Home /News /ahmedabad /EXCLUSIVE: સમગ્ર રાજ્યમાં લીંબુના ભાવ આસમાને કેમ? ગ્રાહકો પણ મૂંઝવણમાં; જાણો વેપારીઓએ શું કહ્યું...
EXCLUSIVE: સમગ્ર રાજ્યમાં લીંબુના ભાવ આસમાને કેમ? ગ્રાહકો પણ મૂંઝવણમાં; જાણો વેપારીઓએ શું કહ્યું...
ફાઇલ તસવીર
સામાન્ય રીતે હોળી-ધૂળેટી બાદ આકરા તાપની શરુઆત થતી હોય છે. આવી પરિસ્થિતિમાં ઉનાળામાં સૌથી વધુ ફળદાયી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. તો આવો જાણીએ કે કેમ લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે...
અમદાવાદઃ સામાન્ય રીતે હોળી-ધૂળેટી બાદ આકરા તાપની શરુઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં છેલ્લાં દિવસોમાં સખત ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં રોડ પર સિકંજી અને લીંબુ પાણી પણ વેચાતા થઈ ગયા છે. આવી પરિસ્થિતિમાં ઉનાળામાં સૌથી વધુ ફળદાયી લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં લીંબુ 100 રુપિયા કિલો મળી રહ્યા છે. જ્યારે મણિનગર, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં લીંબુનો ભાવ 150ને આંબી ગયો છે. લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે, પરંતુ સવાલ એ થાય કે અચાનક ગરમી વધતાં લીંબુના આટલા બધા ભાવ વધી કેમ ગયા. તો તેનો જવાબ છે કે, શહેરોમાં લીંબુની માંગમાં અચાનક ધરખમ વધારો થઈ ગયો છે. પરિણામે બહારથી આવતાં ટ્રકોમાં જે રેગ્યુલર આવતાં હતા તે પહોંચી વળતાં નથી.
બીજુ એક કારણ ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં આ વર્ષે લીંબુનું ઓછું ઉત્પાદન થયું છે. ગુજરાતમાં ભાવનગર, રાજકોટ અને મહેસાણામાં મબલખ લીંબુનું ઉત્પાદન થાય છે. પરંતુ આ વર્ષે વાતાવરણની અસરને પગલે ઉત્પાદનમાં મોટી ખોટ પડી છે. ભારતમાં ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના બધા જ રાજ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે. ગુજરાત ખાટા લીંબુની ખેતી માટે દેશમાં પ્રથમ ક્રમે છે. આપણા રાજ્યમાં લીંબુની ખેતી કરતા જિલ્લામાં મહેસાણા, આણંદ, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદ મુખ્ય છે. આ સિવાયના ભારે વરસાદ વિનાના તમામ જિલ્લામાં વધતા ઓછા પ્રમાણમાં તેનું વાવેતર થાય છે, છતાં આ વર્ષે લીંબુના પાકને સપ્રમાણ ઠંડી અને ગરમી માફક ન આવતાં લીંબુની ખેતી નિષ્ફળ ગઈ છે. સામાન્ય રીતે હવામાન સૂકું હોય તેમજ વરસાદ વધુ ન પડતો હોય તેવા વિસ્તારોમાં લીંબુની ખેતી સફળતાપૂર્વક થઇ શકે છે. જે વિસ્તારમાં વધારે પડતો ભેજ અને વધારે વરસાદ પડતા વિસ્તારમાં લીંબુના પાક જોઈએ એવો થતો નથી.
કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં લીંબુની ખેતીમાંથી આ વર્ષે ઉત્પાદન વધારે થયું છે. આ બંને રાજ્યોમાંથી રોજના 20થી 25 ટ્રક સરેરાશ 250 ટન જેટલાં લીંબુ ગુજરાત લઈને આવે છે. આ અંગે જમાલપુર વિસ્તારનાં વેપારી ચિરાગભાઈના કહેવા પ્રમાણે રમઝાન મહિના બાદ લીંબુના ભાવ ઘટશે અંદાજે 30 માર્ચ સુધી આ પ્રકારનો ભાવ રહેશે. ત્યારબાદ ગુજરાતના લોકલનું જે ઉત્પાદન છે તે માર્કેટમાં ઉતરશે જેને કારણે આ ભાવ ઓછાં થઈ જશે.
મણિનગરથી કિલો લીંબુ લેવા જમાલપુર આવ્યાં
ન્યૂઝ18 ગુજરાતીએ ગ્રાહકોનો સંપર્ક કરતાં અમદાવાદના મણિનગરમાં રહેતા પરેશભાઈએ જણાવ્યુ હતુ કે, તેઓ 1 કિલો લીંબુ ખરીદવા માટે છેક જમાલપુર આવ્યા છે. કારણ કે મણિનગરમાં લીંબુનો ભાવ 150 રુપિયા જેટલો વધી ગયો છે, જેને કારણે વધારે લીંબુ લેવા હોય તો અમે અહીં જ આવીએ છીએ. સ્ટોક કરીને લીંબુનો રસ ભરી લઈએ છીએ જેથી ઉનાળામાં રાહત થાય તો આ અંગે ગોતા વિસ્તારમાં મીનાબેને કહ્યું કે, ‘હું અહીંથી નીકળતી હતી અને મારે લીંબુ લેવાનું યાદ આવ્યું એટલે હું ઉભી છું. અમારા વિસ્તારમાં લીંબુના ભાવ વધારે છે એટલે હું મારા અને મારા પડોશીનાં લીંબુ લેવા ઉભી છું. આવા ઉનાળામાં લીંબુ તો જોઈએ જ અમારા ઘરમાં લીંબનું અથાણું પણ બધા ખાય છે એટલે લીંબુ તો જોઈએ જ.’