અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local body poll) જાહેર થાય તે પહેલા અમદાવાદના રાજકારણમાં ગરમાવ્યો આવ્યો છે. AMC પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા (Dinesh Sharma)નો ભાજપ (BJP)ના નેતાઓ સંપર્ક કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. દાવો કરાયો છે કે દિનેશ શર્માનો ભાજપમાં પ્રવેશ કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે દિનેશ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે, આ માત્ર અફવા છે. તેમનો ભાજપમાં જવાનો કોઈ ઈરાદો નથી. તેઓ કૉંગ્રેસમાં હતા અને રહેશે.
એએમસી પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માએ ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપમાં જવાની વાત માત્ર અફવા અને ઇરાદાપૂર્વક જાહેર કરવામાં આવી છે. પાર્ટીથી નારાજગીની કોઇ વાત નથી. હું 28 વર્ષથી પાર્ટીમાં છું. ચાર વખત કાઉન્સિલર બન્યો છું. પાંચ વર્ષ એએમસી વિપક્ષ નેતા તરીકે પાર્ટીએ મને જવાબદારી સોંપી છે. પાર્ટીથી નારાજગીની કોઈ વાત હોય જ ન શકે. મનભેદ હોય છે, પાર્ટીના સિનિયર નેતાઓએ વાતચીત કરી સમાધાન કરાવ્યું છે."
પૂર્વ વિપક્ષ નેતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, "હું કોંગ્રેસમાં જ છું અને આવનાર ચૂંટણી પણ કૉંગ્રેસમાંથી જ લડીશ. હવે ચૂંટણી નજીક છે ત્યારે ભાજપ હાર ભાળી ગઇ છે. આ કારણે ભાજપ કૉંગ્રેસને નુકસાન થાય તેવું પ્લાનિગ કરી રહ્યું છે. હું કૉંગ્રેસનો સૈનિક છું. ભાજપ મારો સંપર્ક ક્યારેય ન કરી શકે. ભાજપ નેતાઓ દ્વારા પાર્ટીમાં મારા વિરૂદ્ધ માહોલ બનાવો પ્રયાસ થઇ રહ્યો છે. ભાજપના નેતાઓ જાણી જોઇને કૉંગ્રેસને નુકસાન કરવા અફવા ફેલાવી રહ્યા છે." મહત્ત્વપૂર્ણ છે કે એએમસી વિપક્ષ નેતા બદલવા પણ રાજનીતિ ગરમાઈ હતી. ચૂંટણી પહેલા જ છેલ્લા ઘડીએ દિનેશ શર્માને વિપક્ષ નેતા પદેથી દૂર કરી કમળાબેન ચાવડાને નવા વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા હતા. આ ઘટના પાછળ કૉંગ્રેસના જ કેટલાક નેતાઓને જવાબદાર મનાય છે. હવે ફરી એકવાર ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે ત્યારે દિનેશ શર્મા ભાજપમાં જોડવાના હોય તેવા સમાચારો વહેતા થતાં રાજકારણ ગરમાયું છે.