ગુજરાતમાં અત્યાર સુધીમાં ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે. આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આવતીકાલે અમદાવાદમાં ક્યાંક ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, લૉ પ્રેશર સિસ્ટમ બની હોવાને કારણે વરસાદના જોરમાં વધારો રહેશે. ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. આવતીકાલથી રાજ્યમાં ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે. 22થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતિ જણાવે છે કે પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતાઓ છે.
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલે કહ્યું કે બંગાળના ઉપસાગરનું વહન ઉત્તર પ્રદેશ તરફ થવાના બદલે મધ્ય પ્રાંત તરફ આવતા ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ થયો છે. હજુ પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. 8મી સપ્ટેમ્બરની આસપાસ હળવા ચક્રવાત થશે જેના કારણે પણ રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ રહેવાની સંભાવના છે. જેમાં ડાંગ અને વલસાડનો સમાવેશ થાય છે. આ સિવાય રાજ્યના કેટલા ભાગોમાં તથા સૌરાષ્ટ્રમાં પણ ચક્રવાતના કારણે છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.
તમને જણાવી દઇએ કે, રાજ્યમાં ચોમાસાની સીઝનનોસરેરાશ અત્યાર સુધીનો વરસાદ 97.70 ટકા નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 97.51ટકા વરસાદ નોંધાયો છે તો પૂર્વ મધ્ય ગુજરાતમાં 80.63 ટકા વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 88. 76 ટકા વરસાદ થયો છે. દક્ષિણ ગુજરાતમાં 107.97 ટકા અને કચ્છમાં 151.94 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી સમયમાં વરસાદ સાથે ચક્રવાતની આગાહી કરી છે.