અમદાવાદઃ ગાંધીનગરના રહેવાસી અને અમદાવાદમાં ફોરેન એક્સચેન્જનું કામ કરતા એક વ્યક્તિ કારમાં 12.75 લાખ રૂપિયા લઇને નીકળ્યા હતા. તેઓ પાસપોર્ટ ઓફિસે પહોંચ્યા ત્યારે તેમની કારમાં કાંઇ ખખડવાનો અવાજ આવ્યો હતો. બાદમાં તેઓ આગળ ગયા ત્યારે એક બાઇક પર આવેલો બુકાનીધારી શખ્સ કાચ પર હાથ મારતો હતો. જેથી ફરિયાદીએ તેઓની કાર રોકી અને શું તકલીફ છે ભાઇ તારે તેમ કહી રકઝક કરતા હતા. કારમાંથી બહાર નીકળી તેઓ બાઇક સવાર બુકાનીધારી આગળ જતા તેની પાછળ ગયા હતા. ત્યાં પરત આવ્યા ત્યારે કારનો કાચ તુટેલો હતો. કારમાં પડેલી 12.75 લાખ ભરેલી બેગ પણ ગાયબ હતી. જેથી તેઓની રોકડ રકમ ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરમાં રહેતા મનીષભાઇ ભટ્ટ અમદાવાદમાં ફોરેન એક્સચેન્જને લગતુ કામ કરી વેપાર કરે છે. તેઓ શનિવારે સીજી રોડથી નીકળી નવરંગપુરા થઇ પાસપોર્ટ ઓફિસથી તેમના મિત્રની એલિસબ્રીજ ખાતેની ઓફિસે જતા હતા. પાસપોર્ટ ઓફિસ પહોંચતા તેમની ગાડીમાં કાંઇ ખખડવાનો અવાજ આવ્યો હતો.
બાદમાં તેઓ ત્યાંથી પાંજરાપોળ થઇને સહજાનંદ કોલેજ થઇને આયકરભવન જવાના રસ્તા તરફ ગયા હતા. ત્યા પાછળ એક શખ્સ મોઢે રૂમાલ, હેલમેટ અને ચશ્મા પહેરીને આવ્યો હતો. તેણે કાચ પર હાથ મારતા મનીષભાઇએ ગાડી ઉભી રાખી હતી. તેઓ કારમાંથી ઉતરીને આ બાઇક વાળાને બોલ ભાઇ તારે શું તકલીફ છે તેવું કહી રકઝક કરતા હતા. બાદમાં બાઇક ચાલક ત્યાંથી આગળ જતો રહેતા તેઓ તેની પાછળ ગયા હતા.
થોડીવાર રહીને મનીષભાઇ પરત કાર પાસે આવ્યા ત્યારે તેઓની ગાડીનો ખાલી સાઇડનો દરવાજાનો કાચ તુટેલો હતો. ગાડીમાં રહેલી બેગ પણ ગાયબ હતી જેથી તેઓએ બુમાબુમ કરતા એક ભાઇએ જણાવ્યું કે, એક વ્યક્તિ બેગ ચોરી પાંજરાપોળ તરફ ભાગ્યો હતો.
બેગમાં રહેલા 12.75 લાખની ચોરી થતાં મનીષભાઇએ આ મામલે એલિસબ્રીજ પોલીસસ્ટેશનમાં ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.