ગુજરાતમાં દલિતોના મૃત્યુ: સરકારનું કામ જિંદગીના વળતર ચૂકવવા પૂરતું જ રહ્યું!

News18 Gujarati
Updated: May 31, 2018, 11:39 AM IST
ગુજરાતમાં દલિતોના મૃત્યુ: સરકારનું કામ જિંદગીના વળતર ચૂકવવા પૂરતું જ રહ્યું!
(વાયરલ થઈ રહેલા વીડિયોમાંથી લેવામાં આવેલો સ્ક્રિનશોટ)

  • Share this:
માર્ટિન મેકવાન દ્વારા

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે. । ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને. તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.  ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર, ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.  દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના,  લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.  કામધેનુને જડે ના એક સૂકું તણખલું,  ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.  છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ? ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

કવિ કરશનદાસ માણેકની આ કવિતા કહેવાતા વિકાસનાં માર્ગે આંધળી દોટ મૂકનાર રાજ્યના અભ્યાસક્રમમાં નથી. કવિને આમ કેમ થાય છે એ સમજાતું નથી પણ આજના સમાજને તે સુપેરે સમજાય છે; મનબહેરા હોવા છતાં!

રાજકોટ પાસે શાપર-વેરાવળમાં બેરહેમીથી જે દલિત યુવકની હત્યા કરવામાં આવી હતી તેનું નામ :છે મૂકેશ વાણીયા. વાણીયા અટક ધરાવતા હોવા છતાંય બે ટંક રોટલા માટે કમોતે મરવુ પડ્યું. મુકેશનું મૂળ ગામ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાનું પરનાળા. દલિતોના સો જેટલાં ખોરડાં ધરાવતા ફળિયામાં હાલ માત્ર ત્રીસેક ખુલ્લાં છે. રોજીરોટીની શોધમાં બાકીનાં લોકો સ્થળાંતર કરી ગયા છે. દર વર્ષે ઉઘાડાં ઘર ઘટે છે. ગ્રામ-સ્વરાજનો ખ્યાલ અહીં ડોકાતો જણાતો નથી.

મુકેશના બાપુજી પણ મજૂરીની શોધમાં હંમેશા જૂનાગઢ જતાં. દિકરો મુકેશ પણ તેમની સાથે જતો. પંદરેક વર્ષ પહેલાં જૂનાગઢમાં પટેલની વાડીએ પાક પર દવા છાંટતાં એમને દવા ચઢી ગઈ. જે વ્યક્તિના લોહી- પરસેવાથી વાડી લીલીછમ રહેતી હતી તે વ્યક્તિના મોતના સમયે વાડીના માલિકે દવાખાને લઈ જવાના બદલે ઘરે મોકલી દીધા. મુકેશ એના બાપને લઈને વહેલી સવારે લીમડીના બસ મથકે પહોંચ્યો. બાપે પાણી માંગ્યું ને મુકેશ પાણી લઈને આવ્યો ત્યારે બાપનું શરીર ઢળી પડ્યું હતું.

મુકેશ પોતાની પત્ની અને બે બાળકોને લઈને અમદાવાદ શહેરમાં આવ્યો. હીરા ઘસવાની મજૂરીએ વળગ્યો. બાર-પંદર વર્ષે હીરા પર હાથ બેઠો ને રોટલો મળી રહ્યો ત્યારે નોટબંધી આવી અને માંદો પડેલો હીરા ઉદ્યોગ પટકાયો. મુકેશને ઝૂંપડપટ્ટીની ઓરડીનું ભાડું ન પોસાયું અને વતનની વાત પકડી. ગામમાં મજૂરી ક્યાંથી મળે?
Loading...

