ભોજનસેવા કરવા વિશિષ્ટ પ્રકારની ફૂડ ટ્રક અને ડ્રેસ બનાવડાવ્યો
અમદાવાદમાં લંગર ઓન વ્હીલ્સ ફાઉન્ડેશન અનોખી સેવા કરે છે. આ સંસ્થા લોકોને સ્થળ પર જઈ મફત ભોજન આપે છે. આ સંસ્થા રોજ 150થી વધુ લોકોને મફત ભોજન આપી સેવાકીય કાર્ય કરે છે.
Parth Patel, Ahmedabad: આજના સમયમાં કોઈ પોતાના ઘરે અજાણ્યા લોકોને જમાડતા કે રહેવા આશરો આપ્યા પહેલા સો વખત વિચાર છે. તેનાથી તદ્દન વિપરીત અમદાવાદનું લંગર ઓન વ્હીલ્સ ફાઉન્ડેશન કાર્ય કરી રહ્યું છે. આ લંગર ગ્રુપ શહેરમાં ગરીબોને મફતમાં ભોજન આપવાનું ભગીરથ કાર્ય કરી રહ્યું છે.
જાણો શું છે લંગર?
શીખ ધર્મમાં લંગર એ ગુરુદ્વારાનું સામુદાયિક રસોડું છે. જે ધર્મ, જાતિ, લિંગ, આર્થિક સ્થિતિ અથવા વંશીયતાને ધ્યાનમાં લીધા વિના બધાને મફતમાં ભોજન પીરસે છે. લોકો જમીન પર બેસીને સાથે ખાય છે. તથા રસોડાની જાળવણી અને સેવા શીખ સમુદાયના સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે. લંગરમાં પીરસવામાં આવતું ભોજન હંમેશા લેક્ટો વેજીટેબલ હોય છે.
શહેરમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે હેતુથી શરૂ કરી આ લંગર સેવા
લંગર ઓન વ્હીલ્સ ફાઉન્ડેશનના ડાયરેક્ટર નિરજ કાંજણી સાથે વાત કરતા જણાવ્યું કે હું જ્યારે ભણતો હતો ત્યારથી લોકોને જમાડતો હતો. તે વખતે મારાથી જેટલી ભોજનની સેવા થાય એટલી કરતો. પરંતુ પોતાનો ધંધો શરૂ કર્યા બાદ લાગ્યું કે હવે કંઈક મોટા પાયે વધુ લોકોની સેવા કંઈક કરી શકીએ તો પોતાને આનંદ થાય. ત્યારબાદ મારા જેવા સેવાભાવી અન્ય મિત્રો સાથે મળીને લોકોને ભોજન આપવાનું શરૂ કર્યું.
હાલમાં અમે લંગર ઓન વ્હીલ્સ ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ગરીબ લોકોને જમાડીને સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ સેવા ચાલુ કરવાનો ઉદ્દેશ્ય એ જ છે કે શહેરમાં કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખ્યો ન રહે. આ સાથે અમે એક ફૂડ ટ્રક પણ બનાવી છે. જેના દ્વારા દૂરના ગરીબ વિસ્તારમાં જઈને અમે લોકોને ભોજન આપવાનું કામ કરીએ છીએ.
આ સાથે અમે એક ડ્રેસ કોડ પણ રાખ્યો છે. જેમાં પીળા રંગની સંસ્થાની ટી-શર્ટ બનાવડાવી છે. જેમાં યલો ટી-શર્ટ રાખવાનુ ખાસ કારણ એ છે કે તે દૂરથી લોકોને નજરે દેખાઈ આવે અને લોકોમાં અલગથી તરી આવે તે માટે ખાસ બનાવડાવ્યો છે. આ ઉપરાંત રસોઈ બનાવવા માટે પણ અલગથી કૂક રાખવામાં આવ્યા છે. આ રસોઈના મેનુમાં દરરોજ દાલ, ચાવલ અને શીરો પીરસવામાં આવે છે.
આમ આ અનોખી ભોજન સેવા કરવા માટે સંસ્થા પાસે ભંડોળ હોવું પણ જરૂરી છે. જેના માટે અમારી સંસ્થાના કુલ 8-10 લોકો પોતાના ખર્ચે ભોજન-સામગ્રી લાવી લોકોને પ્રસાદ રુપે આપે છે. આગળ જેમ જેમ લોકો ડોનેશન આપતા જશે તેમ તેમ વિસ્તાર મુજબ એક એક ફૂડ ટ્રક રાખવાનો વિચાર કરી રહ્યા છીએ.
ભોજન સેવા કરવા વિશિષ્ટ પ્રકારની ફૂડ ટ્રક અને ડ્રેસ બનાવડાવ્યો
જ્યારે રોહન મંગરાણી સાથે વાત કરતા જણાવ્યું કે અમે બધા મિત્રોએ સાથે મળીને અમદાવાદમાં રહેતા ગરીબોને મફતમાં ભોજન આપવાનું સામાજિક કાર્ય શરૂ કર્યું છે. જે અમે બધા નાનપણથી કરતા આવ્યા છીએ. અમે દરરોજ 100 થી 150 લોકોને દરરોજ અલગ અલગ વિસ્તારમાં જઈને મફતમાં ભોજન આપીએ છીએ. આ માટે અમે વિશિષ્ટ પ્રકારની ફૂડ ટ્રક બનાવી છે.
આ ફૂડ ટ્રકને જુદી રીતે ડિઝાઇન કરી તેમાં ભોજનની સામગ્રી રાખીને તથા પીરસી શકાય તે રીતે બનાવી છે. તથા આ ફૂડ ટ્રકને દૂરથી જોતા જ લોકોને ખબર પડી જાય કે આ લંગર ટ્રક છે.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.