ભગવાન બુદ્ધ, ધ્યાન, જીવનચક્ર, ધર્મચક્રને પેઈન્ટિંગમાં રજૂ કરાયા
અમદાવાદમાં શિલ્પીનિકેતન ગ્રુપ દ્વારા ધ આર્ટ શોનું આયોજન કરાયું છે.નકામી વસ્તુઓમાંથી સ્કલ્પચર અને વૈશાખી તહેવારને રજૂ કરતા પેઈન્ટિંગ બનાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.
Parth Patel, Ahmedabad: અમદાવાદમાં ગુફા ખાતે ઝારખંડના શિલ્પી નિકેતન ગ્રુપ દ્વારા ધ આર્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ આર્ટ એક્ઝિબિશન ગેલેરીમાં કલાકારોને તેમની આર્ટ વર્ક પ્રદર્શિત કરવા માટે સ્થાન આપવામાં આવે છે. જેમાં આ વખતે પ્રદર્શનમાં શિલ્પીનિકેતન ગ્રુપના કલાકારો દ્વારા સુંદર પેઈન્ટિંગ અને સ્કલ્પચર બનાવીને લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. આજે આપણે કેટલાક કલાકારોના પેઈન્ટિંગ વિશે જાણીએ.
વેસ્ટેજ મટિરીયલમાંથી આકર્ષક અને સુંદર સ્કલ્પચર બનાવવામાં આવ્યા
રીન્કુ પ્રામાનિકે જણાવ્યું હતું કે, તેઓ સ્કલ્પચર બનાવવામાં કુશળતા ધરાવે છે. આ સ્કલ્પચરને તેમણે ખાસ કારીગરીથી ડિઝાઈન કરી બનાવ્યા છે. આ સ્કલ્પચર બનાવવા માટે તેમણે જુદા જુદા વેસ્ટેજ મટિરીયલનો ઉપયોગ કરી આકર્ષક રંગ-રૂપ આપ્યા છે.અત્યારે હાલ માર્કેટમાં જુદા જુદા રંગની ક્લે જોવા મળે છે. ત્યારે આ કલરફુલ ક્લે દ્વારા અનોખા સ્કલ્પચર બનાવ્યા છે. અત્યાર સુધીમાં તેમણે 100 થી પણ વધુ સ્કલ્પચર બનાવીને લોકો સમક્ષ રજૂ કર્યા છે.
ભગવાન બુદ્ધ, ધ્યાન, જીવનચક્ર, ધર્મચક્રને પેઈન્ટિંગમાં રજૂ કરાયા
રુચિ અગ્રવાલે જણાવ્યું હતું કે, તેમણે કેનવાસ પર એક્રેલિક કલરનો ઉપયોગ કરી પેઈન્ટિંગ બનાવ્યા છે. ખાસ કરીને તેમણે ભારતીય સંસ્કૃતિ અને ધર્મથી જોડાયેલા પેઈન્ટિંગ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ભગવાન બુદ્ધ, ધ્યાન, જીવનચક્ર, ધર્મચક્ર વગેરે જોવા મળે છે. અત્યારે તેમણે કુલ 9 પેઈન્ટિંગ રજૂ કર્યા છે. જેમાં ધ્યાન સાથે જોડાયેલા લોકોને બતાવવામાં આવ્યું છે કે, આપણી અંતર આત્માથી જે નીકળે છે. તેને લઈને તેઓ પેઈન્ટિંગમાં દર્શાવે છે.
બાદલ પ્રામાનિકે જણાવ્યું હતું કે, તેઓ 47 વર્ષથી પેઈન્ટિંગ બનાવે છે. તેમણે બનાવેલા પેઈન્ટિંગમાં ઝારખંડની સંસ્કૃતિ જોવા મળે છે. વૈશાખી તહેવાર કે જે વૈશાખ મહિનામાં આવે છે. ખાસ કરીને ઝારખંડમાં રહેતા લોકો આ તહેવારમાં શિવની પૂજા-અર્ચના કરતા હોય છે. જેમાં શ્રદ્ધાળુઓ ત્રણ દિવસનો ઉપવાસ કરે છે. છેલ્લે શિવની પૂજા કર્યા બાદ તેઓ અન્ન-પાણી ગ્રહણ કરે છે. આ સમયે રાત્રે નૃત્યનું આયોજન કરતા હોય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પેઈન્ટિંગ બનાવવામાં આવ્યા છે. આ સાથે તેઓ વોટર કલરમાં ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે. આ પેઈન્ટિંગ કેનવાસ પર એક્રેલિક કલરનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યા છે.
સરનામું : અમદાવાદની ગુફા, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, ગુજરાત યુનિવર્સિટી કેમ્પસની સામે, CEPT કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ. આ એક્ઝિબિશન ગેલેરી સોમવાર અને જાહેર રજાના દિવસો સિવાય તમામ દિવસોમાં ખુલ્લી રહે છે. જેનો સમય સાંજે 4.00 વાગ્યાથી રાત્રે 8.00 વાગ્યા સુધીનો હોય છે.
Published by:Santosh Kanojiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર