Home /News /ahmedabad /Ahmedabad : ગુજરાત શિવ જયંતી મહોત્સવ, આવી છે તૈયારી, આટલા યોજાશે કાર્યક્રમ

Ahmedabad : ગુજરાત શિવ જયંતી મહોત્સવ, આવી છે તૈયારી, આટલા યોજાશે કાર્યક્રમ

બ્રહ્માકુમારી શિવાનીબેન સ્વર્ણિમ ભારતની સંકલ્પના પર વિચારો રજૂ કરશે

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ગુજરાત શિવ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદમાં શિવદર્શન નગરીનું વિશેષ આયોજન કરાયું છે. 11 થી 13 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 6.30 થી 8 વાગ્યા સુધી રાજયોગ શિબિરનું આયોજન કરેલ છે.

Parth Patel, Ahmedabad : શિવરાત્રી પર્વ નજીક આવી રહ્યો છે. ભગવાન શિવની ઉપાસના કરવાથી આધી, વ્યાધી અને ઉપાધીમાંથી મુક્તિ મેળવવા માટે ભક્તો ભાવથી ભક્તિ કરતા હોય છે. ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં શિવરાત્રીના ઉપલક્ષમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા અખિલ ગુજરાત શિવ જયંતી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

12 જ્યોર્તિલિંગમ દર્શન આકર્ષણનું કેન્દ્ર

પરમાત્મા શિવનું ભારતભૂમિ પર થયેલ દિવ્ય અવતરણની યાદગાર એ જ મહાશિવરાત્રી 87મી ત્રિમૂર્તિ શિવજયંતી છે. ત્યારે શિવરાત્રીના ઉપલક્ષમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજીત ઉત્સવ અંતર્ગત શિવદર્શન નગરી બનાવવામાં આવી છે. જેમાં 12 જ્યોર્તિલિંગમ દર્શન, સ્વર્ણિમ ભારત દર્શન, વેલ્યુ ગેમ્સ, રાજયોગ પ્રદર્શન અને શાંતિ અનુભૂતિ કક્ષ જેવા આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

35 ફૂટ ઊંચા શિવલીંગ પણ બનાવવામાં આવ્યા

ખાસ વાત તો એ છે કે, અહીં આવતા ભક્તો માટે 35 ફૂટ ઊંચા શિવલીંગ પણ બનાવવામાં આવ્યા છે. જેના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવશે. આ શિવદર્શન નગરીના શુભ ઉદ્ઘાટનમાં શહેરના અગ્રણી મહાનુભાવોમાં ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ, દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર, જીએસટીના એડિશનલ કમિશનર મોહિત ત્રિપાઠી હાજર રહેશે.

10 થી 13 ફેબ્રુઆરી શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન કરાશે

આ ઉપરાંત અમદાવાદ એજ્યુકેશન ગૃપના પ્રેસિડેન્ટ સતીષભાઈ શાહ, જાણીતા સોશિયલ વર્કર સવજીભાઈ વસાણી અન્ય મહાનુભાવો પણ હાજરી આપશે. આ માટે 10 થી 13 ફેબ્રુઆરી, 2023 દરમિયાન શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જીવનમાં સુખ-શાંતિની અનુભૂતિ માટે 11 થી 13 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 6.30 થી 8 વાગ્યા સુધી રાજયોગ શિબિરનું આયોજન કરેલ છે. આ દિવ્ય મહોત્સવમાં પધારવા માટે બ્રહ્માકુમારીઝના સેવાકેન્દ્રો પર જરૂરી રજીસ્ટ્રેશન કરાવી પ્રવેશ પાસ મેળવી શકો છો.

બ્રહ્માકુમારી શિવાનીદીદી સ્વર્ણિમ ભારતની સંકલ્પના પર વિચારો રજૂ કરશે

જ્યારે શિવ જયંતી મહોત્સવમાં 13 ફેબ્રુઆરીને સોમવારે સાંજે 5 કલાકે દિવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય વક્તા બ્રહ્માકુમારી શિવાનીદીદી સ્વર્ણિમ ભારતની સંકલ્પના પર મૂલ્યવાન વિચારો રજૂ કરશે. જેમાં અભ્યુદય શિવ અવતરણ નૃત્યનાટિકાને કલાકારો દ્વારા રજૂ કરવામાં આવશે.

સરનામું : ગણેશ હાઉસીંગ ગ્રાઉન્ડ, ઝાયડસ હોસ્પિટલ પાસે, એસ.જી. હાઈવે, થલતેજ, અમદાવાદ.

શું તમે પણ સમાજને ઉપયોગી કામગીરી કરી રહ્યાં છો? શું તમે એવું કામ કર્યું છે જેનાથી સમાજને પ્રેરણા મળી શકે છે? તમારી સફળતાની સ્ટોરી અન્ય લોકોને જણાવવા ઈચ્છો છો? તો આજે જ p22.parth@gmail.com પર સંપર્ક કરો.
First published:

Tags: Ahmadabad, Local 18, Mahashivratri