Home /News /ahmedabad /અમદાવાદમાં ઘર કંકાસમાં પત્નીનું મોત થયું ઘર સળગી ગયું, હવે સિક્યોરિટી ગાર્ડે કર્યો મોટો ખુલાસો
અમદાવાદમાં ઘર કંકાસમાં પત્નીનું મોત થયું ઘર સળગી ગયું, હવે સિક્યોરિટી ગાર્ડે કર્યો મોટો ખુલાસો
આ ઘટનામાં બાઘેલ પરિવારનાં અનિતા બાઘેલે પોતાનો જીવ ગુમવવો પડ્યો.
સવારના સમયે પોતાના બંને બાળકોને સ્કુલે મોકલ્યા બાદ પતિ-પત્ની વચ્ચે બ્રેડ બટર વાસી હોવાના મામલે બબાલ ચાલુ થઈ ત્યારબાદ આ જ બબાલને કારણે પત્નીએ પતિ પર હુમલો કર્યો અને આવેશમાં આવીને ગેસ કનેકશન કાપીને આગ લગાવી દીધી હતી.
અમદાવાદ: અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીમાં ઈડન ટાવરના વી બ્લોકમાં લાગેલી આગમાં નવો વળાંક આવ્યો છે. પતિ-પત્નીનાં ઘરકંકાસમાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. જો કે ફાયર બ્રિગેડની ટીમ દ્રારા આગ કાબુમાં લઈ લેતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ આખાય મામલમાં હવે પોલીસની ભુમિકા સૌથી મહત્વની બની રહેશે. કારણ કે આગની આ ઘટનામાં પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ મામલે 20 જાન્યુઆરી 2023ના દિવસે સવારના 9.30 વાગે ગોદરેજ ગાર્ડન સીટીના ઈડન ટાવરમાં ચોથા માળે આગ લાગ્યા હોવાનો ફોન ફાયર બ્રિગેડને આવ્યો હતો. આગના વિકરાળ સ્વરુપને કારણે ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબુમાં કરી લીધી હતી. ફાયર વિભાગે આવે એ પહેલાં 12 માળના બિલ્ડિંગમાં ટોપ ફ્લોર પર રહેતાં તમામ લોકો ટેરેસ પર પહોંચી ગયા હતા. જ્યારે બાકીનાં લોકોને ફાયર વિભાગની ટીમે સાચવીને નીચે ઉતારી લેવાયા હતા.
આ આખીય ઘટનામાં જે ઘરમાં આગ લાગી હતી એ જ ઘરમાં એટલે કે ચોથા માળે 405 નંબરના મકાનમાં રહેતાં બાઘેલ પરિવારનાં અનિતા બાઘેલે પોતાનો જીવ ગુમવવો પડ્યો. શરુઆતમાં સૌ કોઈને લાગ્યું કે પરિવારનાં અનિતા બાઘેલનું મોત આગને કારણે થયું છે પરંતુ બિલ્ડિંગના સિક્યોરીટી ગાર્ડે જ્યારે પોલીસને નિવેદન આપ્યું ત્યારે સૌ કોઈ ચોંકી ગયા હતા. કારણ કે આગના આ બનાવમાં અનિલ ભાઈ ચપ્પાનાં ઘા મારેલી હાલતમાં ઘાયલ હતા. જ્યારે અનિતા બાઘેલના ગળાના ભાગે પણ ચપ્પાના ઘા મારેલાં હતા. સિક્યોરીટી ગાર્ડ જિગ્નેશ ડામોરે 405 મકાનમાં રહેતાં અનિલભાઈને બચાવો બચાવોની બુમો પાડતાં સાંભળ્યા પણ હતા.
આ અંગે સોસાયટીનાં ચેરમેન દર્શક મોદીએ જણાવ્યું કે, વી બ્લોકમાં 405 મકાનમાં આ પરિવાર વર્ષ 2017થી રહેતો હતો. તેમનાં મતે પરિવારમાં ક્યારેય કોઈ અણબનાવ સામે નથી આવ્યો પરંતુ અચાનક થયેલી આ ઘટનાને કારણે સૌ કોઈ ચકિત થઈ ગયા છે. જો સ્થાનિક ઉમેશ વ્યાસના જણાવ્યા પ્રમાણે તેમને જ્યારે આ પ્રકારની ઘટના અંગે જાણ થઈ ત્યારે તેઓ સીધા સોસાયટીમાં આવી ગયા હતા. તેઓ ઈડન ગાર્ડનની સામેની સોસાયટીમાં ચેરમેન હોવાથી ફરજના ભાગરુપે અહીં આવ્યા હતા. જ્યારે યુ બ્લોકમાંથી આવેલાં રહીશે જણાવ્યું કે બાઘેલ પરિવારનાં આ પતિ-પત્ની વચ્ચે થોડા ઘણાં અંશે અણબનાવ થયાં છે પરંતુ તે હજુ સુધી જાહેર થયા નથી.
સિક્યોરીટી ગાર્ડની કેફિયત બાદ જ્યારે પોલીસે પતિ અનિલની પુછપરછ કરી ત્યારે સામે આવ્યું કે સવારના સમયે પોતાના બંને બાળકોને સ્કુલે મોકલ્યા બાદ પતિ-પત્ની વચ્ચે બ્રેડ બટર વાસી હોવાના મામલે બબાલ ચાલુ થઈ ત્યારબાદ આ જ બબાલને કારણે પત્નીએ પતિ પર હુમલો કર્યો અને આવેશમાં આવીને ગેસ કનેકશન કાપીને આગ લગાવી દીધી હતી. આગ ધીમે ધીમે આખા ઘરમાં ફેલાઈ ગઈ હતી. આ આખાય મામલામાં પોલીસને એ પણ જાણ થઈ હતી કે ટોરેન ઈન્ડસ્ટ્રી નામની જાપાનીઝ કંપનીમાં કામ કરતો પતિ છેલ્લાં ઘણાં સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યો હતો.
અવારનવાર પતિ-પત્નીના પરિવારજનો પણ ઘરે આવતાં હતા. પતિએ પોલીસને એ પણ જણાવ્યું કે તેમની પત્ની હાઈપર ટેન્શનમાં રહેતી હતી. જો કે પતિ-પત્ની વચ્ચે કોઈપણ અણબનાવ અગાઉ થતાં હતાં કે કેમ એ અંગે પતિએ પોલીસને કશું જણાવ્યું નથી. આ મામલે એલ ડિવિઝનનાં એસીપી ડીવી રાણાએ જણાવ્યું કે, પતિનું નિવેદનને લઈને વૈજ્ઞાનિક ઢબે હવે પોલીસ તપાસ કરશે. પત્નીનાં પેનલ ડોક્ટરથી પોસ્ટ મોર્ટમ બાદ મોતનું સાચું કારણ સામે આવશે. મુળ આગ્રાનો આ પરિવાર વર્ષ 2017થી ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતું હતું પરંતુ અચાનક વર્ષ 2023નો 20 જાન્યુઆરીનો શુક્રવાર આ પરિવાર માટે કમનસીબ સાબિત થયો છે. હાલ તો પરિવારમાં અણબનાવ, ફિંગરપ્રિન્ટ, કોલ ડેટા સહિત બાળકોની પુછપરછ બાદ તમામ ખુલાસા પોલીસ તપાસમાં સામે આવશે. આ વચ્ચે હવે બંને બાળકોનું કોણ એ પણ સવાલ ઉભો થાય છે.