Home /News /ahmedabad /

અમદાવાદ: પત્ની અને માતાના દરરોજના ઝઘડાથી ત્રાસીને પતિ પીજીમાં રહેવા ચાલ્યો ગયો! મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદ: પત્ની અને માતાના દરરોજના ઝઘડાથી ત્રાસીને પતિ પીજીમાં રહેવા ચાલ્યો ગયો! મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો

સાસુ-વહૂના ઝઘડાથી ત્રાસી પતિએ ઘર છોડ્યું. (Shutterstock તસવીર)

Gujarat High Court: આ કેસની વિગત એવી છે કે રમેશ પટેલ (નામ બદલ્યું છે) 2017ના વર્ષમાં તેની પત્ની રેશ્મા (નામ બદલ્યું છે) અને વિધવા માતા તારાબેન (નામ બદલ્યું છે) ના દરરોજના ઝઘડાથી કંટાળીને અલગ રહેવા જતો રહ્યો હતો.

    અમદાવાદ: અમદાવાદ હાઇકોર્ટમાં અજીબ કેસ આવ્યો છે. જેમાં એક મહિલાએ પોતાના સાસુના ઘરમાં રહેવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હકીકતમાં માતા અને પત્નીના ઝઘડાથી કંટાળીને મહિલાનો પતિ પાંચ વર્ષ પહેલા ઘર છોડીને પીજીમાં રહેવા ચાલ્યો ગયો હતો. બીજી તરફ મહિલાની સાસુએ તેની પુત્રવધૂને ઘરમાંથી કાઢવા માટે અરજી કરી હતી. અરજી બાદ મહિલાને ઘરમાંથી નીકળી જવાનો આદેશ કરાયો હતો. જે બાદમાં મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ કેસમાં હવે ફરિયાદીએ કોર્ટ સમક્ષ એવું સાબિત કરવાનું છે કે પતિ ન રહેતો હોવા છતાં કાયદાની કઈ જોગવાઈને આધારે તેણીને તેના પતિના ઘરમાં રહેવા દેવામાં આવે.

    આ કેસની વિગત એવી છે કે રમેશ પટેલ (નામ બદલ્યું છે) 2017ના વર્ષમાં તેની પત્ની રેશ્મા (નામ બદલ્યું છે) અને વિધવા માતા તારાબેન (નામ બદલ્યું છે) ના દરરોજના ઝઘડાથી કંટાળીને અલગ રહેવા જતો રહ્યો હતો. જે બાદમાં 2019ના વર્ષમાં તારાબેને તંત્રનો સંપર્ક કરીને દાવો કર્યો હતો કે લગ્ન બાદ તેની પુત્રવધૂ તેણીને પરેશાન કરી રહી છે. આ દરમિયાન ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે આદેશ કર્યો કે તારાબેન તેમના ઘરમાં શાંતિથી રહી શકે છે. આ ઉપરાંત જો તેઓ મંજૂરી આપતા હોય તો જ તેમની પુત્રવધૂ રેશ્મા તેમના ઘરમાં રહી શકે છે. રેશ્મા પટેલે આ આદેશ વિરુદ્ધમાં અરજી કરી હતી. જોકે, એપ્રિલ 2021ની સુનાવણી દરમિયાન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે રેશ્મા પટેલની અરજી ફગાવી દીધી હતી.

    આ પણ વાંચો: પત્નીને મૃતક પતિની મિલકત વેચવાની મંજૂરી ન મળી

    પુત્રવધૂએ હાઇકોર્ટમાં કરી અરજી


    રેશ્માનો પતિ પહેલાથી જ ઘર છોડીને જતો રહ્યો હતો. આદેશ બાદ હવે રેશ્માએ પણ ઘર છોડવાનો વારો આવ્યો હતો. આથી તેણીએ આ આદેશ વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court)માં અરજી કરી હતી. રેશ્માએ અરજીમાં એવી માંગણી કરી હતી કે તેણી અને તેનું બાળક ઘરમાં એક જ રૂમમાં રહે છે. તેમને બહાર કાઢવામાં ન આવે. આથી હાઇકોર્ટે રેશ્મા પટેલે ઘરમાંથી બહાર કાઢવાના આદેશ પર સ્ટે મૂકી દીધો હતો.

    સાસુએ પણ હાઇકોર્ટમાં અરજી કરી


    એક વર્ષ બાદ તારાબેને પણ કોર્ટમાં અરજી કરી હતી અને સ્ટે ઓર્ડર રદ કરવાની માંગ કરી હતી. સાથે જ તેની પુત્રવધૂને ઘરમાંથી બહાર કાઢવાની માંગ કરી હતી. આ મામલે બુધવારે કોર્ટમાં સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન જજે પુત્રવધૂને જણાવ્યું હતું કે, જો તેણીના સાસુને કોઈ વાંધો ન હોય તો તેમની મંજૂરીથી તેણી ઘરમાં રહી શકે છે. આ મામલે રેશ્માના વકીલે જણાવ્યું હતું કે તેમના સાસુ તેણીને ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. આના જવાબમાં જજે કહ્યુ હતુ કે, જો તમે વૃદ્ધ વિધવાને પરેશાન કરવાનું ચાલુ રાખશો તો તેણી શું કરે?

    આ પણ વાંચો: હાઇકોર્ટનો નિર્દેશ: સરોગેટ મધર જેલમાં, બાળક જૈવિક માતાપિતાને અપાશે

    પતિ સાથે ઘર કેમ ન છોડ્યું?


    આ દરમિયાન કોર્ટે રેશ્માને એવો પણ સવાલ કર્યો હતો કે જ્યારે તમારે પતિ ઘર છોડીને ચાલ્યા ગયા તો તમે તેમની સાથે કેમ ન ગયા? આ દરમિયાન રેશ્માના વકીલે દલીલ કરી હતી કે, મહિલાનો પતિ પાંચ વર્ષ પહેલા ઘર છોડીને ચાલ્યો ગયો હતો. તે પીજીમાં રહેતો હોવાથી ત્યાં તેની સાથે રહેવું શક્ય ન હતું. આ ઉપરાંત વકીલે તેના અસીલને તેની સાસુના ઘરમાંથી બહાર ન કાઢવામાં આવે તેવો આગ્રહ કર્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 20મી જુલાઈના રોજ થશે. આ દરમિયાન રેશ્માના વકીલે ભારતીય કાયદાની એવી જોગવાઈ વિશે જણાવવાનું રહેશે જેનાથી પતિ ઘર છોડી ગયો હોવા છતાં રેશ્માને તેની સાસુના ઘરમાં રહેવાનો અધિકાર મળે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Husband, Wife, ગુજરાત, હાઇકોર્ટ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन