અમદાવાદ : રામ મંદિરના શિલાન્યાસ બાદ હવે રામલલ્લાનું ભવ્યાતિ ભવ્ય મંદિરના બનશે. 18 વર્ષ પહેલા ગુજરાતના 56 કારસેવકોએ ગોધરામાં જીવ ગુમાવ્યો હતો. જેમાં એક સદાશિવ જાધવ પણ હતા. અમદાવાદ અમરાઈવાડી વિસ્તારમાં જાધવ પરિવારના 4 ભાઈઓ અને તેની માતાને અચાનક 27 જુલાઈની મોડી સાંજે એક ફોન આવ્યો હતો. એ ફોન હતો સોલા હોસ્પિટલથી. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને પરિવારના મોભીની લાશ અહી છે ઓળખ કરીને લઈ જાવ. એ દિવસ અને આજનો દિવસ આ પરિવાર આજે પણ કસમયે ફોનની રીંગ વાગે તો ડરી જાય છે. ક્યાંક કોઈક ખરાબ સમાચાર તો નથી ને.
આ કહાની અમદાવાદના અમરાઈવાડી વિસ્તારની છે. જ્યાં રહેતા 21 કારસેવકો એ સમયે અયોધ્યા જવા માટે તૈયાર થયા. તૈયારીઓ પણ પૂરજોશમાં કરી હતી. અમરાઈવાડી વિસ્તારના જાદવ પરિવારના સદાશિવ જાદવ કારસેવક તરીકે તૈયાર થયા અને અયોધ્યા પહોંચ્યા પરંતુ અયોધ્યા ગયા બાદ તેઓ પરત ઘરે ના પહોચ્યા. ગોધરામાં વર્ષ 2002માં જે ઘટના બની તેમાં સદાશિવ જાધવ જીવતા હોમાઈ ગયા હતા. 26 ફેબ્રુઆરીના દિવસે પરિવાર રાહ જોતો હતો. સદાશિવ ભાઈ સાથે પરિવારની છેલ્લી વાત પણ થઈ હતી પરંતુ અચાનક સમાચાર મળ્યા કે સદાશિવ હવે નહીં આવે.
પરિવારને અયોધ્યા જતાં પહેલાં સદાશિવ જાધવ અલવિદા કહીને ગયા હતા. એ સમય અને આજનો સમય આજેય આ પરિવારને યાદ છે. તેઓ યાદ કરે છે પોતાના પિતાનો ખુશીનો ચહેરો, જેઓ હસતા મોંએ કહી રહ્યા હતા કે હવે રામ મંદિર બનશે અને અયોધ્યામાં તેઓ રામ મંદિરના સાક્ષી બનશે. સદાશિવ ભાઈની પત્ની ને આજે રામ મંદિર માટે ખુશી છે પણ કોને ખબર હતી કે રામ મંદિરના શિલાન્યાસનો સમયે તેમના પતિ આ દુનિયામાં નહીં હોય. પિતાને યાદ કરતા આ 4 ભાઈઓ 27મી ફેબ્રુઆરીને યાદ કરે છે અને યાદ કરે છે એ દિવસ જ્યારે માતાને તેમને કહ્યું હતું કે હવે તેમના પિતા નથી રહ્યા.