Home /News /ahmedabad /PSIને પેપર લીકની સૌપ્રથમ થઇ જાણ, જાણો કઇ રીતે આરોપીઓએ ઘડ્યો હતો આખો 'માસ્ટર પ્લાન'

PSIને પેપર લીકની સૌપ્રથમ થઇ જાણ, જાણો કઇ રીતે આરોપીઓએ ઘડ્યો હતો આખો 'માસ્ટર પ્લાન'

આરોપી મનહર પટેલ અને મુકેશ ચૌધરી અને રૂપલ શર્માની ફાઇલ તસવીર

રૂપલે બોરાણાને પૂછ્યું કે શું આ પરીક્ષામાં પૂછાયેલા સાચા સવાલોનાં જવાબ છે.

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની ગઇકાલે લેનારી પરીક્ષાનું પેપર લીક થઈ જતા આખી પરીક્ષા જ રદ કરવી પડી હતી. જે મામલામાં આરોપીઓ યશપાલ સોલંકી, મુકેશ ચૌધરી, મનહર પટેલ, પીએસઆઈ પી. વી., રૂપલ શર્મા અને જયેશની સંડોવણી બહાર આવી છે. જેમાંથી હજી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.  તો આપણે આ ઘટનાનો આખો ક્રમ જાણીએ.

સવારે પોલીસ ભરતી બોર્ડનાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ભરત બોરાણાને ગાંધીનગરની શ્રીરામ હોસ્ટલની રેક્ટર રૂપલ શર્માએ એક વોટ્સએપ મેસેજ કર્યો હતો. જેમાં સવાલોનાં જવાબો હતાં. રૂપલે બોરાણાને પૂછ્યું કે શું આ પરીક્ષામાં પૂછાયેલા સાચા સવાલોનાં જવાબ છે. બોરાણાએ જણાવ્યું કે મને ખબર નથી કે કયા સવાલો પૂછાયા છે. ત્યારબાદ બોરાણાએ ભરતી બોર્ડનાં અધ્યક્ષ વિકાસ સહાયને ફોન કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. સહાયે તેને તે પેપર વોટ્સએપથી મોકલવા જણાવ્યું. સહાયને જ્યારે વોટ્સએપથી આ જવાબો મળ્યાં ત્યારે તે પણ એ જોઇને ચોંકી ગયા હતા કેમકે મોટાભાગનાં જવાબો પ્રશ્નપત્રમાં પૂછાયેલા સવાલોનાં જ હતા.હજુ પ્રશ્નપત્રનાં પેકેટ ખૂલવાને ઘણી વાર હતી તે પહેલાં જ આ પેપરનાં સવાલો લીક થતાં સહાયે બોર્ડની તાત્કાલિક મીટીંગ બોલાવીને આ પરિક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો.

રૂપલ શર્માની ફાઇલ તસવીર


આ પણ વાંચો: જાણો કોણ છે લોક રક્ષક પેપર લીકનાં મુખ્ય આરોપીઓ

તાત્કાલિક રૂપલ શર્માની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ કરતાં સામે આવ્યું કે રૂપલ શર્માની સાથે આ પૂર્વઆયોજીત કાવતરામાં ગાંધીનગરનાં વાયરલેસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી વી પટેલ અને બનાસકાંઠા જીલ્લાનાં મુકેશ મૂળજીભાઈ ચૌધરી સામેલ હતાં. તેઓને પરીક્ષાનાં દિવસે જ સવારે એક જયેશ નામની વ્યક્તિએ આ સવાલ અને હસ્તલિખિત જવાબો આપ્યા હતાં. જયેશે અરવલ્લી જીલ્લાનાં બાયડનાં રહેવાસી મનહર રણછોડભાઈ પટેલની સૂચનાથી આ જવાબો આ લોકો સુધી 2જી ડિસેમ્બરે સવારે પહોંચાડ્યા હતાં. આ માટે રૂપલ શર્મા પાસેથી પાંચ લાખ રૂપિયા કટકે કટકે લેવાયા હતાં.

આરોપી મનહર પટેલની ફાઇલ તસવીર


આ જાણ થતાં જ મનહરની તાત્કાલિક અટકાયત કરીને તેને પૂછપરછ માટે ગાંધીનગર લઇ આવવામાં આવ્યો હતો. પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે તેને આ પ્રશ્નપત્ર લુણાવાડાનાં રહેવાસી યશપાલસિંહ જસવંતસિંહ સોલંકી તરફથી આપવામાં આવ્યા હતાં. યશપાલસિંહ સાથે તેને વડોદરામાં મુલાકાત થઇ હતી. યશપાલસિંહ વડોદરા મ્યુનિસિપર કોર્પોરેશનનાં સ્વાસ્થ્ય વિભાગમાં કોન્ટ્રેક્ટ પર નોકરી કરે છે.

આ પણ વાંચો: પેપર લીક: રાજ્યભરમાં પરીક્ષાર્થીઓનો હોબાળો, ઠાલવ્યો રોષ, જાણો - ક્યાં રહ્યો કેવો માહોલ

યશપાલસિંહ સાથે એવો સોદો થયો હતો કે દરેક ઉમેદવાર દીઠ 5 લાખ રૂપિયા માટે આ પ્રશ્નપત્ર તે વેચશે. યશપાલસિંહે મનહરને કહ્યું હતું કે તે 1લી ડિસેમ્બરની રાત્રે તેને પ્રશ્નપત્ર મળી જશે ત્યારબાદ તે 2જીએ સવારે તેમને આપશે. મનહરે તેને આગ્રહ કર્યો હતો કે જો પ્રશ્નપત્ર વહેલા મળી જાય તો વધુ ફાયદો થશે. પરંતુ યશપાલસિંહે કહ્યું હતું કે તે પહેલા આપી શકશે નહીં કેમકે તેનાં દિલ્હીનાં સંપર્કથી તેને 1લીએ રાત્રે જ પ્રશ્નપત્ર મળી શકશે.

આરોપી મુકેશ ચૌધરીની ફાઇલ તસવીર


યશપાલસિંહના મોબાઇલ નંબરની તપાસ કરતાં ખરેખર આ ચોંકાવનારી બાબત સામે આવી કે 1લી ડિસેમ્બરે યશપાલસિંહ દિલ્હી ગયો હતો અને તે રાત્રે 9 વાગે જ દિલ્હીથી વડોદરા એરપોર્ટ પરત આવ્યો હતો.

એ પણ જાણવા મળ્યું હતું કે રૂપલ શર્મા પોતે પણ આ પરીક્ષામાં ઉમેદવાર હતી અને તેણે પોતાનાં માટે આ પ્રશ્નપત્ર મેળવ્યું હતું. સાથે જ તે પોતાનાં હોસ્ટેલનાં અન્ય ઉમેદવારોને વેચીને રોકડી કરવા માંગતી હતી. પીએસઆઇ પી. વી. પટેલે પોતાનાં બે સગાઓ માટે આ પ્રશ્નપત્ર મેળવ્યું હતું. મુકેશ ચૌધરીએ પોતાનાં અને અન્ય બે ઉમેદવારો માટે આ પ્રશ્નપત્ર મેળવ્યું હતું.
First published:

Tags: Lokrakshak, Paper leak