Home /News /ahmedabad /અમદાવાદઃ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરા સામે જ પિતાએ ફરિયાદ કેમ કરવી પડી?
અમદાવાદઃ અકસ્માતમાં મૃત્યુ પામેલા પોતાના દીકરા સામે જ પિતાએ ફરિયાદ કેમ કરવી પડી?
પિતાએ અકસ્માતમાં મૃત્યુ પામેલા દીકરા સામે ફરિયાદ નોંધાવી
Ahmedabad Traffic Police: અમદાવાદમાં પિતાએ જ પોતાના મૃત દીકરા સામે વાહન ચલાવતી વખતે બે દરકારી દાખવી અને તેનું મોત થયું તે મામલે ફરિયાદ નોંધાવી છે. પિતાએ પોતાના દીકરાને અકસ્માતમાં મોત માટે જવાબદાર ઠેરવ્યો છે. શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મંગળવારે 25 વર્ષના દીકરાનું મોત થઈ ગયું હતું.
અમદાવાદઃ સામાન્ય રીતે દીકરાએ ગમે તેવું કામ કર્યું હોય પરંતુ તેના ઘરના લોકો દ્વારા તેને બચાવવા પોલીસ સ્ટેશન અને કોર્ટના ધક્કા ખાવામાં આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક પિતાએ પોતાના માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા દીકરા સામે જ ફરિયાદ નોંધાવી દીધી છે. જેમાં પિતા નારાયણ ચૌહાણે પોતાનો દીકરો મુકેશ જ દોષિત હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. 63 વર્ષના પિતાએ પોતાના દીકરાની જ બેદરકારી હોવાનું જણાવ્યું છે. નારાયણ ચૌહાણે વિવિધ કલમો હેઠળ આ ફરિયાદ નોંધાવી છે.
શિલજના રહેવાસી નારાયણ ચૌહાણે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસને 25 વર્ષના દીકરાનું અકસ્માતમાં મોત થયું તેના માટે તેને જ જવાબદાર ઠેરવીને તેની વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે IPCની 279 (અયોગ્ય ડ્રાઈવિંગ), 304A (બેદરકારીના કારણે મોત), 337 (અન્યના જીવને જોખમ), 427 (ભૂલના કારણે 50 રૂપિયાનું નુકસાન) કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે.
મૃત દીકરા સામે પિતાએ નોંધાવી ફરિયાદ
ફરિયાદી પિતા નારાયણ ચૌહાણે જણાવ્યું કે તેમના દીકરાએ જૂનામાં સ્પોર્ટ્સ બાઈક ખરીદ્યું હતું. આ સાથે તેમણે ફરિયાદ કરતા જણાવ્યું કે, મંગળવારે તેઓને ફોન આવ્યો હતો અને સિંધુ ભવન રોડ આવવા માટે કહેવામાં આવ્યું હતું. જેમાં તેમને દીકરા મુકેશનો અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું.
પોતાના દીકરા વિશે જાણીને જ્યારે પિતા ઘટના સ્થળ પર પહોંચ્યા તો જોયું કે મુકેશ રસ્તા પર ઘાયલ થઈને પડેલો હતો. જ્યારે મુકેશના બાઈકને નુકસાન થયેલું નજરે પડ્યું હતું. આ મામલે તેમણે પોતાના જ દીકરા સામે વિવિધ કલમો હેઠળ ટ્રાફિક પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યો છે.
આ સિવાય તેમને ઘટના સ્થળ પર પહોંચીને એ પણ જાણવા મળ્યું કે આ અકસ્માત માટે તેમનો દીકરો જ જવાબદાર હતો જેના કારણે તેણે જીવ ગુમાવવો પડ્યો હતો. મુકેશના પિતાએ કહ્યું કે તેમને રાહદારીએ જણાવ્યું કે મુકેશ બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરી રહ્યો હતો અને તેના કારણે તે પહેલા ડિવાઈડર સાથે અને પછી વીજળીના થાંભલા સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં 25 વર્ષના મુકેશનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું.
નડિયાદની ઘટનાઃ માતાએ દીકરા સામે ફરિયાદ કરી
દાવડા અને દેગામ વચ્ચે બાઈક સ્લીપ થવાની ઘટના બની હતી જેમાં મહિલા ઘાયલ થયા હતા. આ દરમિયાન તેમનો દીકરો જ બાઈક ચલાવી રહ્યો હતો. જેમાં તેમણે અકસ્માત માટે પોતાના દીકરાને જવાબદાર ઠેરવીને તેની સામે ફરિયાદ નોંધાવી હતી. અહીં પણ અમદાવાદની ઘટનામાં પિતાએ નોંધાવેલી કલમો પ્રમાણે જ ફરિયાદ કરી હતી. માતાએ દીકરાને વારંવાર બાઈક ધીમે ચલાવવાની શીખામણ આપી હતી પરંતુ તે માન્યો નહોતો અને બાઈક સ્લીપ થવાથી તેઓને ખભાના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ ઘટનામાં શીખ આપવા માટે તેમણે દીકરા સામે જ બેદરકારીથી વાહન ચલાવવા સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. (નડિયાદવાળી ઘટના વિશે વધુ વાંચો)