અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતી તેના બે સંતાનો સાથે ઘરે એકલી હાજર હતી. ત્યારે તેના પતિનો મિત્ર આવ્યો અને ચા માંગી હતી. બાદમાં તેના ઘર માટે મંગાવેલા નળ તેનો પતિ લાવ્યો છે કે નહિ તેવું પૂછતા જ યુવતી બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. ત્યાં યુવતીની પાછળ જઇને પતિના મિત્રએ બેડ પર યુવતીને પાડી દઇ તેના કપડાં કાઢી બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીએ આ મામલે ફરિયાદ આપતા પોલીસે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરના નરોડામાં રહેતી એક યુવતી હાલ તેના પતિ અને બે સંતાન સાથે રહે છે. તેનો પતિ ગોતા ખાતે નોકરી કરે છે. આ યુવતી એ એક ગામમાં રહેતા અને પાનની દુકાન ચાલવનાર એક યુવકને ધર્મનો ભાઇ બનાવ્યો હતો. તે પાનની દુકાને યુવતીને પતિ આવતો જતો હોવાથી તેની એક યુવક સાથે મિત્રતા થઇ હતી. બાદમાં તે યુવક યુવતીના પતિને અવાર નવાર મળવા પણ આવતો હતો.
દોઢેક વર્ષ પહેલા યુવતીના પતિને નવો ધંધો કરવો હોવાથી આ યુવક પાસેથી તેઓએ અઢી લાખ રૂપિયા ઉછીના લીધા હતા. જેની ઉઘરાણી કરવા પતિનો મિત્ર ઘરે આવતો જતો રહેતો હતો. યુવતીના પરિવારને સારો સંબંધ હોવાથી પતિનો મિત્ર પતિની ગેરહાજરીમાં પણ ઘરે આવતો જતો હતો. થોડા દિવસ પહેલા પતિના આ મિત્રનો ફોન આવ્યો કહ્યું કે, હું ચા પીવા આવું છું તેમ કહી તે ઘરે આવ્યો હતો. ત્યારે યુવતી અને તેના બે સંતાનો ઘરે એકલા હતા. ઘરે આ પતિનો મિત્ર આવ્યો અને ચા ની માંગણી કરી હતી. બાદમાં બે સંતાનોને 500 500 રૂપિયા આપી દૂધ લેવા મોકલ્યા હતા.
બે સંતાનો ઘરની બહાર જતા જ આ પતિના મિત્રએ ઘરના મંગાવેલા નળ પતિ લાવ્યો છે કે નહિ તેવું આ યુવતીને પૂછતા તે બેડરૂમમાં નળ લેવા ગઇ હતી. જેવી યુવતી બેડરૂમમાં ગઇ કે ત્યાં જ આરોપી તેની પાછળ ગયો અને યુવતીને બાહોપાશમાં જકડી તેને બેડ પર પાડી દીધી હતી. બાદમાં જબરદસ્તીથી તેના કપડાં કાઢી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો.
બાદમાં આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે ફરાર થઇ ગયો હતો. આ ઘટનાથી યુવતી ગભરાઇ ગઇ હતી પણ બે દિવસ પહેલા તેણે તેના પતિને આ વાત કરતા તેના પતિએ ફરિયાદ કરવાનું કહેતા યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.