અમદાવાદ: રાજ્યમાં વ્યાજખોરો અને તેના વ્યાજના ચક્કરમાં ફસાઈ ચૂકેલા મજબૂર અને જરૂરિયાતમંદ નાગરિકોને આ બોજમાંથી મુક્ત કરાવવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ મેગા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. અનધિકૃત વ્યાજખોરો સામે રાજ્ય સરકાર દ્વારા તા.૫મી જાન્યુઆરીથી શરૂ થયેલી આ મેગા ડ્રાઇવમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહીથી એક સંદેશ સ્પષ્ટ થઈ ગયો છે કે, મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા તો ગુજરાત છોડવું પડશે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ મેગા ડ્રાઇવમાં બે અઠવાડિયામાં પોલીસ દ્વારા કુલ ૬૨૨ એફ.આઇ.આર દાખલ કરી ૧૦૨૬ સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. તેની સામે ૬૩૫ વ્યાજખોર આરોપીઓ ધરપકડ પણ કરી લેવામાં આવી છે. તા.૧૬મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં ૧૨૮૮ લોકદરબાર યોજવામાં આવ્યા છે. આ લોકદરબાર થકી આવા તત્વોના ભોગ બનેલા અનેક નાગરિકોને પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી અને તેના આધારે પોલીસે વ્યાજખોરો સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે. ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.
વલસાડ પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી અંગે મુકેલી ફેસબુક પોસ્ટ જોઇ એક મહિલા ફરીયાદી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ખાનગી હોસ્પીટલમાં રીસેપ્શનીસ્ટ તરીકે કામ કરતા આ ડાયવોર્સી બહેન પોતાની પુત્રી સાથે એકલા રહે છે. બહેને રજુઆત કરી કે, વલસાડ શહેરમા જાસ્મીન મોબાઇલ નામની દુકાન ચલાવતા વિનોદ ભોગીલાલ શાહની પાસેથી તેમણે મોબાઇલ હપ્તેથી ખરીદ્યો હતો. ત્યારથી વિનોદભાઇ સાથે ઓળખાણ થઇ અને વિનોદભાઇ વ્યાજે રૂપિયા ધિરાણ કરતા હોઇ તેમની પાસેથી એક વર્ષ પહેલા રૂ. ૧,૮૦,૦૦૦/- ૧૦ થી ૨૦ ટકા વ્યાજના દરે લીધા હતા. જે વ્યાજે લીધેલ રકમ ઉપર વિનોદભાઇ ૧૦ ટકા લેખે વ્યાજ વસુલ કર્યું અને છેલ્લા છ માસથી ૨૦ ટકા લેખે વ્યાજ ચુકવી રહ્યા છે. મુદ્દલ રકમ તથા વ્યાજની રકમ ચુકવાઇ ગઈ હોવા છતા ફરીયાદી બહેન પાસે વિનોદભાઇએ વધુ વ્યાજની માંગણી કરી પરંતુ વ્યાજ ચુકવી ન શકતા વિનોદભાઇએ ફરીયાદી બહેનનો મોબાઇલ ફોન પડાવી લીધો હતો. તે ઉપરાંત કોરા ચેક લખાવી લીધા બાદ અવારનવાર વ્યાજના રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી બહેને પ્રેસરની વધુ પડતી ગોળીઓ ખાઇ લીધી હતી. હોસ્પિટલમાં દાખલ થયેલા બહેને વિનોદભાઇ ના ડરથી પોતે દવા પીધી હોવાની હકકીત છુપાવી હતી.
ફરીયાદી બહેને વિનોદભાઇ પાસેથી લીધેલા નાણા તથા વ્યાજ ચુકવવા માટે વલસાડના રહેવાસી શ્રવણભાઇ મારવાડી પાસેથી રૂપીયા ૩૫,૦૦૦/- ૫ ટકા વ્યાજ દરે ત્રણ માસ પહેલા લીધા હતા. જે રકમનુ વ્યાજ ફરીયાદી બેન ચુકવી ન શકતાં શ્રવણભાઇએ તેનુ મોપેડ પડાવી લીધુ અને બળજબરીથી ટીટીઓ ફોર્મમાં સહી લઇ લીધી હતી.
રાજય સરકાર દ્વારા ચલાવાઈ રહેલી વ્યાજખોરો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અંગેની ખાસ ઝુંબેશ અને આ ઝુંબેશ દરમ્યાન પોલીસ વિભાગની વ્યાજખોરો વિરૂધ્ધની કડક કાર્યવાહી જોઇ ફરીયાદી બહેનને હિંમત મળી અને નિર્ભય રીતે ફરીયાદ કરી હતી. જે ફરીયાદ અન્વયે તાત્કાલીક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપી વિનોદભાઇ તથા શ્રવણભાઇ મારવાડીને ઝડપી પાડી આરોપીના રહેણાંક મકાન તથા દુકાનની ઝડતી તપાસ કરી ફરીયાદી બહેન પાસેથી આરોપીઓએ મેળવેલ વધુ નાણા, મોબાઇલ ફોન, મોપેડ તથા પચ્ચીસ કોરા ચેક પોલીસ દ્વારા રીકવર કરવામાં આવ્યા છે.
અનેક ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો ઉપરાંત મહીલાઓ પણ ગેરકાયદેસર વ્યાજના ચક્રમાં ફસાયેલા છે જે રાજય સરકારની વ્યાજખોરો વિરૂધ્ધની ખાસ ઝુંબેશમાં નિર્ભય બની પોતાની ફરીયાદ આપવા પોલીસ વિભાગનો સંપર્ક કરી રહ્યા છે.