નાગરાદી શૈલીની સાથે કોતરણીવાળા 92 સ્તંભવાળું બનશે આ મંદિર
અત્યારે હાલમાં તા. 29-1-23 ના રોજ મહાપીઠ સ્થાપનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં હજારો ભક્તો મા ઉમિયાના પ્રસંગે હાજરી આપી ધન્યતા અનુભવશે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં સોલા ઉમિયા કેમ્પસ ખાતે 74 હજાર ચોરસવાર જમીન પર અંદાજિત રૂપિયા 1500 કરોડના ખર્ચે વિશાળ જગ્યામાં ઊંઝા સંસ્થા દ્વારા નવનિર્મિત મા ઉમિયાના ઉમિયાધામનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે સોલા ભાગવત ઉમિયા કેમ્પસ ખાતે તા. 29-1-23 ના રોજ મહાપીઠ સ્થાપન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
હિન્દુ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે મંદિરના નિર્માણમાં ભૂમિ પૂજન, શીલા સ્થાપન, મહાપીઠ સ્થાપનનો સમાવેશ થાય છે
હિન્દુ શાસ્ત્રોક્ત પદ્ધતિ પ્રમાણે મંદિરના નિર્માણમાં ભૂમિ પૂજન, શીલા સ્થાપન, મહાપીઠ સ્થાપન જેવા ઘણા સ્થાપન કરવામાં આવતા હોય છે. ત્યારબાદ છેલ્લે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અહીં સૌપ્રથમ સંસ્થા દ્વારા તા. 20-11-21 ના રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ તા, 13-12-21 ના રોજ શીલા સ્થાપનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
અત્યારે હાલમાં તા. 29-1-23 ના રોજ મહાપીઠ સ્થાપનનો કાર્યક્રમ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે. જેમાં હજારો ભક્તો મા ઉમિયાના પ્રસંગે હાજરી આપી ધન્યતા અનુભવશે. આ સાથે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા જગન્નાથજી મંદિરના મહંતશ્રી દિલીપદાસજી મહારાજ હાજર રહેશે.
ઉમિયા માતાજી સંસ્થાએ ધાર્મિક કાર્યની સાથે સમાજના સામાજિક કાર્યોમાં 100 કરોડથી વધુની સહાય આપી
ઉમિયાધામ સંસ્થાના માનદ્ મંત્રી દિલીપભાઈ પટેલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઉમિયા માતાજીની આ સંસ્થાએ ધાર્મિક કાર્યની સાથે સમાજના સામાજિક કાર્યો કરવામાં પણ ઘણી સેવાઓ આપી છે. અને જો ભવિષ્યમાં સમાજના જરૂરિયાત મંદોને જ્યારે જરૂર પડે ત્યારે તેમની સાથે મદદ માટે આ સંસ્થા કાયમ તેમની પડખે ઉભી રહેશે.
સંસ્થા આવા જરૂરિયાતો માટે લગ્નપ્રસંગ, અભ્યાસ બાબત, GPSC-UPSC તાલીમ કેન્દ્રો, વિર્ધાર્થીઓને રહેવા-જમવા માટે હોસ્ટેલની વ્યવસ્થા વગેરે જેવી સવલતો પૂરી પાડવા માટે હરહંમેશા તૈયાર છે. બે વર્ષ પહેલા જ મા ઉમિયાનો શિલાન્યાસ મહોત્સવ સફળ રીતે ઉજવાયો. અને ભવિષ્યમાં પણ સંસ્થા દ્વારા આવા સફળ પ્રસંગો ઉજવાતા રહેશે. અત્યાર સુધીમાં સંસ્થાન દ્વારા વિવિધ સામાજિક યોજનાઓમાં આશરે રૂપિયા 100 કરોડથી પણ વધારેની સહાય આપવામાં આવી છે.
નાગરાદી શૈલીની સાથે કોતરણીવાળા 92 સ્તંભવાળું બનશે આ મંદિર
સોલા, અમદાવાદ ખાતે બની રહેલા શ્રી ઉમિયા માતાજી મંદિરની વિશેષતાની વાત કરીએ તો શ્રી ઉમિયા માતાજીનું મંદિર ભગવાન વિશ્વકર્મા દ્વારા સૂચિત શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના સમન્વયથી સંપૂર્ણપણે નાગરાદી શૈલીનું બનશે. જેમાં કોતરણીવાળા કુલ 92 સ્તંભ સાથે મંદિરની લંબાઈ 255 ફૂટ, પહોળાઈ 160 ફૂટ, શિખરના કળશ સુધીની ઉંચાઈ 132 ફૂટ રહેશે.
આ સાથે મંદિરમાં શ્રી ઉમિયા માતાજીના સન્મુખ રંગ મંડપ નીચે એકસાથે 1400 ભક્તો દર્શન કરી શકશે. આ મંદિરનું નિર્માણ અંદાજીત બે લાખ ઘનફૂટ બંસીપહાડ પથ્થરથી થશે. નિર્માણ પામી રહેલા મંદિરની એક વિશેષતા એ પણ છે કે આ સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ લોખંડ કે ખીલી કે સળિયાનો ઉપયોગ કરવામાં આવશે નહિ.
આ ઉપરાંત મા ઉમિયાધામ કેમ્પસ ખાતે શ્રી ઉમિયા માતાજીના મંદિરની સાથે સાથે તા. 5-10-22 ને દશેરાના દિવસે ભૂમિ પૂજન કરીને 13 માળની બે હોસ્ટેલ બિલ્ડીંગનું કામ શરૂ થઈ ગયું છે. જેમાં 400 થી વધારે રૂમોમાં 1200 થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ રહીને આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસ કરી શકશે.
આ સાથે હોસ્ટેલ બિલ્ડીંગની અંદર ઈનડોર ગેમ અને ઈ-લાયબ્રેરી, ફીટનેસ ઝોન અને અત્યાધુનિક સગવડોથી સજ્જ બનાવવામાં આવશે. વધુમાં સંસ્થાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલે સંસ્થાના સૌ કાર્યકર્તા મિત્રો એકબીજા સાથે હળી મળીને આ સંકલ્પિત કાર્યમાં ફાળો આપે તેવી આશા પણ વ્યક્ત કરી છે.