સવારે સાઈકલ પર નીકળે. જોડે ધારિયું રાખે. બાજુના રળોલ ગામે જઈ બૂટ-પોલીશ કરે અને સાંજે વળતાં વગડામાંથી લાકડાંનો ભારો કાપી લઈ આવે. એનાં બે બાળકો દૂરથી સાઈકલ ભાળે એટલે સામે દોડે પણ બાપ પાસે આપવાનું કંઈ હોય નહીં. ઘરે આવી ટુંકી કમાણીમાંથી બંને બાળકોને એક એક રૂપિયો વાપરવા આપે. લાકડાં વેચાયને બૂટ-પોલીશની કમાણીમાંથી ઘર ચાલે. એમાં દહાડો વળતો ન દેખાયો એટલે કાકીએ રાજકોટ શહેરની બહાર, પંદરેક કિલોમીટર દૂર આવેલ સાપર-વેરાવળની મસમોટી, આશરે ૨૦૦૦ ઘર ધરાવતી ઝૂંપડપટ્ટીમાં બોલાવી લીધા. પરનાળા ગામના ૩૫ જેટલા દલિત કુટુંબોની અહીં વસ્તી છે. કાઠિયાવાડના દરેક જિલ્લાના અને એ ઉપરાંત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશના મજૂરો પણ અહીં મળે.

૧૯૯૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં કામ કરતાં ધ્યાને આવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં બીજી જ્ઞાતિઓની સરખામણીએ દલિતોમાં શહેરીકરણનું પ્રમાણ ખાસ્સું વધારે. હકીકતે સમગ્ર ગુજરાતમાં આમ જ જણાશે, અર્થાત્ દલિતોમાં શહેરીકરણનું પ્રમાણ વધારે જણાશે.

ગામડામાં ખદબદતી આભડછેટના એકમાત્ર કારણથી જ ડૉ. બી.આર આંબેડકર ગાંધીજીના ગ્રામ-સ્વરાજના ખ્યાલ સાથે સહમત ન હતા. આભડછેટ, અત્યાચાર અને જ્ઞાતિગત ભેદભાવોની ચુંગાલમાંથી છૂટવા શહેરની વાટ પકડવાનું મોટાભાગના લોકો ઉચિત માનતા. ૧૯૮૯ની સાલમાં 'અત્યાચાર ધારો' આવ્યો ત્યારથી માંડી ૨૦૧૭ની સાલ સુધીમાં ગુજરાતમાં દલિતોની હિજરત અને સામાજિક બહિષ્કારના ૧૧૨ જેટલા બનાવો પોલીસને ચોપડે નોંધાયા છે. આમાંથી સૌથી વધુ એટલે કે 81 બનાવો આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારના છે. નોંધનીય બાબત એ છે કે, વિકાસનો ખ્યાલ અને દલિતો ત્રાસના માર્યા પોતાનાં બાળબચ્ચાં અને ગર્ભવતી પત્નીઓને લઈને ગામ છોડવું પડે એ બંને સ્થિતિના નિર્માણ વચ્ચેનો સહસંબંધ છે.

મુકેશને તેના કુટુંબ સાથે શાપરમાં આવ્યાને હજુ ત્રણ દિવસ જ વિત્યા હતા. આડોશ-પાડોશના લોકોએ ભેગા મળી મુકેશ અને તેના કુટુંબ માટે છાપરું ઊભું કરી દીધું અને ગાર-માટીનું લીંપણ પણ કરી દીધું. મુકેશ અને તેની પત્ની માટે રોજી રળવાનું એક જ હાથવગું કામ હતું અને તે ‘ભંગાર વીણવાનું’. પૂંઠે થેલો લટકાવવાનો અને હાથમાં નાની એક લાકડીને છેડે લોહચુંબકનો ટુકડો. ભંગારમાં લોખંડનો ભાવ વધારે મળે એટલે લોખંડનો એકાદ ટુકડો હાથ લાગે તો કસ્તુરીમૃગની ડુંટીમાંથી કસ્તુરી મળે તેટલો આનંદ થાય. મરેલાં ઢોરની ખાલ કાઢનાર માટે મૃત ગાયના પિત્તાશયમાંથી ક્યારેક જ હાથ લાગતો 'ગોપચંદ' મળે એટલે જાણે મોટો સરપાવ મળ્યા બરાબર. જૂના વખતમાં અમદાવાદના મહાજન ગોપચંદ, જે વરાધ જેવા દરદમાં અલભ્ય ઔષધ ગણાતું તેને મેળવવા ગામમાં દલિતપંચને પત્ર લખતા. ભારતની બહુમતી એવી ગરીબ પ્રજા માટે આ દેશમાં સ્વમાનભેર રોજી રળવાની બીજી કઈ તકો બચી છે?

