Home /News /ahmedabad /સ્થાનિક પોલીસ નિષ્ક્રિય, એસએમસી એક્ટિવઃ અમરાઇવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

સ્થાનિક પોલીસ નિષ્ક્રિય, એસએમસી એક્ટિવઃ અમરાઇવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

અમરાઇવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

Ahmedabad Crime: ચૂંટણીના કારણે બુટલેગરો માત્ર નામ પૂરતા ભુગર્ભમાં ઉતરી ગયા, એસએમસીએ પાડી રેડ, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય

અમદાવાદ: ચૂંટણીની જાહેરાત બાદ બુટલેગરો માત્ર દેખાવ પુરતા ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. દારૂના કેસો કરવામાં એક તરફ સ્થાનિક પોલીસ હવાતિયા મારી રહી છે, તેવા સમયે સ્ટેટ મોનિટરીંગ સેલ બાજી મારી રહી છે. વિધાનસભાની ચૂંટણીને લઇને બોર્ડરો પર પૂરતું ચેંકીગ કરાય છે, તેવામાં કેટલાક ભષ્ટ્ર પોલીસ કર્મચારીઓની મદદથી લાખો રૂપિયાનો દારૂ અમદાવાદમાં આવી રહ્યો છે.

અલગ-અલગ ટીમો બનાવીને રેડ કરી

સ્ટેટ મોનિટરીંગે સેલની ટીમે અમરાઇવાડી વિસ્તારમાં લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડીને સ્થાનિક પોલીસની વધુ એક નિષ્ક્રીયતાનો પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અમરાઇવાડી વિસ્તારમાંથી 208 દારૂની બોટલો ઝડપી પાડીને એક બુટલેગરની ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, અમરાઇવાડી વિસ્તારમાં આવેલા માધવ કુંભારની ચાલીમાં દારૂનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ અલગ-અલગ ટીમો બનાવીને રેડ કરવા માટે અમરાઇવાડી પહોચી ગઇ હતી.

આ પણ વાંચો: અમદાવાદ એસઓજીએ બાપુનગરમાંથી ડ્રગ્સ સાથે કુખ્યાત આરોપીને ઝડપ્યો

1.16 લાખનો મુદ્દામાલ જપ્ત

રેડ દરમિયાન સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અશ્વિન ઉર્ફે કાલુ મહેરીયા નામના બુટલેગરની ધરપકડ કરી લીધી હતી. અશ્વિન પાસેથી એસએમસીની ટીમને 208 દારૂ તેમજ બિયરના ટીન મળી આવી હતી. જ્યારે એક બાઇક પણ કબજે કર્યુ હતું. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે 1.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે બીજા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. એસએમસીના અધિકારીઓએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં અશ્વિન ઉર્ફે કાલુ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. જ્યારે સુરેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ રાજપુત, મુકેશ ઉર્ફે ડેવીડ પરમારને વોન્ટેડ દર્શાવ્યા છે. અશ્વિન, સુરેન્દ્ર અને મુકેશ ભેગા થઇને દારૂનો ધંધો કરતા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓ રાજસ્થાનથી દારૂનો જથ્થો લાવ્યા હતા. રાજસ્થાનમાં કયા ઠેકેદાર પાસેથી દારૂનો જથ્થો લાવ્યા હતા, તે શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અસલાલી પોલીસ સ્ટેશનની હદમાંથી 17 લાખ રૂપિયાનો દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો. ચૂંટણી નજીક આવતાની સાથે પોલીસ દારૂ પકડવા માટે નિષ્ક્રિય થઇ ગઇ છે ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ એક્ટિવ થઇ ગઇ છે. બીજી બાજુ, એસએમસી દ્વારા અનેક ગુનાઓમાં વોન્ટેડ 2 બૂટલેગરોની પણ ધરપકડ કરી લેવામા આવી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन