Gujarat News: રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યમાં વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ કસવા પોલીસે શરૂ કરેલી કડક કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 464 એફ.આઇ.આર દાખલ કરવામાં આવી છે. જેમાં 762 આરોપીઓ સામે ગુનાઓ દાખલ થયા છે. તે પૈકી 316 આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે તો અનેકને પોતાની ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે.
5મી જાન્યુઆરીથી શરૂ કરાઇ આ મેગા ડ્રાઇવ
કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે. 5મી જાન્યુઆરીથી શરૂ કરાયેલી આ મેગા ડ્રાઇવ અંતર્ગત ઠેર-ઠેર યોજવામાં આવતા લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં ગૃહ વિભાગના અધિકારીઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તેઓ લોકોની વચ્ચે ગયા અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ
મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રી દ્વારા પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, આ ડ્રાઇવનો ઉદ્દેશ માત્ર ફરિયાદોની સંખ્યા કરવાનો નથી. પરંતુ ગ્રાહ્ય ફરિયાદોને જ નોંધવામાં આવે અને તેના આધારે કડકપણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે-સાથે જે અરજદાર પાસેથી વ્યાજખોરે ખોટી રીતે નાણા પડાવ્યા હોય તે નાણા પણ પરત અપાવવાનો અભિગમ છે. 5મી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં ગૃહવિભાગ દ્વારા 939 લોકદરબાર યોજ્યા છે. જેમાં 464 પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે. જે ફરિયાદો અંતર્ગત 762 આરોપીઓના નામ સ્પષ્ટ થતાં તેમના સામે કડક કાર્યવાહી માટે ગુના નોંધી તે પૈકી 316 વ્યાજખોર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાંથી ચાર આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ડાયમંડ સિટી સુરતમાં વ્યાજખોરો પર સામૂહિક તવાઈ
રાજ્યના ડાયમંડ સિટી કહેવાતા સુરતમાં પણ મોટાપાયે વ્યાજખોરો સક્રિય બન્યા હતાં. જોકે, રાજ્ય સરકારની આ કડક કાર્યવાહીની સીધી અસરથી વ્યાજખોરો પર અંકુશ આવી ગયો છે. સુરતમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનું ધીરાણ કરનારા અને પછી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સામાં પોલીસની કડક કાર્યવાહીથી નાગરીકોને રાહત મળી છે. સુરતના નયનાબેન નાથાભાઈ વીરાણીને 8 લાખના ધિરાણ સામે મકાન પડાવી લઈને પછી એ પરત જોઇતું હોય તો 80 લાખની માંગણી કરનારા વ્યાજખોરને સુરત પોલીસે સકંજામાં લઇ લીધો હતો. જેના કારણે ધીરાણ આપનારાએ મકાનનો દસ્તાવેજ મૂળ માલિકને પરત કરી દઇ માંડવાળી કરી હતી. આ જ પ્રમાણે ચંપાબેન અજુડિયા નામના અરજદારે બ્લડ કેન્સરની સારવાર માટે લીધેલાં પાંચ લાખની વસૂલાત કરવા વ્યાજખોરે 15 લાખની કિંમતનો ફ્લેટ પડાવી લીધો હતો. જો કે સુરત ક્રાઈમ બ્રાન્ચે અરજદારને ત્વરિત કાર્યવાહીમાં 15 લાખનો ફ્લેટ પરત અપાવ્યો છે. તો બીજી તરફ સુરતના પરમેશ્વર પરમારે 2.60 લાખનું ધીરાણ બે વ્યાજખોર પાસેથી મેળવ્યું હતું. જેની સામે 10 લાખની વસૂલાત કર્યાં છતાં પણ આરોપીએ 45 લાખના મકાનના દસ્તાવેજ લઈ લીધાં હતાં. પોલીસે અરજદારને 45 લાખના દસ્તાવેજ પરત કરાવ્યાં છે. સુરતના વધુ એક કિસ્સામાં ફરિયાદી સુધીર ગોયાણી પાસેથી 25 લાખ રોકડ અને 3 દુકાનોના ઓવર વેલ્યુએશન તેમજ ચક્રવૃદ્ધિ વ્યાજ સહિત 6 કરોડનો હિસાબ બે આરોપીઓએ કાઢ્યો હતો. ફરિયાદીએ આ કિસ્સામાં 45 લાખ ચૂકવી દીધાં હોવા છતાં 3.57 કરોડની કુલ ઉઘરાણી ગણાવી વધુ 3.12 કરોડ માગ્યા હતાં. પોલીસે રૂ. 3.12 કરોડની આ ઉઘરાણીમાંથી ફરિયાદીને મુક્ત કરાવ્યાં છે
વડોદરામાં પણ વ્યાજખોરોની શાન ઠેકાણે લાવતી પોલીસ
વડોદરા પોલીસ કમિશનર ડો. શમશેરસિંહના માર્ગદર્શનમાં હાથ ધરાયેલી ઝૂંબેશમાં વડોદરામાં પણ અનેક કિસ્સામાં અરજદારોને વ્યાજખોરોના દબાણમાંથી પોલીસે મુક્ત કરાવ્યાં છે. વડોદરાના કલ્પેશ ગોહીલને વર્ષ-2018માં લીધેલાં 6 લાખના બદલામાં 20 લાખની માંગણી નાણાં ધીરનારે કરી હતી. જેમાં બંને પક્ષને બોલાવી સમાધાન કરાવી અરજદારને રાહત અપાવી છે. એ જ પ્રમાણે અશ્વીનભાઈ પટેલે સંજયભાઈ પરમારને 80 હજારમાં ભેંસ વેચાતી આપી હતી. ત્યાર બાદમાં નાણાં ચૂકવવામાં ન આવતાં અરજદારની સામે જ સમાધાન કરાવી ભેંસ પરત આપવાની બાહેંધરી લેવડાવી હતી. તો બીજી તરફ વડોદરામાં નાણાં ધીરધાર કર્યાં બાદ ઊંચા વ્યાજે મોટી રકમ પડાવવાના આરોપસર બે વ્યાજખોરો પ્રણવ ત્રિવેદી અને ગૌરાંગ મિસ્ત્રીની ધરપકડ કરવામાં આવી છે અને તેમને પાસા અંતર્ગત રાજકોટ અને ભૂજની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે
નાણાં ઉછીના લેવા છે તો કેન્દ્રની યોજનાઓ છે જ!
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાતુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધાર કરનારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે.