Home /News /ahmedabad /GPSSB Paper Leak: સૌથી પહેલા જેના હાથમાં પેપર આવ્યું હતું તેને હૈદરાબાદથી દબોચી લેવાયો, આ રીતે કરી હતી ચોરી
GPSSB Paper Leak: સૌથી પહેલા જેના હાથમાં પેપર આવ્યું હતું તેને હૈદરાબાદથી દબોચી લેવાયો, આ રીતે કરી હતી ચોરી
જુનિયર ક્લાર્કના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી પકડાયો
Main Accused Of Paper Leak: આખરે ATSને મોટી સફળતા મળી છે, ગુજરાત એટીએસ દ્વારા જીત નાયક નામના મુખ્ય આરોપીને હૈદરાબાદથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપીએ પેપર લીક કર્યા બાદ પ્રદીપને આપ્યું હતું, આમ પેપર લિકનો કેસ હૈદરાબાદથી શરુ થયા બાદ તેમાં ઓડિશા, બિહારની ગેંગની સંડોવણી પણ સામે આવી છે.
અમદાવાદઃ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB Exam Paper Leak)ના પેપર લીક કેસમાં એક તરફ ઉમેદવારો પોતાની વેદના ઠાલવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા રાત્રે બે વાગ્યે આરોપીઓને ઉઠાવ્યા બાદ હવે વધુ એક મોટી સફળતા મળી છે. પેપર લીક કેસનો મુખ્ય આરોપી જીત નાયક હૈદરાબાદથી પકડાયો છે. નોંધનીય છે કે આ પહેલા 15 લોકોને પકડી પાડવામાં આવ્યા હતા જેમાંથી 10 આરોપીઓ ગુજરાત બહારના છે. જ્યારે બાકીના આરોપીઓ ગુજરાતના છે. પેપર લીક કેસમાં એક કમિટી પણ રચવામાં આવી છે જે પરીક્ષાની તારીખ અંગે મહત્વની જાહેરાત કરશે અને તપાસનો રિપોર્ટ સરકારને સોંપશે.
હૈદરાબાદથી પકડાયેલો મુખ્ય આરોપી જીત નાયક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરે છે. જેણે પેપર પ્રદીપ નાયકને આપ્યું હતું. પ્રદીપ નાયકને ATS દ્રારા રાત્રે જ પકડી લેવામાં આવ્યો હતો. હવે આ કેસમાં વધુ કેટલાક મોટા ખુલાસા આરોપીની પૂછપરછ દરમિયાન થઈ શકે છે.
જીત નાયક નામનો જે મુખ્ય આરોપી છે તેને ATS દ્વારા હૈદરાબાદથી દબોચી લેવામાં આવ્યો છે, હવે આરોપી જીતને અમદાવાદ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
તેલંગાણામાં કેએલ હાઈટક નામની પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને પેપર પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ જ પ્રિન્ટિંગ પ્રેસમાં જીત કામ કરતા હતો અને તેણે ત્યાંથી પેપર લીક કર્યું હતું. આ પછી તેણે પેપર તેના સગા પ્રદીપને આ પેપર આપ્યું હતું. આ પછી પ્રદીપે આ પેપર તેની આગળની ટીમને સોંપ્યું હતું.
આ પેપર વેચવા માટે 5 લાખથી 15 લાખ સુધીનો રેટ નક્કી કરવામાં આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિ કેટલા રૂપિયા આપી શકશે તે નક્કી કરીને રકમની માગણી કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો. આ પ્લાનમાં વડોદરાની ઈન્સ્ટિટ્યુટ છે તેને પણ રૂપિયા આપવાના હતા. ગુજરાત ATSએ પ્રદીપને પકડ્યા પછી તેની પૂછપરછ કરી હતી તેમાં જીતનું નામ ખુલ્યું હતું.
અન્ય રાજ્યમાં કે જ્યાં ગુજરાતી ભાષાની લોકોમાં ઓળખ ઓછી હોય માટે પેપરની ગુપ્તતા જળવાઈ રહે તે માટે બહાર પ્રિન્ટિંગ માટે આપવામાં આવતું હોય છે. આવામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર તેલંગાણામાં છપાવવા માટે મોકલવામાં આવ્યું હતું. જોકે, આ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા જીતે ચાલાકીથી પેપર લઈ લીધું હતું અને તે તેણે પ્રદીપને આપ્યું હતું. હવે આ ચેઈનમાં વધુ કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જીતની પૂછપરછમાં ભૂતકાળમાં થયેલા પેપર ફૂટવાના કાંડમાં તેનો હાથ છે કે નહીં તે વિશે પણ પૂછપરછ કરવામાં આવશે.