Home /News /ahmedabad /તમારી ચકાસેલી ઉત્તરવહી RTI હેઠળ કેવી રીતે મેળવશો?

તમારી ચકાસેલી ઉત્તરવહી RTI હેઠળ કેવી રીતે મેળવશો?

Bin Sachivalay clerk Exam પરીક્ષા પદ્ધતિ : બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા એમસીક્યૂ અને ઓએમઆર (MCQ-OMR) પદ્ધતિથી લેવાશે. આ અંગેના કોલ લેટર ડાઉનલોડ કરવાની અંતિમ તારીખ સમાપ્ત થઈ ચુકી છે.

  પંક્તિ જોગ દ્વારા

  તાજેતરમાં જ ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું. ઘણા વિદ્યાર્થીઓને તેમને મળેલા માર્કથી સંતોષ નહી હોય. તેમને લાગે છે કે તેમને હજુ વધુ સારા માર્ક મળવા જોઈતા હતા. વાલીઓને પણ તેમના સંતાનોના પેપરની ચકાસણી બરાબર થઇ ન હોવાની શંકા થાય છે.

  બોર્ડ તરફથી ગુણ ચકાસણી અને ઉત્તરવહીનું અવલોકન આમ બે સુવિધા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ગુણ ચકાસણીમાં ઉત્તરવહીઓની વિષય શિક્ષક પાસે ચકાસણી કરાવી બોર્ડ વિદ્યાર્થીને પ્રત્યુત્તર પાઠવે છે. જયારે ઉત્તરવહીના અવલોકનમાં ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનની વિદ્યાર્થીને રૂબરૂ તેની ઉત્તરવહી જોવા મળે છે. તેનો ચાર્જ વિષયદીઠ રૂ.૩૦૦/- છે. ઉપરોક્ત બંને બાબતોમાં પરિણામ આવ્યાનાં ૭ દિવસની અંદર અરજી કરવાની હોય છે.

  પણ આ બંને પ્રક્રિયાથી વધુ સરળ અને અસરકારક એવી ત્રીજી એક સુવિધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે, જેનાથી મોટાભાગના વાલીઓ, અને વિદ્યાર્થીઓ અજાણ છે. માહિતીનો અધિકારનો કાયદો આ દેશનાં તમામ નાગરિકોને સરકારી કચેરીમાં ઉપલબ્ધ રેકર્ડની પ્રમાણિત નકલ મેળવવાનો અધિકાર આપે છે. ભારતમાં જન્મેલું દરેક બાળક આ દેશનું નાગરિક છે, અને તેથી તેને ૧૮ વર્ષ પુરા ન કર્યા હોય તો પણ તેઓ માહિતી અધિકાર કાયદાનો ઉપયોગ કરવા હક્કદાર બને છે. અને તેઓ કોઈ પણ જાહેર સત્તામંડળ પાસેથી માહિતી મેળવી શકે છે.

  માહિતી અધિકારની આ ખૂબીનો ઉપયોગ કરીને ૨૦૦૮માં દેશમાં પ્રથમવાર ગુજરાતના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ચકાસેલી ઉત્તરવહીની તેમજ “મોડલ ઉત્તરવહી” ની નકલ ગુજરાત બોર્ડ પાસે માંગી હતી. માહિતી અધિકાર કાયદાની કલમ ૭(૧) ની જોગવાઈનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ ૪૮ કલાકની અંદર ઉપરોક્ત માહિતી મળવા અંગે જણાવ્યું હતું.  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી વહીવટી કારણો દર્શાવી નકલ આપવાની ના પાડવામાં આવી હતી. ત્યારે વિદ્યાર્થીઓ ડગ્યા નહિ અને તેઓએ કલમ ૮ મુજબની ફરિયાદ રાજ્ય માહિતી આયોગ પાસે દાખલ કરી દાદ માંગી હતી. ગુજરાત રાજ્ય માહિતી આયોગના મુખ્ય માહિતી કમિશ્નરે વિદ્યાર્થીઓને તેમની ચકાસેલી ઉત્તરવહી તેમજ મોડલ ઉત્તરવહી બોર્ડના રેકર્ડનો ભાગ છે અને તેની પ્રમાણિત નકલ મેળવવાનો અધિકાર વિદ્યાર્થીઓને છે તેમ કહી વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. દેશમાં પ્રથમવાર આવો ચુકાદો આવ્યો અને તેનાથી દેશભરના વિદ્યાર્થીઓને એક આશાનું કિરણ દેખાયું. ત્યારબાદ દેશભરના જુદા જુદા માહિતી આયોગે આ મુદ્દાપર જુદા જુદા ચુકાદા આપ્યા.

