#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાં

જે ગામોમાં તળાવો ઊંડા કર્યા તે ગામોમાં હવે વૃક્ષારોપણ થાય અને ગુજરાત હરીયાળું બને તે માટે આ વર્ષે 25,000 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે

News18 Gujarati
Updated: July 12, 2019, 6:34 PM IST
#MissionPaani મિત્તલ પટેલે લોકભાગીદારી થકી બનાસકાંઠામાં 87 તળાવો ઊંડા કર્યાં
ભિમપર ગામમાં તળાળ ઊંડુ કરાયું ત્યારે આખુ ગામ જોડાયું હતું
News18 Gujarati
Updated: July 12, 2019, 6:34 PM IST
વિજયસિંહ પરમાર

કોઇ વ્યક્તિને એવો અહેસાસ થાય કે, આ એક વિકટ સમસ્યા છે અને આગામી દિવસોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરશે તો શું કરવું જોઇએ તેનું ઉત્તમ ઉદાહરણ મિત્તલ પટેલે પુરુ પાડ્યું છે.

મિત્તલ પટેલનાં એક નિશ્ચયે બનાસકાંઠા જિલ્લાનાં 45 ગામોમાં 87 તળાવો ઊંડા કરી એ નવું અભિયાન ઉપાડ્યું અને હજ્જારો લોકો તેમા જોડાયાં. વાત પ્રેરક અને  રસપ્રદ છે.

મિત્તલબેન પટેલ 2006નાં વર્ષથી ગુજરાતમાં વિચરતા-વિમુક્ત સમુદાયો સાથે અને તેમનું જીવનધોરણ ઉંચુ આવે તે માટે કામ કરે છે. આ માટે તેમણે વિચરચા-વિમુક્ત સમુદાય સમર્થન મંચની સ્થાપના કરી છે.

છેવાડાનાં વિચરતા-વિમુક્ત સમુદાયોને મતદારકાર્ડ મળે અને એ દ્વારા તેમને સરકારની અન્ય યોજનાઓનો લાભ મળે એ માટે તેમણે સમગ્ર દેશમાં દાખલારૂપ કામ કર્યું છે.

પણ મિત્તલબેનને પાણી બચાવવા અને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડા કરવામાં કેમ રસ પડ્યો ? કહાની રસપ્રદ છે.
“વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં મળવા જવાનું થાય ત્યારે એ ગામોમાં લોકોને પણ મળવાનું થતું. આ પ્રસંગે મેં પીવાનાં અને સિંચાઇનાં પાણીનાં સ્ત્રોતો વિશે પણ પુછ્યું. આ મુલાકાતોમાં મેં જાણ્યું કે, સિંચાઇની વ્યવસ્થા ન હોય તે વિસ્તારોમાં લોકો ભુગર્ભજળનો ઉપયોગ કરતા.

તળાવો મૃતપ્રાય પડ્યા હતા. દિવસે-દિવસે તળ ઊંડા ઉતરતા ગયા. મને આશ્ચર્ય લાગ્યું કે. લોકો તળાવો કેમ ગાળતા નથી. આ સવાલ જ્ઞાતિ-ધર્મથી પર સૌને સ્પર્શતો હતો અને મને લાગ્યું કે, આ કામ તાત્કાલિક કરવાની જરૂર છે અને એટલે 2015નાં વર્ષમાં આસોદર ગામથી આ કામ શરૂ કર્યું અને તેના પરિણામાં સારા મળ્યાં,” મિત્તલ પટેલે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું.

તેમણે કહ્યું કે, બનાસકાંઠા જિલ્લાએ છેલ્લા ચાર વર્ષમાં જળવાયુ પરિવર્તનથી કેવી વિપરીત અસરો થાય છે તેનો જાત અનુભવ કર્યો. કેમ કે, 2015માં બનાસકાંઠામાં પુર આવ્યું, 2016માં અછત આવી, ફરી 2017માં પુર આવ્યું અને 2018માં બનાસકાંઠામાં દુષ્કાળની સ્થિતિ આવી.

અધગામનું તળાવ ભરાયું


38-વર્ષનાં મિત્તલ પટેલે લોકોને જાગૃત કરવા માટે ગામે-ગામ લોકો સાથે ચર્ચાઓ કરી, મિટિંગો કરી. લોકોને સમજાવ્યા. જાગૃત કર્યા અને લોકભાગીદારી થકી એક નવા અભિયાનની શરૂઆત કરી.

