Ahmedabad News: અમદાવાદના જુહાપુરામાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. પત્ની ડિલિવરી માટે પિયરમાં આવી ત્યારે પતિ અને સાસરીયા તેને તેડીને ગયા નહીં અને અચાનક પતિએ ફોન કરીને ત્રણ વખત તલાક કહીને ફોન કાપી નાંખ્યો હતો.
અમદાવાદઃ શહેરના જુહાપુરા વિસ્તારમાં ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ગઇ છે. પત્ની ડિલિવરી માટે પિયરમાં આવી ત્યારે પતિ અને સાસરીયા તેને તેડીને ગયા નહીં અને અચાનક પતિએ ફોન કરીને ત્રણ વખત તલાક કહીને ફોન કાપી નાંખ્યો હતો. લગ્નની પહેલી રાતે જ પતિએ પોતાનો અસલી ચહેરો બતાવી દીધો હતો અને દહેજ મામલે માર માર્યો હતો અને બાદમાં પણ રૂપિયાની માંગણી કરીને અવારનવાર ત્રાસ આપ્યો હતો.
2020માં લગ્ન થયા હતા
જુહાપુરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે પરિણીતા છેલ્લા દોઢ વર્ષથી પિયરમાં રહે છે અને તેના લગ્ન નવેમ્બર 2020ના રોજ વડનગર ખાતે રહેતા યુવક સાથે થયા હતા. લગ્નની પહેલી રાતે તેના પતિએ પોતાનો અસલી ચહેરો બતાવીને માર મારતા કહ્યુ હતું કે, ‘મે પૈસા માટે તારી સાથે લગ્ન કર્યા છે અને તું ઓછું દહેજ લાવી છે.’ લગ્નના ચાર દિવસ બાદ પરિણીતા પરિવાર સાથે જુહાપુરા રહેવા માટે આવી ગઇ હતી.
દહેજમાં લાખ્ખો રૂપિયા માંગ્યા
જુહાપુરામાં રહેતા મકાનના હપ્તા ભરપાઇ કરતાં બિલ્ડરે આખા પરિવારને ઘરમાંથી કાઢી મૂક્યાં હતાં. બાદમાં પરિણીતા પરિવાર સાથે અન્ય જગ્યાએ રહેવા માટે ગયા હતાં. જ્યાં પણ તેના પતિએ મેન્ટેન્સ અને લાઇટબિલ ના ભરતા તેના ફોઇના દિકરાએ મકાન ખાલી કરાવી દીધું હતું. પરિણીતાના સાસુ, સસરા, જેઠ અને જેઠાણી નાની-નાની બાબતોમાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરતા હતા અને તેને ઘરની કામવાળીની જેમ રાખતા હતા. સાથે જમવા પણ બેસવા દેતા નહીં. પરિણીતાના જેઠને નવું મકાન લેવાનું હોવાથી ઘરના સભ્યો તેની પાસે દહેજ પેટે રૂપિયા દસ લાખની માંગણી કરતા હતા અને જો દહેજ નહીં આપે તો તલાક આપી દેવાની પણ ધમકી આપતા હતાં.
પરિણીતા ગર્ભવતી થતાં તે પિયરમાં ડિલિવરી કરવા માટે આવી હતી. જ્યાં તેણે એક પુત્રને જન્મ આપ્યો હતો. આ સમયે સાસરીના કોઇ પણ સભ્યો પુત્રને જોવા માટે પણ આવ્યા નહોતા અને પરિણીતાને ડિલિવરી બાદ સાસરે પરત તેડવા માટે પણ આવ્યાં નહીં. એટલું જ નહીં પરિણીતાના પતિએ ફોન કરીને પ્રથમ તેને બે વખત તલાક કહીને ફોન કાપી નાંખ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત ફોન કરીને તલાક બોલીને ફોન કાપી નાંખ્યો હતો. જે અંગેની જાણ પરિણીતાએ પોલીસને કરતાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.