Home /News /ahmedabad /મોરબી દુર્ઘટનાઃ જયસુખ પટેલને મૃતક દીઠ 10 લાખ વળતર ચૂકવવાનો હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

મોરબી દુર્ઘટનાઃ જયસુખ પટેલને મૃતક દીઠ 10 લાખ વળતર ચૂકવવાનો હાઈકોર્ટનો વચગાળાનો આદેશ

ગુજરાત હાઈકોર્ટનો મોરબી કેસમાં વચગાળાનો આદેશ

Morbi Cable Bridge Case: મોરબીની કેબલ બ્રિજ દુર્ઘટનામાં હાઈકોર્ટ દ્વારા મહત્વનો વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે. મૃતક દીઠ ઓરેવ કંપનીના માલિક જયસુખ પટેલને તેમના પરિવારજનોને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય ઘાયલોને 2 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલની બેદરકારીના કારણે મૃત્યુ પામેલા પરિવારના સ્વજનોને 10 લાખ આપવાનો આદેશ કર્યો છે. આ વળતર એકથી બે અઠવાડિયામાં ચૂકવવા માટેનો આદેશ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ સિવાય જે લોકો આ દુર્ઘટનામાં ઘાયલ થયા છે તેને 2 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. હજુ પણ હાઈકોર્ટ આગામી સમયમાં આ કેસમાં મોટો નિર્ણય લઈ શકે છે.

જયસુખ પટેલના વકીલ દ્વારા શરુઆતમાં 3 લાખ અને પછી 5 લાખનું વળતર ચૂકવવાની તૈયારી બતાવી હતી પરંતુ હાઈકોર્ટે આ અંગે વચગાળાનો આદેશ આપ્યો છે તેમાં 10 લાખ રૂપિયા મૃતકના પરિવારને ચૂકવવા માટે ઓરેવા કંપનીને આદેશ કર્યો છે. આ કેસમાં મૃતકોના પરિવારજનો સવારથી ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યા હતા અને તેમણે કોર્ટ આ કેસમાં મોટો નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી હતી.

વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે તેને જોતા આગામી સમયમાં વળતર અને જે બાળકોએ માતા-પિતાની છત્રાછાયા ગુમાવી છે તેમને લઈને મહત્વનો નિર્ણય લઈને ચૂકાદો આપી શકે છે. આ કેસમાં પોતાના સ્વજનો ગુમાવનારા પરિવારજનો સિવાય અન્ય અરજદારો દ્વારા પણ વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા હાલ વચગાળાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટે મૃતકોની જરુરી વિગતો મગાવી હતી


આ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મૃતક પરિવારો કોણ છે, માતા-પિતા ગુમાવ્યા હોય તેવા કેસ કેટલા છે અને પરિવારે એકથી વધુ સભ્યો ગુમાવ્યા હોય તે સહિતની વિગતો મંગાવવામાં આવી હતી. જેના આધારે વચગાળાનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કેસમાં હજુ મહત્વનો ચુકાદો આપવામાં આવશે તેવી શક્યતાઓ કેસની ગંભીરતને જોતા માનવામાં આવી રહ્યું છે.


હાઈકોર્ટ પહોંચેલા પરિવારની આંખો ભરાઈ આવી


હાઈકોર્ટના વચગાળાના ચૂકાદા પહેલા કોર્ટની બહાર ઉપસ્થિત થયેલા મૃતકોના પરિવારજનોએ પોતાની લાગણી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, અમે ન્યાય માગવા માટે અહીં આવ્યા છીએ, બસ અમને ન્યાય મળે.. એક મહિલાએ પોતાની વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મેં 22 વર્ષનો દીકરો સોહેલ કાદરી મેં ગુમાવ્યો છે. હું ઈચ્છું છું કે મને ન્યાય મળે. અન્ય ઓક પીડિત પરિવારના મોભીએ જણાવ્યું કે, અમે આ દુર્ઘટનામાં દીકરો અને વહુ બન્નેને ગુમાવી દીધા છે, જ્યારે છ વર્ષની મારી પૌત્રીનો બચાવ થયો છે. આવી ઘટનામાં અમને ઈચ્છીએ છીએ કે અમને પુરેપુરો ન્યાય મળે.

પોતાની પત્નીની સાથે બાળકોને પણ ગુમાવનારા વ્યક્તિ પોતાની દીકરી સાથે હાઈકોર્ટ પહોંચ્યા છે, તેમણે કહ્યું કે આ દુર્ઘટનામાં મે મારું સર્વસ્વ ગુમાવ્યું છે. તેઓ ઈચ્છે કે હવે તેમને આ ઘટનામાં ન્યાય મળે.
First published:

Tags: Gujarat highcourt, Gujarati news, Morbi bridge collapse, મોરબી