  છેલ્લે ૨૦૧૧માં આદિત્ય બંદોપાધ્યાય વિરુદ્ધ ભારત સરકારના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો. બોર્ડ/યુનીવર્સીટીની પરીક્ષા અને ચકાસણી પદ્ધતીને વધુ પારદર્શક બનાવવા માટેની ગુજરાતમાંથી શરુ થયેલી આ પહેલ છેવટે ઐતિહાસિક ચુકાદા સુંધી પહોંચી.

  બોર્ડનો નિકાલ નિરાશાજનક આવે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ હિંમત રાખી માહિતી અધિકારનો ઉપયોગ કરી તેમની ચકાસેલી ઉત્તરવહીની પ્રમાણિત નકલ મેળવવી જોઈએ. તે માટે તેમને બોર્ડ/યુનીવર્સીટીના જાહેર માહિતી અધિકારીને ઉદ્દેશીને એક માહિતી અધિકાર કાયદાની અરજી કરવાની રહેશે. તેમાં આ માહિતી તેમના ભવિષ્ય અને જીવન સાથે નિકટતાથી સંકળાયેલ હોઈ ૪૮ કલાકમાં આપવાપાત્ર છે તેનો ઉલ્લેખ કરવો. તેમજ અરજી સાથે અરજી ફી રૂ.૨૦/- રોકડથી, સ્ટેમ્પ પેપર, ફ્રેન્કિંગ, ડી.ડી. પોસ્ટલ ઓર્ડર, રેવેન્યુ ટીકીટ અથવા કોર્ટ ફી સ્ટેમ્પ ચોંટાડીને ભરવાની રહેશે. અરજીમાં ૨૦૧૧ ના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ પણ કરી શકાય.

  આવી રીતે માંગેલ પ્રમાણિત નકલ માટે પાના દીઠ માત્ર રૂ.૨/- લેખે ચાર્જ ચૂકવવાનો રહેશે. જો કોઈ સંજોગોમાં બોર્ડ/યુનિવર્સીટી માહિતી આપવાનો ઇનકાર કરે અથવા વધુ ચાર્જ માંગે તો તે અંગે રાજ્ય માહિતી આયોગ સમક્ષ કલમ ૧૮ મુજબ તાત્કાલિક ફરિયાદ કરી શકાશે. ..

  શિક્ષણમાં સ્પર્ધા વધતી જાય છે. અને વિદ્યાર્થીઓ પાસેથી માં-બાપ ની અપેક્ષાઓ પણ. છેલ્લા ૧૫- ૨૦ વર્ષોમાં ધાર્યો પરિણામ ન મળવાના લીધે આજ દિન સુધી રીઝલ્ટ બાદ અનેક વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો છે, અનેક વિદ્યાર્થીઓ નિરાશા માં ધકેલાઈ ગયા છે, તેમને પોતાના પરનો વિશ્વાસ ગુમાવી દીધો છે. કેટલાય વાલીઓ પશ્ચાતાપની આગમાં બળી રહ્યા છે. ત્યારે માહિતી અધિકાર કાયદો તમને હંમેશ ની જેમ સત્ય સુધી પહોંચાડતો રસ્તો બનીને વહારે આવ્યો છે. ચકાસણી યોગ્ય રીતે થાય છે કે કેમ? તમામ પાનાઓ ચકાસવામાં આવે છે કે નહિ? મોડલ ઉત્તરવહી મુજબ જવાબ હોય તો કેટલા ગુણ મળે...અત્યારસુધી “ટોપ સિક્રેટ” (ગુપ્ત રહસ્ય ) બનીને અંધારામાં રહેલી આ બાબતોની અજવાળામાં લાવવા વિદ્યાર્થીઓ માહિતી અધિકારની “ટોર્ચ” લઈને તૈયાર છે....

  (વિદ્યાર્થીઓને માહિતી અધિકાર ની અરજી કરવા મદદની જરૂર હોય તો તેઓએ ૯૯૨૪૦૮૫૦૦૦ પર (સોમ થી શનિ, ૧૧ થી ૬:૦૦ વાગ્યા સુધી) સંપર્ક કરવો)

  (પંક્તિ જોગ આરટીઆઇ એક્ટિવીસ્ટ છે)
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Board exam, Pankti Jog, Right to Information Act, આરટીઆઇ, પરિણામ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन