Home /News /ahmedabad /બોટાદ કેમિકલકાંડમાં મોટી કાર્યવાહી: AMOS કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર
બોટાદ કેમિકલકાંડમાં મોટી કાર્યવાહી: AMOS કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સમીર પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર
સમીર પટેલના ઘરે તપાસ
કેમિકલકાંડ મામલે મોટી કાર્યવાહી: સમીર પટેલની એમોસ (AMOS) કંપનીમાંથી આ કેમિકલ જયેશ નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યો હતો. આ કેમિકલ પીવાથી લોકોનાં મોત થયા છે.
અમદાવાદ: બોટાદના અલગ અલગ બે તાલુકામાં કેમિકલકાંડ બનતા દોડધામ મચી ગઈ હતી. આ કેમિકલ કાંડમાં કુલ 49 લોકોનાં મોત થયા છે, ઉપરાંત 50થી વધુ લોકોને કેમિકલકાંડની અસર થઈ છે. મહત્વનું છે કે આ મામલે કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં અલગ અલગ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અત્યારસુધી જે લોકોની ધરપકડ થઈ છે તે લોકો બુટેલગર (Bootlegger) અને કેમિકલ ચોરી કરનાર લોકો હતા. પરંતુ હવે કંપનીના ડિરેક્ટર સામે પણ કાર્યવાહી થઈ રહી છે. આ મામલે પોલીસ તરફથી સમીર પટેલ સામે loc (Look out circular against Samir Patel) જાહેર કરી દેવામાં આવી છે. આવું કરવા પાછળનું કારણે તેઓ વિદેશ ન ભાગી જાય તેવું છે. બીજી તરફ પોલીસે સમીર પટેલ સામે આઈપીસીની કમલ 304 હેઠળ ગુનો દાખલ કરવા માટે કોર્ટમાં અરજી કરી છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો સમીર પટેલની એમોસ (AMOS) કંપનીમાંથી આ કેમિકલ જયેશ (Jayesh) નામના આરોપીએ ચોરી કરીને બુટલેગરોને આપ્યો હતો. આ કેમિકલ પીવાથી લોકોનાં મોત થયા છે. સમગ્ર મામલે બે આઇપીએસની બદલી પણ કરવામાં આવી છે અને પીએસઆઇ તથા ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે.
ડિરેક્ટરોના ઘરે તપાસ
કેમિકલકાંડની તપાસ આઇપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવતા જ કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આ મામલે આઇપીએસ અધિકારી દ્વારા નિવેદન લેવા માટે એમોસ કંપનીના ડિરેક્ટર સમીર પટેલ સહિત ચાર લોકોને સોમવારે બરવાળા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જોકે, કોઈ પણ વ્યક્તિ હાજર થયા ન હતા.
આ મામલે બોટાદ પોલીસે વહેલી સવારથી અમદાવાદમાં રેહતા તમામ ચારેય ડિરેક્ટર સામે કાર્યવાહી કરતા તેમના ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન બે લોકો ઘરે હાજર હતા, પરંતુ સમીર પટેલ ઘરે મળ્યા ન હતા. હવે આ મામલે તેમની સામે મોટી કાર્યવાહી થાય તેવું લાગી રહ્યું છે.
સમીર પટેલ અમોસ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર
ઉલ્લેખનીય છે કે સમીર પટેલ અમોસ એન્ટરપ્રાઇઝ કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. આ મામલે કેમિકલ ચોરી કરનાર જયેશે કોર્ટ સમક્ષ પણ ચોરીની વાત કબૂલી લીધી છે. આરોપી જયેશ પટેલે અમોસ કંપનીમાં નોકરી દરમિયાન ટુકડે ટુકડે 600 લિટર મિથેનોલ ચોરી લીધું હતું. આ કેમિકલ તેણે બુટલેગરોને વેચી દીધું હતું.