પરંતુ આ તમામ કહેવાતોને નિરર્થક સાબિત કરતો કિસ્સો શહેરની સિવિલ હોસ્પિટલમાં બન્યો છે. જ્યાં માત્ર ત્રણ માસની બાળકીના સારવાર માટે આવેલ માતાએ બાળકીને ત્રીજા માળેથી નીચે ફેંકી દઇને હત્યા કરી દીધી છે. બાદમાં આ જ માતાએ બાળકી ગુમ થઇ હોવાની જાહેરાત કરી હતી. પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે માતાની કરતુતોનો પર્દાફાશ થઈ ગયો છે. પોલીસએ આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
માતા બની પોતાની દીકરીની હત્યારી
આણંદ વિસ્તારમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેની 2 માસ 25 દિવસની દીકરી જન્મની સાથે જ બીમાર રહેતી હતી. પ્રથમ તેને વડોદરા ખાતેની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં 24 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવામાં આવી અને ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. બાળકીના જન્મ સમયે તે ખરાબ પાણી પી ગઇ હોવાથી તેની તબિયત ખરાબ થઇ હોવાનું ફરજ પરના ડોક્ટરએ જણાવ્યું હતું. જો કે બાળકીની તબિયતમાં સુધારો આવતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હોસ્પિટલ માતાએ પોતાની દીકરીને ત્રીજા માળેથી ફેકી દીધી
ઉલ્લખનીય છે કે, 14મી ડિસેમ્બરના દિવસે બાળકીનું આતરડું બહાર આવી જતાં તેને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે વધુ સારવારની જરૂર હોવાથી ફરજ પરના ડોક્ટરએ તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવા માટે કહ્યું હતું. જેથી તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. 1200 બેડની હોસ્પિટલમાં ત્રીજા માળે બાળકીને દાખલ કરવામાં આવેલ હતી. જેની પાસે તેની માતા રહેતી હતી. સવારે જ્યારે ફરિયાદી પ્રતિક્ષા કક્ષમાં સુતા હતાં ત્યારે તેની પત્ની આવી અને બાળકી મળતી ન હોવાની જાહેરાત કરી હતી. જો કે ફરિયાદીએ પણ આસપાસમાં તપાસ કરી હતી. પરંતુ બાળકી મળી આવી ના હતી.
આથી આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસએ સીસીટીવી કેમેરાની મદદથી બાળકી શોધવા માટેની તજવીજ શરૂ કરી હતી. પરંતુ તેમાં આ બાળકીને તેની માતા જ વહેલી સવારે લગભગ સવા ચારેક વાગ્યાની આસપાસ વોર્ડની બહાર લઇ આવીને ગેલેરીમાં પિલ્લર પાસે ઉભી રહેલ જોવા મળી હતી. જો કે થોડી વાર બાદ તે ખાલી હાથે વોર્ડમાં પરત જતી જોવા મળી હતી. જેથી પોલીસે બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતુ કે બાળકી જન્મથી જ બીમાર રહેતી હોવાથી તેણે જાતે જ બાળકીને ગેલેરીમાંથી નીચે ફેંકી દીધેલ છે. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરતાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જે અંગે પોલીસએ હત્યાનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.