ભંગાર વીણનારને જોઈ સભ્ય સમાજના ભવાં ચઢી જાય છે. અખબારપત્રોમાં આવતી કૂપનો ફાડીને એમાંથી મહિનાઓની રાહ જોયા બાદ પ્લાસ્ટિકની ડોલનું ઇનામ લાગે તે ડોલ લેવા મોંઘીદાટ ગાડીઓમાંથી ઉતરનાર સામે આપણે ભવાં ચઢાવતા નથી. કોમી રમખાણો સમયે મોંઘીદાટ ગાડીઓમાં સવાર થઇ તોડવામાં કે બાળવામાં આવેલી દુકાનોમાંથી સામાન લૂંટવા નીકળી પડતા લોકો સામે પણ કોઈ ભવાં ચઢાવતું નથી!

ભંગાર વીણનારનો દિવસ સૂરજ ઊગે તે પહેલાં ઊઠી જાય છે, કારણ એકવાર દી’ ચઢે પછી થાક વધારે લાગે. બપોર પહેલાં ઘરે આવીને રોટલા ટીપાય તો જ સવારથી ભૂખ્યાં બાળકોને કંઈ ખાવાનું મળે. સાત વાગતાંના સુમારે મુકેશ તેની પત્ની સવિતા અને કાકી સાથે ખાસ્સો ભંગાર વીણી ચુક્યો હતો. લોખંડની એક ફૅક્ટરી પાસે તે આવી ચુક્યાં હતાં. ફેક્ટરીના માલિકની નજરે તે ચઢ્યાં અને ચોરીનો આરોપ લાગ્યો. બંને સ્ત્રીઓને પહેલાં પટ્ટાથી ફટકારી. પછી મુકેશને કારખાનામાં અંદર લીધો. એની કેડે દોરડું બાંધ્યું અને દરવાજાના આગળામાંથી પસાર કરી એકે ખેંચી રાખ્યું. મારવાવાળા પાંચ ને મુકેશ એક. અને તે પણ બાંધેલો. આવા ભારતના શૂરવીરોને ચંદ્રક આપવા પડે.

દમના દરદથી પીડાતી સવિતા અને કાકી અર્ધો કિલોમીટર છેડે પોતાની વસ્તીમાં હાંફળાં-ફાંફળાં દોડીને બે યુવાનોની મદદ લઈ પાછા આવ્યા ત્યાં સુધીમાં મુકેશ અધમુવો, ઢગલો થઈ ભોંય પર પડ્યો હતો. મારવાવાળાને આજીજી કરી, હાથ જોડ્યા ત્યારે મુકેશને લેવા દીધો. બે યુવાનોએ એને માંડ બેની વચ્ચે મોટર-સાઈકલ પાર ગોઠવ્યો અને ઘરની પાસે લાવ્યા. એની હાલત જોવાય તેવી ન હતી. ૧૦૮ બોલાવી અને એ દવાખાને પહોંચે તે પહેલાં દમ તોડી ચુક્યો હતો!

પોલીસે મુકેશના થેલાનું પંચનામું કર્યું. પોલીસના બયાન મુજબ, તેમાં રહેલા ભંગારની કિંમત દોઢસો રૂપિયાથી વધારે ન હતી. કારખાનું લોખંડના ભંગારનું ન હતું. મુકેશે દોઢસો રૂપિયાની ચોરી કરી એવું પણ બે ઘડી માની લઈએ તો પણ કારખાનેદાર અને મારવામાં જોડાયેલો ત્રાહિત દુકાનદારને એને મારી નાંખવાનો અધિકાર કયા કાયદા હેઠળ મળે, તે પૂછવું રહ્યું અને 17,000 કરોડ રૂપિયા લઈ ધોળે દહાડે ભારતની ભૂમિ પરથી પલાયન કરનાર નીરવ મોદી કે માલ્યા સામે કોણે તેમને દોરડાથી બાંધી માર્યા? બિટકોઈન કૌભાંડમાં તો હવે સંતોનાં નામ ખુલ્યાં છે, તેની સામે પ્રાથમિક દોષિત ઠરેલ અમરેલી જિલ્લાના પોલીસ વડા ઝાંખા પડે છે. આવા ગુનેગારો પ્રધાનમંત્રીના વિદેશ-પ્રવાસમાં પ્રતિનિધિમંડળના સભ્યો હોય છે. મુકેશની શું લાયકાત કે પ્રધાનમંત્રી તો ઠીક, એ તાલુકા પંચાયતના કોઈ સભ્યની નજરમાં પણ આવે?

