અમદાવાદમાં વધુ એક સાઇબર ક્રાઇમમાં ચોંકાવનારી ફરિયાદ થઇ છે. ઉછીનાં પૈસાની લેતી દેતીમાં મહિલાનાં અશ્લીલ ફોટા યુવકે સોશિયલ મીડિયામાં વહેતા મુક્યાં હતા. જેમાં ફરિયાદ નોંધાયા બાદ યુવકની ધરપકડ કરી તેનો મોબાઇલ કબજે કરી લીધો છે.
આ મામલામાં મળતી માહિતી પ્રમાણે ઉછીના લીધેલા 20 હજાર પાછા ન આપનારી મહિલાનું ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી તેની પર અશ્લીલ તસવીરો મુકી હતી. ઓઢવમાં રહેતી એક મહિલાએ ફેસબુક પર પરિવાર સાથે ફોટા મૂક્યા હતાં. આ ફોટા લઇને યુવકે મહિલાનાં નામે અન્ય એક ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેમાં તે યુવક અશ્લીલ તસવીરો પોસ્ટ કરતો હતો. આ અંગે મહિલાના પરિવારને જાણ થઇ હતી. સભ્યોએ તપાસ કરતાં માલુમ પડ્યું કે આ મહિલાના નામનું ફેક એકાઉન્ટ બનાવીને અશ્લીલ તસવીરો અપલોડ કરાઈ હતી. આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ફરિયાદનાં આધરે આઈપી એડ્રેસના આધારે દસક્રોઇનાં રાજેશ વાઘેલાને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે રાજેશનો એક મિત્ર ઓઢવમાં રહેતો હતો. આથી તે ઓઢવ જતો હોવાથી આ મહિલા સાથે મિત્રતા થઈ હતી. જેથી રાજેશનાં પત્ની પાસેથી આ મહિલાએ 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ પૈસા 2 મહિનામાં પાછા આપી દેવાનું મહિલાએ કહ્યું હતું. પરંતુ બે મહિના થઈ ગયા હોવા છતાં પૈસા પાછા ન આપતા આ કૃત્ય આચર્યું હતું.
મળતી માહિતી પ્રમાણે રાજેશે આ મહિલાનું ફેસબુક એકાઉન્ટ તેના મોબાઇલમાંથી બનાવ્યું હતું. પોલીસે રાજેશનો મોબાઇલ ફોન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.