Home /News /ahmedabad /બોગસ PSI પ્રકરણ પર હર્ષ સંઘવીનું નિવેદનઃ 'તપાસ હજુ પૂર્ણ નથી થઈ, ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ'
બોગસ PSI પ્રકરણ પર હર્ષ સંઘવીનું નિવેદનઃ 'તપાસ હજુ પૂર્ણ નથી થઈ, ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે તપાસ'
બોગસ પીએસઆઈ ભરતીના કેસમાં ચાલતી તપાસ અંગે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા
Harsh Sanghvi On Bogus PSI Case: બોગસ પીએસઆઈ ભરતી પ્રકરણમાં મોટી કાર્યવાહી સામે આવ્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક શબ્દોમાં કહ્યું છે કે હજુ તપાસ પૂર્ણ નથી, તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપાઈ છે. આ કેસમાં બે પીઆઈ અને ચાર ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેઓ ભરતી દરમિયાન વેરિફિકેશનની જવાબદારી સંભાળી રહ્યા છે.
અમદાવાદઃ શારીરિક કસોટીમાં નાપાસ થવા છતાં મયૂર તડવી બોગસ રીતે PSIની ટ્રેનિંગ લેવા માટે કરાઈ સેન્ટર પર પહોંચી ગયો હતો. જોકે, તેનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે આરોપી મયૂર તડવીને પકડી પાડ્યા બાદ આ મામલે સઘન તપાસ કરીને ઉચ્ચર પોલીસ અધિકારી સહિત SRPના જવાનોને સસ્પેન્ડ કર્યા છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે તપાસ હજુ પૂર્ણ નથી થઈ, આ મામલે વધુ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું છે.
હર્ષ સંઘવીએ તાપીમાં બોગસ PSI ભરતી પ્રકરણમાં પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયાના મુદ્દે જણાવ્યું કે, "આ ખુબ ગંભીર બાબત છે, કામગીરીમાં ચૂક કરવા બદલ બે પીઆઈ અને ચાર ADIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, હજુ તપાસ પૂર્ણ નથી થઈ, તપાસ ચાલુ છે." આ અંગે તપાસ સિનિયર પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી હોવાનું જણાવીને તેમણે કહ્યું કે, "આ કેસની તપાસ ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવામાં આવી છે અને તેઓ તપાસ કરી રહ્યા છે. આ ઘટનામાં જેમણે બેદરકારી દાખવી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે."
નોંધનીય છે કે, ફિઝિકલ ટેસ્ટમાં નાપાસ થવા છતાં કરાઈ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં પહોંચીને PSIની ટ્રેનિંગ લઈ રહેલા મયૂર તડવીને પકડી પાડવામાં આવ્યા પછી આ રીતે અન્ય કોઈ ઉમેદવારો ટ્રેનિંગ સેન્ટરમાં છે કે નહીં તેની તપાસ માટે આદેશ આપવામાં આવ્યા હતા. આ માટે ઉમેદવારોની બાયોમેટ્રિક તપાસનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય આરોપીની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવીને તપાસ કરવામાં આવી રહી છે, આ તપાસ દરમિયાન સૌથી મોટો ખુલાસો થયો છે જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર અને ભરતીમાં વેરિફિકેશનની મહત્વની કામગીરી કરી રહેલા SRPના 4 જવાનોની બેદરકારી સામે આવી છે.
અગાઉ કઈ રીતે મયૂર તડવી તપાસમાં છટકી ગયો?
પીએસઆઈ ભરતી કૌભાંડ સામે આવતા જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં હાલ ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારોની સાથે 2021માં ટ્રેનિંગ પૂર્ણ કરી ચૂકેલા તમામનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવાયું છે. આ વેરિફિકેશન અગાઉ પણ થયું છે ત્યારે કઈ રીતે મયૂર તડવી તેમાંથી છટકી ગયો તેવો મોટો સવાલ પણ સામે આવી રહ્યો છે. હવે આ કેસમાં બે પોલીસ ઈન્સ્પેક્ટર અને વેરિફિકેશનની કામગીરી કરનારા SRPના 4 જવાનોની બેદરાકારી સામે આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓની પણ આ કેસમાં પૂછપરછ કરવામાં આવી શકે છે જેમાં વધુ કેટલાક ખુલાસા થવાની સંભાવના જોવાઈ રહી છે.
આ મામલે જરુરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ભૂતકાળમાં કે હાલમાં મયૂર તડવીની જેમ અન્ય કોઈને ટ્રેનિંગ સેન્ટર પહોંચાડવામાં સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ મદદરૂપ થયા છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવામાં આવશે.