Ghodey Pe Sawaar: હમણાં થોડા સમય પહેલાં જ આવેલી મૂવી ‘કલા’નું એક ગીત, જેના શબ્દો હતા ‘...બલમા ઘોડે પે યૂં સવાર હૈ’. આ ગીત સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યુ હતુ તો હવે ગુજરાતી છોકરાએ ગાયેલું તેનું મેલ વર્ઝન પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ થયું છે. તો આવો જાણીએ આ ગીતની સફર વિશે...
અમદાવાદઃ હમણાં થોડા સમય પહેલાં જ આવેલી મૂવી ‘કલા’નું એક ગીત ખૂબ જ વાયરલ થયું હતું. જેના શબ્દો હતા ‘...બલમા ઘોડે પે ક્યૂં સવાર હૈ’. આ ગીતે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી હતી. ત્યારે હવે આ ગીતનું મેલ વર્ઝન સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ કરી રહ્યું છે.
આ ગીતનું મેલ વર્ઝન મુંબઈમાં રહેતા 21 વર્ષીય ગુજરાતી યુવક જૈનમ બારોટે ઇન્સ્ટાગ્રામ રીલમાં મૂક્યું અને ગણતરીના કલાકોમાં જ વાયરલ થઈ ગયું. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકો આ ગીત સોશિયલ મીડિયામાં જોઈ ચૂક્યાં છે. આ અંગે News18 Gujaratiએ જૈનમ સાથે ખાસ વાતચીત કરી હતી તો આવો જાણીએ આ ગીતની સફર વિશે...
જૈનમઃ હું ‘કલા’ મૂવી જોતો હતો ત્યારે આ ગીત ‘ઘોડે પે સવાર’ આવ્યું. આખું લવ સોન્ગ છે. આખ્ખે આખું ગીત ફિમેલ ગાય છે. મેલનો કોઈ ભાગ જ નથી. ત્યારે મને વિચાર આવ્યો કે, જો આમાં કોઈ પુરુષ અવાજ હોય તો કેવા શબ્દો હોય, તેનો અંતરો કેવો હોય? ત્યારથી આ ગીત કરવાની ઇચ્છા થઈ. આમ તો, પહેલેથી જ હું દરરોજ પ્રેક્ટિસ કરતો હતો. જ્યારથી મૂવી જોયું ત્યારથી આ સોન્ગ મારા મગજમાં ચાલતું હતું. પછી મેં વિચારીને અંતરો તૈયાર કર્યો. ચાર દિવસ સુધી તેમાં ફેરફાર કરી આખરે આખો અંતરો તૈયાર કર્યો. પછી ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે મૂકવું તે વિચાર્યુ. ત્યારબાદ મેં ગીત રેકોર્ડ કરી લીધું અને 45 સેકન્ડની રીલ બનાવીને મૂકી. મનેય આશા નહોતી કે વીડિયો આટલો વાયરલ થશે. અત્યાર સુધીમાં 30 લાખથી વધુ લોકોએ આ રીલ જોઈ લીધી છે.
News18 Gujarati: મ્યુઝિક જ શીખવું છે કે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે એ કેવી રીતે નક્કી કર્યું?
જૈનમઃ મારી મમ્મીને મ્યુઝિકનો ઘણો શોખ હતો અને તેઓ શીખ્યા પણ છે. તેથી મને પણ મ્યુઝિક શીખવવા માટે તેમણે મને સાત-આઠ વર્ષનો હતો ત્યારે મ્યુઝિક સ્કૂલમાં મોકલ્યો હતો અને બસ ત્યારથી આ સફર શરૂ થઈ ગઈ જે આજ સુધી અવિરત ચાલે છે. એટલે એમ પણ કહી શકાય કે, મ્યુઝિક મને વારસામાં મળ્યું છે. હું છેલ્લા નવ-દસ વર્ષથી મ્યુઝિક શીખી રહ્યો છું. મુંબઈની ગંધર્વ મહાવિદ્યાલય જે ક્લાસિકલ મ્યુઝિકની સ્કૂલ છે. ત્યાંથી મેં હમણાં થોડા સમય પહેલાં જ વિષારદ પૂરું કર્યું છે. હાલમાં મને મ્યુઝિક ટીચર શૈલેષ આઠવે મ્યુઝિક શીખવાડી રહ્યા છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીના મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે અને મને પ્રાઇવેટ કોચિંગ આપે છે.
જૈનમઃ મારા માટે મ્યુઝિક ધ્યાન જેવું છે, મેડિટેશન જેવું છે. કોઇપણ ઇમોશન હોય તેને વ્યક્ત કરવા માટે કે તેને અનુભવવા માટે મ્યુઝિક સૌથી શ્રેષ્ઠ રસ્તો છે તેમ મને લાગે છે. મારા માટે મારી આત્મા સુધી પહોંચવાનું માધ્યમ એટલે મ્યુઝિક.
News18 Gujarati: તમારા મનગમતા ત્રણ ગીત કયા અને કયા મ્યુઝિસિયન્સ સાથે કામ કરવાની ઇચ્છા છે?
જૈનમઃ આમ તો, બધા ગીતો સારા જ હોય છે પણ હું ટોપ ત્રણમાં મૂકી શકું તો અરિજિત સિંઘના અવાજમાં રેકોર્ડ થયેલું ‘લાલ ઇશ્ક’, ત્યારબાદ બીજા નંબરે લતા મંગેશકરનું ‘તું જહાં જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા’ અને ત્રીજું મને ગમતું ગીત છે ‘કહીં દૂર જબ દીન ઢલ જાએ’. મ્યુઝિસિયન સાથે કામ કરવાની વાતે હું એમ કહીશ કે એ.આર. રહેમાન અને શંકર મહાદેવન સર.
જૈનમઃ હું એટલું જ કહીશ કે, કોઈપણ વસ્તુ કરો તેમાં નિયમિતતા જાળવી રાખો. કોઈપણ પરિસ્થિતિમાં પાછું વળાવાનું નહીં વિચારવાનું. ગમે તેટલા ચડાવઉતાર આવે હંમેશા જે કરવું હોય તે કરતા રહેવું જોઈએ તો જ આગળ વધી શકાશે.