Home /News /ahmedabad /અમદાવાદમાં પણ મોરબીવાળી થઈ શકે છે!, લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત અતિ બિસ્માર

અમદાવાદમાં પણ મોરબીવાળી થઈ શકે છે!, લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત અતિ બિસ્માર

અમદાવાદમાં પણ મોરબીવાળી થઈ શકે છે!

Lal Bahadur Shastri Bridge: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જોડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વાર આવી દુર્ઘટના ન બને તે માટે તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે.

વધુ જુઓ ...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં સાબરમતી નદી પર આવેલ પૂર્વથી પશ્ચિમને જોડતો લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. આ બ્રિજ ગમે ત્યારે દુર્ઘટના સર્જી શકે તેવી પરિસ્થિતિ છે પરંતુ અહી ન તંત્રનું ધ્યાન આવે છે કે ન તો નેશનલ હાઇવે ઓથોરિટીનું! બ્રીજ પર પસાર થવુ લોકોની મજબૂરી છે, ડર લાગતો હોવા છતા પણ બ્રીજ પરથી ચાલવા લોકો મજબૂર બન્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી એક વાર આવી દુર્ઘટના ન બને તે માટે તંત્રએ તકેદારી રાખવી જરૂરી છે.

લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ સમારકામ માંગી રહ્યો છે


અમદાવાદમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ સમારકામ માંગી રહ્યો છે. સાબરમતી નદી પર આવેલ લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજ 40 વર્ષથી પણ વધારે જૂનો છે. અમદાવાદ શહેરને પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો આ બ્રિજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત માટે મહત્વનો ગણવામાં આવે છે. વિશાલા સર્કલથી નારોલ જવા માટે રોજના લાખો વાહનો અહીંયાંથી પસાર થાય છે. આ બ્રિજ બિસ્માર છે અને અહીંના રોડ પણ તૂટેલા છે. જ્યારે બ્રીજને બંને બાજુથી કોરડન કરતી પાળીમાંથી સળિયા બહાર આવી ગયા છે.

આ પણ વાચો: પરિણીતા બની ઘરેલું હિંસાનો શિકાર, સીગારેટ પિવાની ના પાડતાં પતિએ આપ્યા ડામ 

વાંચો ન્યૂઝ18 ગુજરાતીનો ખાસ અહેવાલ


આ બાબતે ન્યૂઝ18 ગુજરાતીનું ધ્યાન દોરતાં રિક્ષા ચાલક ઈમ્તિયાઝભાઈએ જણાવ્યું કે, ગ્યાસપુર બ્રિજ એક હાથ જેટલો નીચે પડી ગયો છે છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. એક ટેમ્પો ચાલકે  ન્યૂઝ18 ગુજરાતીની ટીમને જણાવ્યું હતું કે, જ્યારે પણ અહીથી પસાર થઈએ ત્યારે વિચાર આવે છે કે અહીં મોરબી જેવી ઘટના બની શકે છે. સાઈડ પરથી બ્રિજ તુટેલો ન દેખાય તે માટે તંત્રએ પતરા માર્યા છે. અચાનક કોઈ ઘટના બને તો કોણ જવાબદાર?

આ બ્રિજ પરથીતંત્રની ઉદાસીનતા જણાય છે


આ બાબતે ગ્યાસપુર વિસ્તારનાં રહેવાસી નટવરભાઈ રાવલે જણાવ્યું કે, ‘હું જ્યારે રાત્રે અહીંથી નીકળું છું ત્યારે જલદીથી બ્રિજ ક્રોસ કરી લઉ છું. મને ડર લાગે છે કે ક્યાંક બ્રિજ પડી ના જાય. અમદાવાદનો આ છેલ્લો બ્રિજ છે જે પુર્વથી પશ્વિમ વિસ્તારને જોડે એટલે અહીં તંત્રની ઉદાસીનતા જણાય છે.’

આ પણ વાંચો: સાયન્સ સિટીના બાળકોને ચંદ્રગ્રહણનો થયો અનોખો અનુભવ, જુઓ તસવીરો 

બ્રિજનું સમારકાર કોણ કરાવશે?


અમદાવાદમાં બનાવવામાં આવેલો આ બ્રિજ તુટેલો છે પરંતુ ન કરે નારાયણ જો કોઈ અઘટિત ઘટના બની તો જવાબદારી કોની રહેશે? અહીં માથું ફાટે એવી દુગર્ધ અને કેમિકલનું પાણી કોઈનો જીવ લઈ શકે તેમ છે. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજનું સસ્પેન્સર બદલીને રીનોવેશન કરવામાં આવ્યું છે પરંતુ વિશાલાથી નારોલને જોડતા લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજનું બાકી રાખવામાં આવ્યું છે. આ બ્રિજ નેશનલ હાઈવે ઓથોરિટીની હસ્તક આવતો હોવાથી અમદાવાદ કોર્પોરેશ આ બ્રિજનું રીનોવેશન કે સમારકામ કરી શકતું નથી.

બ્રિજનું કોઈપણ કામ કરવામાં આવતું નથી


કોર્પોરેશન દ્વારા આ નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર પત્ર લખીને જાણ કરવામાં આવી છે. આ અંગે બ્રિજ પ્રોજેક્ટ સીટી ઈજનેર હિતેશ કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે બ્રિજ માટે વારંવાર પત્ર લખીને રજુઆત કરવામાં આવી છે છતાં આ બ્રિજનું કોઈપણ કામ કરવામાં આવતું નથી. આ બ્રિજ કોર્પોરેશનમાં નથી આવતો પરંતુ નાગરિકોની સલામતી માટે અમે આ બ્રિજ માટે પત્રો લખ્યા છે.’

આ પણ વાંચો: જો સાથે એક લાખથી વધુની રોકડ લઈને ફરો છો તો સાવધાન!, જાણો ચૂંટણી પંચે શું કહ્યું?

આખરે તંત્ર ક્યારે ક્યારે જાગશે?


સમારકામ માંગતા આ બ્રિજ તરફ ન તો તંત્રનું ધ્યાન છે કે ન તો નેશનલ હાઈવે ઓફ ઓથોરિટીને જાણ છે. બ્રિજના દ્રશ્યો ચાડી ખાય છે કે આ બ્રિજ સમારકામ માંગે છે. સવાલ અહી એ થાય છે કે, શું તંત્રને આ બ્રિજની બિસ્માર હાલત નજરે નહી આવતી હોય? જે પણ વ્યક્તિ આ બ્રિજ પરથી પસાર થાય છે તેને બિલકુલ ખબર હશે કે આ બ્રિજ પરથી પસાર થતા જે કંપન અનુભવાય છે. અને તે દરેક વ્યક્તિ માટે જોખમી બની શકે છે. ત્યારે ન્યુઝ18 પણ સવાલ પૂછી રહ્યું છે કે, આખરે તંત્ર ક્યારે ક્યારે જાગશે?
Published by:Vimal Prajapati
First published:

Tags: Bridge, અમદાવાદ, ગુજરાત, સાબરમતી

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन