Ahmedabad Domestic violence case: અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં ત્રાસ આપી તેમજ દીકરાને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવતા અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
અમદાવાદ: અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક પરણિતાએ પતિ સહિત સાસરીયાઓ સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી છે. સાસરિયાઓ દ્વારા નાની નાની બાબતોમાં ત્રાસ આપી તેમજ દીકરાને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવતા અંતે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ઘરમાં કોઈ વસ્તુ ખોવાય તો સાસરિયાઓ ચોરીની શંકા રાખી વહુ પાસે માતાજીનું નાળિયેર ઉપડાવી સોગંદ લેવડાવતા હતા.
સાસુ દીકરો લાવવા માટે રોજ મેણાટોણા મારતા
ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતીના લગ્ન વર્ષ 2018માં થયા હતા. લગ્ન બાદ સંતાનમાં તેને એક દીકરી જન્મી હતી. યુવતી સાસરીમાં પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી સાથે રહેતી હતી. લગ્નના દોઢ વર્ષ સુધી યુવતીને સાસરીયાઓ દ્વારા તેને સારી રીતે રાખવામાં આવી હતી. જે બાદ નાની નાની બાબતોમાં બોલાચાલી કરી ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. 3 માર્ચ 2020ના રોજ તેણે દીકરીને જન્મ આપ્યો હતો. પરંતુ સાસુને દીકરો જોઈતો હોવાથી તેને દીકરો લાવવા માટે રોજે રોજ મેણાટોણા મારતા હતા અને દીકરો લાવવા માટે કઈકને કંઈ નવો ખોરાક ખાવા માટે દબાણ કરતા હતા.
યુવતીના સસરા પણ આ બાબતને લઈને સાસુનું ઉપરાણું લેતા હતા. જે બાદ સાસુ યુવતીના પતિને ચઢામણી કરવામાં આવતા પતિ તેને માર મારતો હતો. પરિણીતા ઘરમાં જમવાનું બનાવે ત્યારે જેઠ દ્વારા ખોરાકમાં ખામી કાઢી રોટલી છુટ્ટી ફેંકીને ત્રાસ આપતા હતા અને જેઠનું ઉપરાણું લઈને તમામ સાસરીયાઓ તેને રસોઈ કરતા આવડતી નથી અને મા એ કંઈ શીખવાડ્યું નથી તેવું કહીને ત્રાસ આપતા હતા. યુવતી પ્રાઇવેટ ટ્યુશન ચલાવતી હોવાથી અને બહારથી ઘરે આવે ત્યારે તેના જેઠાણી તેને નોકરાણીની જેમ કામ કરાવતી હતી. તે ગર્ભવતી હતી ત્યારે પણ સાસરીયોએ કોઈ બહાને દીકરો લાવવા માટે ત્રાસ આપતા હતા.
યુવતીની નણંદ તેની જેઠાણી હાઈફાઈ જીવન જીવે છે અને તું કેમ દેશી ગામડાની ગમારની જેમ જીવન જીવે છે તેવું કહીને ટોણા મારતી હતી. જેના કારણે ઘણી વાર યુવતીને આત્મહત્યા કરવાની પણ ઈચ્છા થતી હતી. પરંતુ દીકરીનો વિચાર કરી તે ચૂપચાપ સહન કરતી હતી. એક વાર યુવતીની દીકરીનો પ્રથમ જન્મદિવસ હતો, ત્યારે તેની નણંદના 4 હજાર રૂપિયા ખોવાઈ જતા સાસરીયાઓએ તેમજ નણંદ નણદોઈએ સાથે મળીને યુવતીએ પૈસા ચોરી કરી હોવાનો આક્ષેપ કરીને તેની પાસે માતાજીનું નાળિયેર ઉપડાવી સોગંદ લેવડાવ્યા હતા. જે બાદ ઘરમાં જ્યારે પણ 50 કે 100 રૂપિયા ખોવાઈ જાય ત્યારે પણ યુવતી પર શંકા કરવામાં આવતી હતી. જેના કારણે કંટાળીને ના છૂટકે તેણે આ વાત પિયરમાં કરી હતી.
યુવતીનો પતિ દારૂનો નશો કરતો હોવાથી રાત્રિના સમયે ઘરે આવીને કોઈપણ કારણ વિના તેની સાથે મારઝૂડ કરતો હતો. પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી યુવતી તેને રોકતા તેનો પતિ તારા જેવી તો અનેક લાવીને રાખવું એમ છું તેવું કહીને ચૂપ કરાવી દેતો હતો. જે બાદ 4 એપ્રિલ 2021ના રોજ જીવતીના કાકા તેને ઘરે મળવા આવતા તેણે આ સમગ્ર બાબતે તેઓને જાણ કરી હતી. જેથી કાકાએ દીકરીને થોડાક સમય માટે પિયરમાં લઈ જવાનું કહેતા સાસરીયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. આ સમગ્ર મામલે અંતે કંટાળીને યુવતીએ પતિ સહિતના સાસરીયાઓ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે સાત પરિવારજનો સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.