અમદાવાદ: શહેરના (Ahmedabad news) વાસણા વિસ્તારમાં પ્રેમીનાં (Boyfriend) મિત્રએ યુવતીની (Girlfriend) છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમીએ યુવતીને રસોઈ કરવા પ્રેમિકાને ઘરે બોલાવી હતી ત્યારે જ પ્રેમીનાં મિત્રએ લાઈટ બંધ કરી હાથ પકડ્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા પ્રેમીએ મિત્રનો પક્ષ લીધો અને મારો મિત્ર પસંદ ન હોય તો જતી રહે તેમ પ્રેમીએ જણાવતા યુવતી ત્યાંથી નીકળી ગઈ હતી. આખરે યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બહેરામપુરામાં રહેતી 26 વર્ષીય યુવતી અર્બન હેલ્થ સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકે નોકરી કરે છે. બે એક વર્ષ પહેલા શહેરની નામાંકિત સરકારી હોસ્પિટલમાં તે નોકરી કરતી હતી. ત્યારે એક યુવક સાથે તેને મિત્રતા થઈ હતી. જે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. બાદમાં બંને એકબીજાને મળતા હતાં. ત્રણેક અઠવાડિયા પહેલા આ યુવક તેને મળ્યો ત્યારે રોડ પર જાહેરમાં ઝગડો કર્યો હતો. જે મામલો પાલડી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો જ્યાં સમાધાન થયું હતું.
ગઈકાલે આ યુવતીને તેના પ્રેમીનો ફોન આવ્યો કે, તું મારા ઘરે આવ રસોઈ બનાવવાની છે. જેથી યુવતી પ્રેમીના ઘરે વાહન લઇને રસોઈ બનાવવા નીકળી હતી. ત્યાં પહોંચી બાદમાં યુવતીએ પ્રેમી અને તેના મિત્રને રસોઈ બનાવી જમાડયા હતા. બાદમાં યુવતીનો પ્રેમી તેના રૂમમાં ગયો ત્યાં જ તેના પ્રેમીના મિત્રએ ઘરની લાઈટો બંધ કરી યુવતીનો હાથ પકડી છેડતી કરવા લાગ્યો હતો.
યુવતીએ બુમાબુમ કરતા તેનો પ્રેમી બહાર આવ્યો અને કહ્યું કે, બુમો કેમ પાડે છે એ મારો મિત્ર તો છે, તને ના ગમતું હોય તો ઘરે જતી રહે. જેથી ગભરાયેલી યુવતી ત્યાંથી ઘરે જવા નીકળી ગઈ હતી. બાદમાં યુવતીએ પરિવારજનોને ઘટનાની જાણ કરતા વાસણા પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.