Monsoon 2022: અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી (IMD Director Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે.
ગાંધીનગર: વરસાદના અનુમાનની રાહ જોતા ખેડૂતો (Farmers) માટે ખૂબ આનંદના સમાચાર છે. હવામાન વિભાગના (Indian Meteorological department) તાજા અનુમાન પ્રમાણે આ વર્ષે ચોમાસું (Monsoon 2022) ખૂબ સારું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. ઉલ્લેખનીય છે કે કેરળમાં 29મી મેના રોજ ચોમાસું બેસી ગયું છે. કેરળમાં વરસાદ પડ્યાના 15 દિવસ આસપાસ ગુજરાતમાં વરસાદની પધરામણી (Gujarat monsoon 2022) થતી હોય છે.
ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન
અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી (IMD Director Manorama Mohanty)ના જણાવ્યા પ્રમાણે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે. આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે. આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસું બેસી જશે. જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે. બીજી તરફ હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel) અનુમાન વ્યક્ત કર્યું છે કે, રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે. 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે. જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે. તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે. વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.
અંબાલાલના કહેવા પ્રમાણે લા નીનો ન્યુટલમાં સારો વરસાદ રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં 40 ઇંચ જેટલો વરસાદ પડવાનું અનુમાન છે. દક્ષિણ વિસ્તારમાં 80થી 100 ઇંચ વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં 30 ઇંચથી વધારે વરસાદ, તો મધ્ય ગુજરાતના ભાગોમાં 32 ઇંચ જેટલો વરસાદ થવાનું અનુમાન છે.
ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના વરસાદના ડેટા તપાસીએ તો પાંચમાંથી ત્રણ વર્ષ દરમિયાન રાજ્યમાં સરેરાશથી વધારે વરસાદ પડ્યો છે. જ્યારે બે વર્ષ સરેરાશથી ઓછો વરસાદ પડ્યો છે.
વર્ષ
વર્ષ
સરેરાશ વરસાદ
2017
35.77
112.18%
2018
25.1
76.73%
2019
46.95
146.17%
2020
44.77
136.85%
2021
32.56
98.48%
ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે?
કેરળમાં આ વર્ષે 29મી મેના રોજ નૈઋત્યના ચોમાસા (Monsoon 2022)નું આગમન થઈ ગયું છે. સામાન્ય રીતે કેરળમાં વરસાદ (Kerala Rain) બાદ મુંબઈ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત (South Gujarat)માં વરસાદનું આગમન થતું હોય છે. આ વખતે હવામાન વિભાગે (Meteorological department) દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની આશા વ્યક્ત કરી છે. દર વર્ષની ધારણ પ્રમાણે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ વરસાદનું આગમન થઈ શકે છે.