Home /News /ahmedabad /સનાથલ બ્રિજનું ઉદ્ઘાટન કરીને શાહે કહ્યું, 'સાણંદના ધારાસભ્ય કનુભાઈ મારી પાછળ પડી ગયા હતા'
સનાથલ બ્રિજનું ઉદ્ઘાટન કરીને શાહે કહ્યું, 'સાણંદના ધારાસભ્ય કનુભાઈ મારી પાછળ પડી ગયા હતા'
અમિત શાહે સનાથલ બ્રિજનું લોકાર્પણ કરીને ધારાસભ્ય કનુભાઈ પટેલને યાદ કર્યા
Ahmedabad, Sanathal Bridge: AMC અને ઔડાના 154 કરોડના વિકાસકાર્યોની અમિત શાહ ભેટ આપી છે. આ પ્રસંગે તેમણે સનાથલ બ્રિજની માગણી, શેલાની ડ્રેનેજ સિસ્ટમ, નવી શિક્ષણ નીતિ, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતના મુદ્દે વાત કરી હતી. શાહે સનાથલ બ્રિજ મામલે સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનો પણ ઉલ્લેખ કરીને મજાકના મૂડમાં વાત કહી હતી.
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ શહેરને મોટી ભેટ આપી છે જેના કારણે ટ્રાફિકની સમસ્યાથી હાડમારી વેઠી રહેલા લોકોને રાહત મળશે. શાહે AMC અને ઔડાના 154 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં 97 કરોડના ખર્ચે તૈયાર થયેલા સનાથલ ઓવરબ્રિજનો પણ સમાવેશ થાય છે. આ બ્રિજના લોકાર્પણથી વાહન ચાલકોના સમય, શક્તિ અને ઈંધણમાં બચત થશે. કેન્દ્રીય ગૃહમંત્રીનો સોલામાં યોજાયેલા વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. શાહે જણાવ્યું કે તેઓ રાજ્યમાં ધારાસભ્ય હતા ત્યારથી આ બ્રિજ અંગે માંગ ચાલુ હતી. આ સાથે તેમણે વિકાસ વધુ વેગવંતો બનાવવા અંગે પણ જણાવ્યું હતું.
ગાંધીનગરના સાંસદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહુ નજીકના સાથી અમિત શાહે વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમમાં જણાવ્યું કે, "વર્ષોથી આ બ્રિજની માંગ હતી, હું ધારાસભ્યો હતો ત્યારે પણ તે અંગે માંગ કરવામાં આવતી હતો. આજે મને આનંદ છે કે હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રનો સાંસદ છું ત્યારે લોકોની માંગ પૂર્ણ થઈ છે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ બ્રિજ અંગે વાત કરીને સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલનો ઉલ્લેખ કરીને મજાકના મૂડમાં કહ્યું કે, "સાણંદના ધારાસભ્ય કનુભાઈને પણ હું ખુબ-ખુબ અભિનંદન પાઠવું છું, કારણ કે કનુભાઈ હું સાંસદ બન્યો ત્યારથી આની (સનાથલ બ્રિજ) પાછળ પડી ગયા હતા.. બ્રિજ છોડો મારી પાછળ પડી ગયા હતા કે બ્રિજ જલદી પુરો થાય.. એટલા આગ્રહથી તેમણે કામ કર્યું છે."
આ સાથે શાહે અન્ય વિકાસ કાર્યોની પણ વાત કરી
શાહે આગળ જણાવ્યું કે, "શેલા ગામમાં ડ્રેનેજ માટે નાનું પણ બહુ જ મહત્વપૂર્ણ કામ થયું છે, લગભગ 6 કરોડના ખર્ચે આજે શેલા ગામમાં ડ્રેનેજની વ્યવસ્થા શરુ થઈ છે. શેલામાં જે રીતે લોક વસાહત વધી રહી છે, તેને ધ્યાનમાં રાખીને ડ્રેનેજ પંપિંગ સ્ટેશન અને તેના નેટવર્કના નિર્માણની પ્રક્રિયા થઈ છે. જેનાથી શેલા ગામના લોકોને આરોગ્ય અને સ્વસ્થતાની દ્રષ્ટીએ બહુ મોટો ફાયદો થવાનો છે.
બાવળામાં 468 ઘરોનો ડ્રો થયો છે, તેમને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો આપવામાં આવ્યા છે. ઉપર નરેન્દ્ર ભાઈ અને નીચે ભૂપેન્દ્રભાઈ બન્નેનો સંકલ્પ છે કે ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ઘર વગર ના રહી જાય, આ ભગિરથ સંકલ્પ પૂર્ણ કરવા તેજ ગતિથી કામ કરાઈ રહ્યું છે. જેમને ઘર મળ્યા છે તેમને હું અભિનંદન પાઠવું છું.
નવી શિક્ષણ નીતિ અંગે પણ તેમણે વાત કરીને કહ્યું કે, નવી શિક્ષણ નીતિનો કન્સેપ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવ્યા હતા. સ્માર્ટ શાળા બનતા ગરીબ બાળકો શિક્ષણમાં ગુણાત્મક પરિવર્તન આવશે. AMC પ્રાથમિક શિક્ષણમાં 459 શાળા જેમાં 1.70 હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા 6 વર્ષ અનેક શાળાને સ્માર્ટ શાળા બનાવવા આવી છે.