કડી તાલુકાનું કલ્યાણપુરા ગામનો ઝડપી વિકાસ થઇ રહ્યો છે. મીની સીટી બની ગયું છે. અહીં આરોગ્યની સવલત ખુબ સારી છે. સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને સારવાર મળે છે. પરંતુ મહત્વની વાત એ છે કે, અહીં પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે.
Parth Patel, Ahmedabad: એક તરફ સૂનાં ગામ અને બીજી તરફ ટ્રાફિક જામ. આધુનિક ભારતનું આ વાસ્તવિક ચિત્ર છે. શહેરોની જેમ ગામડાં પણ આધુનિક થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદથી થોડે દૂર કડી તાલુકાના કલ્યાણપુરા ગામમાં વિશિષ્ટ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે.
બીમારીઓ વધે એટલે દવાખાનું દર્દીઓથી ઉભરાઈ જતું
દરેક ગામમાં અનેક વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે. ત્યારે કલ્યાણપુરા ગામમાં પહેલા એક નાનકડું દવાખાનું જ હતું. જેમાં સારવાર માટે આજુબાજુના અનેક ગામના દર્દીઓ આવતા. બીમારીઓ વધે એટલે આ દવાખાનું દર્દીઓથી ઉભરાઈ જતું. ત્યારે ગામના લોકોએ સાથે મળીને દર્દીઓનો ઈલાજ સારી રીતે થઈ શકે તે માટે મોટી હોસ્પિટલ બનાવવાનું વિચાર્યું.
આ હોસ્પિટલ બનાવવા માટે ગામના લોકોએ પોતાની જમીન દાનમાં આપી અને સાથે એક ટ્રસ્ટ બનાવ્યું. જેના દ્વારા એક સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું. આ હોસ્પિટલના નિર્માણ બાદ સરકારશ્રીને સોંપવામાં આવ્યું. આ સાથે તેમાં આધુનિક ટેક્નોલોજીયુક્ત મશીનો અને લેબોરેટરીની સુવિધાઓ ઊભી કરવામાં આવી.
આરોગ્ય કેન્દ્રમાં ઓપીડી, આઈસોલેશન વોર્ડ, ડેન્ટલ, લેબોરેટરી વગેરે જેવી સારવાર ઉપલબ્ધ
આ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મશીનો દ્વારા અહીં આવતા દર્દીઓને કોઈ શહેરી મોટી હોસ્પિટલમાં જવાની જરૂરિયાત રહેતી નથી. અહીં તમામ પ્રકારની સવલતો આ આરોગ્ય કેન્દ્રમાં મળી રહે તે રીતે બનાવવામાં આવી છે. જેમાં ઓપીડી, આઈસોલેશન વોર્ડ, ડેન્ટલ, લેબોરેટરી વગેરે જેવી સારવાર ઉપલબ્ધ છે.
ખાસ વાત તો એ છે કે, અહીં પોસ્ટમોર્ટમ, ઓપરેશન થીયેટર જેવી સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. આ સાથે મશીનરીની વાત કરીએ તો એક્સરે મશીન, ડેન્ટલ, આઈ ક્લિનિક તથા ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને સિલિન્ડર જેવા અત્યાધુનિક મશીનો મૂકવામાં આવ્યા છે.
દર મહિને 25 થી 30 મહિલાઓની ડિલીવરી કરવામાં આવે છે
આ સરકારી હોસ્પિટલના સ્ટાફની વાત કરીએ તો અહીં દરરોજ દાંત, આંખ જેવા અંગોની સારવાર સર્જન દ્વારા કરવામાં આવે છે. તથા અન્ય સારવાર માટે અઠવાડિયે નિષ્ણાંતો દ્વારા આ હોસ્પિટલમાં મુલાકાત લેતા હોય છે. જ્યારે પોસ્ટમોર્ટમ તથા તાત્કાલિક સર્જરી માટે ડોક્ટરોની ટીમ હાજર હોય છે.
આ સાથે નાના બાળકો માટે દર અઠવાડિયે એક વાર રસીકરણના કેમ્પ પણ યોજાય છે. તથા દર મહિને 25 થી 30 મહિલાઓની ડિલીવરી કરવામાં આવે છે. સારવાર મેળવવા માટે લોકો જેસંગપુરા, અગોલ, પાલ્લી, નગાસર, હિરાપુરા, સચાણા, સાણંદ, વિરમગામ, કડીથી કલ્યાણપુરા ગામે આવે છે.
જ્યારે કલ્યાણપુરા ગામની વાત કરીએ તો 150 વર્ષ પહેલા વડોદરાની ગાયકવાડ સરકાર દ્વારા આ ગામ વસાવવામાં આવ્યું. અત્યારે હાલમાં આ ગામ એક મિની સિટી તરીકે વિકાસ પામી રહ્યું છે. જે સડક, વીજળી, પાણી, દવાખાનું, બસવ્યવહાર, પોસ્ટ-ઓફિસ અને બેન્ક જેવી તમામ સગવડોથી ભરપૂર છે. તેને કારણે ગામ સુધારા અને પ્રગતિને પંથે અન્ય ગામો કરતા આગળ છે.
જો તમારે પણ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર કરાવવી હોય તો સામુહિક આરોગ્ય કેન્દ્ર, કલ્યાણપુરા ગામ, કડીની મુલાકાત લઈ શકો છો.
શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.