અગાઉ ઉના જેવી ઘટનામાં ફરિયાદ થતી હતી કે પ્રધાનમંત્રી આ મામલે કંઈ બોલ્યા નહીં. હવે તો ગુજરાતના મુખ્યમંત્રીની જીભ પણ સિવાઈ ગઈ છે. અત્યાચારની સ્થળ મુલાકાત તો બાજુ પર રહી, પીડિતનાં સગાંઓને શાતા મળે તે માટે તેમની પાસે કહેવા આશ્વાસનના શબ્દો પણ નથી. ગરીબો પ્રત્યેની કરુણા ને ચિંતા કૂવામાં હોય તો હવાડામાં આવે ને?

મુકેશના પરિવારજનોને નિયમ અનુસાર, વળતર ચૂકવી આપ્યું ને જમીન પણ આપી. ઉનામાં જમીન આપવાનું વચન આપ્યું હતું પણ તે હજુ પૂરું કર્યું નથી. સરકારને ૨૦૧૯ની બીક લાગતી જ ન હોત તો મુકેશના કુટુંબને પણ જમીન ન મળત. જમીનની માલિકી માત્ર કાયદેસર દલિતોના નામે ચઢે તે માટે વર્ષો સુધી ધક્કા ખાધા બાદ હારી-ત્રાસીને ભાનુભાઈને આત્મવિલોપન કરવું પડ્યું હતું.

મુકેશ દલિત જરૂર હતો પણ તે ગરીબ હતો અને ભારત દેશમાં ગરીબ સાથે પૈસાવાળા કેવો અમાનવીય વહેવાર કરે છે તેનો આઝાદીના સાત દાયકા પછીનો આ જીવતો-જાગતો દાખલો છે. ડૉ. આંબેડકરે એટલે જ લાલા લાજપતરાયને કહ્યું હતું કે, તેમના માટે જ્ઞાતિવ્યવસ્થાની ગુલામી ખતમ થાય તે દેશની રાજકીય આઝાદી કરતાં વધારે મહત્વનું હતું.

સરકારનું તો જાણે એક જ કામ બચ્યું છે કે વળતર ચૂકવી આપવું. મુકેશના ગામ પરનાળા ખાતે શોકસભામાં હું ગયો હતો. આ ગામે મારી ત્રીજી મુલાકાત હતી. મારા મનમાંથી મુકેશને એક માણસે બાંધી તાણી રાખ્યો છે અને બીજા મારે છે તે દ્રશ્ય ભુલાતું નથી. બનાવ મુખ્યમંત્રીના ગામમાં બન્યો છે. શોકસભામાં આગલા દિવસે જ સરકારના માણસો આવીને ખાસ રેશન કાર્ડ આપી ગયા. મુકેશની મોટી દીકરી સુમિત્રા ૧૦ વર્ષની અને પુત્ર ચાર વર્ષનો છે. હવે બાળકોને સાચવવાની અને મોટા કરવાની જવાબદારી બીમાર માતાને માથે આવી પડી છે!

કોઈનું સૂચન હતું કે, ન્યાય ન મળે ત્યાં સુધી વળતર ન સ્વીકારવું. પરંતુ જેના પેટ ભરેલા છે તેમને માટે આવા આદર્શનું પાલન કરવું કદાચ શક્ય હોઈ શકે. શા માટે મોટાભાગના ગરીબો અત્યાચાર બાદ પણ ચૂપ રહે છે અને પોતાની અવદશા માટે પોતાનાં કર્મને જવાબદાર માને છે, તેનાં કારણો દૂર શોધવા જવું પડે તેમ નથી.

ચિંતાની વાત એ છે કે જાણે કાયદાનું કોઈ શાસન કે કાયદાની કોઈ બીક રહી જ નથી. સર્વોચ્ચ અદાલતના અત્યાચાર ધારાના ચુકાદા બાદ તો જાણે દલિતોએ વર્ષો સુધી મહેનત કરી, સંઘર્ષ કરી અત્યાચાર સામે જે ધાક પેદા કરી હતી તે નિષ્પ્રાણ બની ગઈ છે.

(માર્ટિન મૅકવાન માનવ અધિકારો માટે લડતાં કર્મશીલ છે)
First published: May 31, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...