Home /News /ahmedabad /Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરી કરતા તસ્કરોનો આતંક, બેની ધરપકડ

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દૂધની ચોરી કરતા તસ્કરોનો આતંક, બેની ધરપકડ

પોલીસને આ ઘટનાની જાણ થતા જ તપાસ ચાલુ કરી હતી.

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં સફેદ સોનું એટલે કે દૂધ ચોરી થતું હતું. ત્યારે પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં એક વર્ષથી દરરોજ વિચિત્ર ઘટનાઓ બની રહી છે. ત્યારે ત્યાં સફેદ સોનું એટલે કે દૂધની ચોરી કરતા તસ્કરોએ હાહાકાર મચાવી દીધો છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર એવા નરોડા, નિકોલ, બાપુનગર, વસ્ત્રાલ, ઓઢવ, ખોખરા, અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં સફેદ સોનું એટલે કે દૂધ ચોરી થતું હતું. તસ્કરો દૂધની થેલી કે આખેઆખા કેરેટની ચોરી કરીને ફરાર થઈ જતા હતા. આ સફેદ સોનું ચોરવા માટે ચોર માત્ર રાત્રે 3થી 6નો સમય નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસને આ ઘટનાની જાણ થતા જ તપાસ ચાલુ કરી હતી. જેમાં આખરે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં 45 ગુનાઓની કબૂલાત કરવામાં આવી હતી.

સીસીટીવીએ ચોરોનો ભાંડો ફોડ્યો


શહેરનો પૂર્વ વિસ્તાર દિવસ-રાત લોકોની અવરજવરથી ધમધમતો વિસ્તાર છે. છતાં અહીં સફેદ સોનું એટલે કે દૂધની ચોરી કરનારા તસ્કરો સક્રિય છે. અહીંના અનેક વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી દૂધ વિક્રેતા પોતાની દુકાને આવે ત્યારે દૂધની થેલીઓ ઓછી હોવાની ફરિયાદ કરતા હતા. કોઈ વેપારીએ તપાસ કરાવી તો કોઈકે સીસીટીવી ચેક કર્યા હતા. ત્યારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચોઃ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો એક્શન પ્લાન

દૂધની ચોરીથી વેપારીઓ કંટાળી ગયા હતા


પહેલા તસ્કરોએ નિકોલ, કૃષ્ણનગર અને બાપુનગરમાં દૂધ ચોરીની શરૂઆત કરી હતી. ત્યારબાદમાં પોલીસની નિષ્ક્રિયતા હોવાથી અને કોઈ ફરિયાદ કરતું ના હોવાથી આરોપીઓની હિંમત વધી હતી. આરોપીઓ રિંગ રોડના ઓઢવ, નરોડા, નિકોલ, સરદારનગર જેવા વિસ્તારોમાં ફરવા લાગ્યા હતા. અહીં એકપછી એક ચોરીઓ વધી હતી. દૂધની ઘટ થતા વેપારીઓ દૂધ મૂકવા આવનારને પૂછતા પણ કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો. અંતે વેપારીઓઓ સીસીટીવીમાં નજર દોડાવી. તો બે લોકો રોજેરોજ દૂધની થેલીઓ અને કેરેટ લઈને જતા નજરે પડ્યા હતા.

પોલીસ ઉડાઉ જવાબ આપતી હતી


આ ઘટના અંગે ભોગ બનનાર વેપારી ચંદુભાઈ પોલરાએ જણાવ્યુ હતુ કે, ચોરી થતા તેઓ ફરિયાદ માટે કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ગયા હતા. જ્યાં પોલીસે કોઈ વાત ન સાંભળી અને ખુલ્લામાં મૂકેલી વસ્તુઓ તો ચોરી થાય એવો ઉડાઉ જવાબ આપ્યો હતો. બાદમાં અરજી લીધી અને ઓઢવ પોલીસે આરોપીઓ પકડ્યા એટલે ફરિયાદ નોંધી પોતાની વાહવાહી બતાવી છે.

આ પણ વાંચોઃ પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ

બે આરોપીની ધરપકડ કરવામાં આવી


બીજી તરફ ભોગ બનનાર ભુપેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, એકબાદ એક ઘટનાઓ બની તો તેમાં આરોપીઓની હિંમત વધી ગઈ. કેમ કે ના તો પોલીસ ફરિયાદ નોંધતી હતી કે ના તો વેપારીઓ દુકાનની અંદર માલ મૂકતા હતા. આ જ વેપારીના ઓળખીતા સાતેક લોકો ચોરીનો ભોગ બન્યા હતા. આ જ કારણથી આરોપીઓએ એક બાદ એક ચોરીને અંજામ આપ્યો હતો અને બાદમાં ઓઢવ વિસ્તારમાં ઉપરાછાપરી ત્રણેક ઘટના બનતા ઓઢવ પોલીસે આખરે એક ટીમ બનાવી દિવસ રાત જાગીને આ ગુનાનો ભેદ ઉકેલી કાઢતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ એક, બે કે પાંચ દસ નહીં પણ સમગ્ર પૂર્વ વિસ્તારમાં 45થી વધુ ચોરીને અંજામ આપ્યો હોવાનું એ ડિવિઝન એસીપી કૃણાલ દેસાઈ એ જણાવ્યું છે.

આરોપીઓની 45 ચોરી કરી હોવાની કબૂલાત


ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ. કંડોરિયાએ જણાવ્યુ હતુ કે, તેમના વિસ્તારમાં ત્રણેક ઘટના બનતા જ તેઓની ટિમને એક્ટિવ કરાઈ હતી અને તાત્કાલિક ફૂટેજ જોઈ આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. આરોપીઓએ 45 ચોરીની કબૂલાત કરી છે, પણ વધુ ચોરી કરી હોવાની શંકા પણ છે. તો બીજી તરફ આરોપીઓ એકબાદ એક ચોરીને અંજામ આપતા હોવાથી હવે વેપારીઓ પણ એલર્ટ થયા છે. ઓઢવ પોલીસે આ બાબત ગંભીરતાથી લીધી અને એક ટિમ બનાવી આરોપીઓને શોધવામાં લાગી હતી. જેમાં સીસીટીવી ફૂટેજ આધારે પોલીસે નરોડાના દિપક ઠાકોર અને દશરથ ઉર્ફે અમરત ઉર્ફે કાળિયો ઠાકોરની ધરપકડ કરી છે. આરોપીઓએ એકાદ વર્ષમાં 45થી વધુ ચોરી કરી છે. દૂધ ચોરવાનું કારણ માત્ર આસાનીથી મળી જતો આ માલ સસ્તા ભાવે વેચી પૈસા કમાવવાનું હોવાનું પણ સામે આવ્યું છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ


પીઆઇ જે.એસ. કંડોરિયા એ વધુમાં જણાવ્યુ હતુ કે, આરોપીઓ લેથ મશીનના કારખાનામાં આઠ-દસ હજારના પગારની નોકરી કરતા હતા પણ પૈસા ઓછા મળતા એટલે દૂધ ચોરવાનું શરૂ કર્યું હતું. આરોપી દિપક ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તે નરોડામાં લૂંટ કરી ચૂક્યો છે. હાલ પોલીસ પાસે આરોપીઓએ 45 ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ત્યારે સફેદ દૂધ બ્લેકમાં લેનાર આરોપીઓ કોણ છે તે અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ જે વિસ્તારમાં ચોરીની ફરિયાદ નથી નોંધાઇ તે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનું કામ ઓઢવ પોલીસે હાથમાં લીધું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Ahmedabad crime news, Ahmedabad news, Ahmedabad police