2017 અને 2018માં એમ બે વર્ષમાં વિચરતા-વિમુક્ત સમુદાય સમર્થન મંચ અને લોકભાગીદારી થકી 45 ગામોમાં 87 તળાવો ઉંડા કર્યા અને જુના પરંપરાને જીવતી કરી.

તળાવો ઊંડા કરવાનાં અભિયાનમાં મિત્તલ બેન જેસીબી મસીન અને ડિઝલ આપે અને ગામ લોકો તેમના ખર્ચે તળાવમાંથી નીકળતી માટી ટ્રેક્ટરો દ્વારા ઉપાડી તળાવનાં કાંઠે નાંખે અથવા તેમના ખેતરમાં નાંખે. ગામ લોકોએ નિશ્ચિત ફાળો પણ આપ્યો.

ગામે-ગામ લોકો સાથે મિટિંગો કરી જાગૃત કર્યા.


તળાવ ઊંડા કરવાની સામાજીક ઉત્તરદાયિત્વની એક શરત રાખી

જે ગામોએ તળવા ઊંડા કરવા માટે મિત્તલબેનનો સહયોગ લેવો હોય તેમની સામે મિત્તલબેને એક શરત રાખી. આ શરત મુજબ, જે ગામો વિચરતા-વિમુક્ત સમુદાયનાં લોકોને ગામમાં વસાવવા માટે તૈયાર હોય, તેમને જાતિનાં પ્રમાણપત્રો, રાશનકાર્ડ, મતદાર ઓળખકાર્ડ, જમીનનાં પ્લોટો વગેરે સરકારી સરકારી સહાય અપવવામાં પહેલ કરે તેવા ગામોમાં કામ કરવું.

“લોકોએ અમારી આ શરત માની અને વર્ષોથી કચડાયેલા સમાજને મદદ કરી અને તેમને સહારો આપ્યો. આ આપણું સામાજીક ઉત્તરદાયિત્વ છે. લોકોએ તે નિભાવ્યું. મેં ગામોમાં કહ્યું કે, ગામમાં વિચરતી—િમુક્ત જાતિનાં લોકોનાં હોય તો તે ગામમાં રહેતા ગરીબો, દલિતોને પણ મદદ કરો અને લોકોએ કરી, મારા માટે તળાવો ઊંડા કરવાનું અભિયાન સમાજનાં કચડાયેલા વર્ગો પ્રત્યે પ્રસ્થાપિત સમાજ સંવેદનશીલ બને એનું માધ્યમ બન્યું,” મિત્તલ પટેલે પાણી બચાવ અભિયાનનું હાર્દ સમજાવતા કહ્યું.

મહત્વની વાત એ છે કે, જે ગામોમાં તળાવો ઊંડા કર્યા તે ગામોમાં હવે વૃક્ષારોપણ થાય અને ગુજરાત હરીયાળું બને તે માટે આ વર્ષે 25,000 વૃક્ષો વાવવાનું આયોજન કર્યું છે. પાણી બચાવવાનાં અભિયાનની સાથે-સાથે હરીયાળું ગુજરાત અભિયાન પણ જોડાયું.

“હું જે-જે ગામોમાં ગઇ ત્યાં વડીલોએ કહ્યું કે, તેઓ જ્યારે નાના હતા ત્યારે દર વર્ષે આખું એકઠું થતું અને તળાવ ગાળતું. કેમ કે, તળાવ પાણી માટે મહત્વનો સ્ત્રોત હતો. છેલ્લા ત્રણ દાયકામાં આ પરંપરા બંધ થઇ અને પાણીની તંગી શરૂ થઇ, તળ ઊંડા થયા. આ પરંપરા ફરી જીવતી કરીએ તો આપણે ઘણાં પ્રશ્નો હલ કરીશું,” મિત્તલ પટેલે ઉજ્જવળ ભવિષ્ય વિશે આશા વ્યક્ત કરતા કહ્યું.

આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ડેવલપમેન્ટ ફોર વેલ્ફેર બોર્ડ ફોર ડી-નોટિફાઇડ, નોમેડિક એન્ડ સેમિ-નોમેડિક કોમ્યુનિટિઝની રચના કરવામાં આવી છે. આ બોર્ડનાં સભ્ય તરીકે મિત્તલ પટેલની નિમણુંક કરાઇ છે.
First published: July 4, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...