ન્યૂઝ18 ગુજરાતી: ભારતના ઇલેક્શન કમિશને રવિવારે લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી છે. આંધ્ર પ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, ગોવા અને ગુજરાતમાં એક જ તબક્કામાં મતદાન થશે.
સાથે જ ગુજરાતમાં 23 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાશે.જ્યારે ગત 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભગવો લહેરાવ્યો હતો. ત્યારે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ફરી એકવાર પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે. કુલ સાત તબક્કામાંથી ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક પર 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે.
આ 7 તબક્કામાં યોજાશે ચૂંટણી
ચૂંટણી પંચ અનુસાર, દેશભરમાં કુલ સાત તબક્કામાં મતદાન યોજાશે, જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 11 એપ્રિલ, બીજા તબક્કાની 18 એપ્રિલ, ત્રીજા તબક્કાની 23 એપ્રિલ, ચોથા તબક્કાની 29 એપ્રિલ, પાંચમા તબક્કાની 6 મે, છઠ્ઠા તબક્કાની 12 મે અને સાતમા તબક્કાની ચૂંટણી 19 મેના રોજ યોજાશે. જ્યારે 23 મેના રોજ મતગણતરી હાથ ધરાશે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠક
ગુજરાત રાજ્યમાં લોકસભાની કુલ 26 બેઠક છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. ગુજરાતની કુલ 26 બેઠકમાંથી કચ્છ અને અમદાવાદ પશ્ચિમની બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત છે. જ્યારે દાહોદ, છોટા ઉદેબુર, બારડોલી અને વલસાડની ચાર બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી છે.
ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. દેશભરમાં 10 લાખ મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે.
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ
લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની ચૂંટણી 23મી એપ્રિલે યોજાશે જેના માટેસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4 એપ્રિલ છે. ગુજરાતમાં 5 એપ્રિલે ચૂંટણી પંચ ફોર્મ રદ્દ થયું કે સ્વીકારાયું તેની જાહેરાત કરશે જ્યારે ફોર્મ પાછુ ખેંચવાની તારીખ 8મી એપ્રિલ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા 4 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે.