Home /News /ahmedabad /Gujarat Board Exams: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ભયમુક્ત વાતાવરણ બનાવવા બેઠક યોજાઈ, વિવિધ મુદ્દે ચર્ચા થઈ
Gujarat Board Exams: ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ભયમુક્ત વાતાવરણ બનાવવા બેઠક યોજાઈ, વિવિધ મુદ્દે ચર્ચા થઈ
ફાઇલ તસવીર
સમગ્ર ગુજરાતમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.
અમદાવાદઃ ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા આગામી માર્ચ માસમાં યોજવા જઈ રહી છે. બે દિવસ પહેલા બોર્ડ દ્વારા પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લાની શાળાના સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક યોજવામાં આવી હતી.
સંચાલકો સાથે બેઠક યોજાઈ
આ બેઠકમાં પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવા સહિતની વિવિધ સૂચનાઓ આપવામાં આવી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થવાની છે. આ બોર્ડની પરીક્ષામાં અંદાજે 17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં ધોરણ 10માં જ અંદાજે 11 લાખથી વધુ વિધાર્થી પરીક્ષા આપતા હોય છે અને બોર્ડની પરીક્ષાનો હાઉ પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા ધોરણ 10ના વિધાર્થીઓને જ હોય છે. ત્યારે બોર્ડની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ શાળાઓના સંચાલકો સાથે બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ. તો વળી કેટલાક મુદ્દા અંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના સંચાલકોને સૂચનાઓ પણ આપી. સાથે જ વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરિક્ષા આપી શકે તે માટે માર્ગદર્શન અને સૂચના આપવામાં આવી. આ સાથે જ પરીક્ષાને એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
સમિતિ પણ બનાવવામાં આવી
બોર્ડની પરીક્ષા માટે એક સંકલન સમિતિ પણ રચવામાં આવી છે. આ સમિતિના સભ્યો સાથે બોર્ડની પરીક્ષા માટે જે સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે, તેમાં કોઈ ફેરફાર હોય કે પછી કોઈ નવા કોઈ સૂચનો પણ માંગ્યા છે. આ ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિને કોઈ અવકાશ ન રહે તે માટે બોર્ડ પરિક્ષાનું શિક્ષા કોષ્ટક નોટિસ બોર્ડ પર મુકાશે. મહ્ત્વનું છે કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે અભ્યાસને ખૂબ અસર થઈ છે. જેના કારણે વિધાર્થીઓને ખૂબ મોટો લર્નિંગ લોસ થયો છે. જેથી આ વખતની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં પરીક્ષા આપતા સમયે કોઈ ડરનું વાતાવરણ ન રહે તેની અગમચેતી શિક્ષણ વિભાગ રાખી રહ્યું છે.