અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આગામી ચોમાસા (Monsoon 2022)ની ઋતુને ધ્યાનમાં રાખી અમદાવાદ (Ahmedabad)ની પ્રજાને ચોમાસા (Gujarat Monsoon 2022)ની ઋતુ દરમ્યાન પરેશાની ના થાય તે હેતુથી પ્રી-મોનસુન પ્લાન તૈયાર કરી જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાને આજ રોજ સ્ટેન્ડીંગ કમિટી રૂમ, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને પ્રી-મોનસૂનની તૈયારીઓ કરવા માટે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં નીચે મુજબના અગત્યના સૂચનો કરવામાં આવેલ હતાં.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા ભળેલ વિસ્તારોમાં પ્રી-મોનસુન એક્ટીવીટીનું અપગ્રેડેશન કરાવવું. જરૂરી જગ્યાએ કંટ્રોલ રૂમનું આયોજન કરવું. કેચપીટ સફાઈ, વરસાદી પાણીના કેચપીટ તથા ગટર લાઈનની ડીસીલ્ટીંગની કામગીરી કરાવવી. વોટર લોગીંગ થતા એરીયામાં પાણી ન ભરાય તેનું પ્લાનીંગ તથા અનાવશ્યક સંજોગોમાં ભરાય તો તાકીદે ખાલી કરાવવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. અધુરા રોડ રસ્તાના કામો તથા વરસાદી પાણીના નિકાલની લાઈનના કામો તાકીદે પૂર્ણ કરવાનું આયોજન કરાવવું.
આ સાથે જ શહેરની નવી સ્ટ્રીટ લાઈટ કામના ખોદાણ, નવી ડ્રેનેજ લાઈન ખોદાણ તથા ગેસ કંપની / ટેલીકોમ કંપની દ્વારા થતા ખોદાણના કામો ચોમાસાની સીઝન દરમ્યાન મનાઈ હુકમ તથા થયેલ કામનાં યોગ્ય પુરાણની ચકાસણી કરાવવી. સ્ટ્રીટ લાઈટ ચાલુ રહે તથા સ્ટ્રીટ લાઈટ થાંભલા પડવા અને વીજ કરંટની શક્યતાનું નિવારણ કરાવવું. વિવિધ અંડરપાસોમાં પાણી ન ભરાય તેનું આયોજન કરવું તથા અનાવશ્યક સંજોગોમાં પાણી ભરાય જાય તો તાકીદે ખાલી કરવાની વ્યવસ્થા ગોઠવવી. વરસાદી પાણીના નિકાલ સાથે સંલગ્ન વિભાગો જેવાં કે, ઈજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસ.ટી.પી. વિભાગની કામગીરીનું મોનિટરીંગ કરવું તથા ઈજનેર વિભાગ, ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગ તથા એસ.ટી.પી. વિભાગો વચ્ચે યોગ્ય સંકલન કરવું. હેવી ડીવોટરીંગ વાન-વરૂણ પંપ તથા અન્ય યોગ્ય વ્યવસ્થા સ્ટેન્ડે ટુ રાખવી.
ફુટપાથ પર રહેતા લોકોનું રેનબશેરામાં રહેવા જરૂરી જમવાની, ઓઢવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી. જુનાં જર્જરીત ભયજનક મકાનથી થતી જાનમાલના નુકશાન ન થાય તે અંગે ગંભીરતાથી કામગીરી કરાવવી. ગટર લાઈન તથા ચોખ્ખા પાણીની લાઈનમાં લીકેજ ને કારણે પીવાના પાણીને કારણે / ગંદકીને કારણે ફેલાતા રોગચાળાને નાથવાનું આયોજન કરવું. પીવાના પાણીમાં યોગ્ય ક્લોરીનેશનનું મોનિટરીંગ, જરૂરી ક્લોરીનની ગોળીઓનું વિતરણ તથા જરૂરી દવા છંટકાવ કરવાની યોગ્ય વ્યવસ્થા ગોઠવવી. પાણીજન્ય રોગો જેવાં કે, કોલેરા, કમળો, ડાયરીયા ન ફેલાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવી. વાહકજન્ય રોગો જેવાં કે, મલેરીયા, ડેન્ગ્યુ અને ચીકુનગુનીયા જેવાં રોગો શહેરમાં ન ફેલાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવી. દૈનિક ધોરણે આદર્શ સફાઈની વ્યવસ્થા કરવી. વોર્ડ દીઠ મેડીકલ કેમ્પના આયોજન કરવા.
આ સાથે જ અ.મ્યુ.કો. સંચાલિત હોસ્પિટલમાં ઓ.પી.ડી. અને ઈન્ડોર કેસો માટે રોગચાળાની સ્થિતિ પ્રમાણે વ્યવસ્થા ગોઠવવી. ચાલુ વરસાદ દરમ્યાન ટ્રાફીકનું યોગ્ય મોનીટરીંગ તેમજ જરૂર જણાય ત્યાં યોગ્ય ટ્રાફીક ડાયવર્ઝનની વ્યવસ્થા કરવી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન તેમજ જાહેર માર્ગના સફાઈનું ખાસ ધ્યાન રાખવું તથા વિસ્તારમાં કોઈપણ જગ્યાએ કચરો કોહવાય તે પહેલા દૂર કરવો.