બે દિવસ બાદ સવારે મેનેજર હોટલ પર હાજર હતા ત્યારે આ કલીમ ભૈયા નામનો શખ્સ બે લોકોને લઇને આવ્યો હતો.
Ahmedabad Crime: મેનેજર તેના તાબે ન થતાં તે બે દિવસ બાદ ફરી તેના સાગરિતો સાથે છરી સાથે આવ્યો અને તોડફોડ કરી ધમકી આપવા લાગ્યો હતો. જેથી મેનેજરે ગુનેગારોની ગોદમાં બેઠેલી ઇસનપુર પોલીસને ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદઃ શહેરનો ઇસનપુર વિસ્તાર ગુનાખોરી અને અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને કારણે પંકાઇ ગયો છે. અહીં અનેક ગેસ્ટ હાઉસ અને હોટલો આવેલી છે, જ્યાં પોલીસે પોતાના હપ્તા બાંધેલા છે. જે બાબત અહીંના ગુનેગારો પણ જાણતા હોવાથી પોલીસની સ્ટાઇલમાં જ આ ગુનેગારો બેફામ બની હપ્તાખોરી કરવા નીકળી પડ્યા છે. આ વિસ્તારમાં આવેલી એક હોટલમાં પોતાને શાહ આલમનો ડોન ગણાવનાર કલીમ ભૈયા નામનો શખ્સ પહોંચ્યો હતો. જ્યાં તેણે મેનેજરને ધમકાવી ધંધો કરવા હપ્તો આપવો પડશે તેમ કહી ડરાવ્યો હતો.
જોકે મેનેજર તેના તાબે ન થતાં તે બે દિવસ બાદ ફરી તેના સાગરિતો સાથે છરી સાથે આવ્યો અને તોડફોડ કરી ધમકી આપવા લાગ્યો હતો. જેથી મેનેજરે ગુનેગારોની ગોદમાં બેઠેલી ઇસનપુર પોલીસને ફરિયાદ આપતા હવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઇસનપુરમાં રહેતા રણજીતસિંહ રાજપુત નારોલ સર્કલ પાસે આવેલી પ્લેઝર હોટલમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. 26 જા્યુઆરીના રોજ રાત્રે પોણા આઠેક વાગ્યે તેઓ હોટલ પર હાજર હતા. ત્યારે મેનેજર કાઉન્ટર પર બેઠા હતા ત્યારે એક શખ્સ હોટલ પર આવ્યો હતો. આ શખ્સે અહીંયા હોટલ ચલાવવી હોય તો દર મહિને ખર્ચાના પૈસા આપવા પડશે, તું મને ઓળખતો નથી, હું શાહઆલમનો ડોન છું અને મારૂં નામ કલીમ ભૈયો છે, તું મારા વિશે કોઇને પણ પૂછી લેજે, તેમ કહી બબાલ શરૂ કરી હતી. ત્યારે મેનેજરે મારે તને શાના પૈસા આપવાના તેમ પૂછતા આરોપીએ બોલાચાલી શરૂ કરતા ત્યા આસપાસના લોકો આવી ગયા હતા. જેથી આ શખ્સ ત્યાંથી નીકળી ગયો હતો.
બે દિવસ બાદ સવારે મેનેજર હોટલ પર હાજર હતા ત્યારે આ કલીમ ભૈયા નામનો શખ્સ બે લોકોને લઇને આવ્યો હતો. જે ત્રણેય શખ્સોના હાથમાં છરી હતી. આ શખ્સોએ મેનેજરને ધમકી આપી કે તારે ધંધો કરવો હોય તો દર મહિને પૈસા તો આપવા જ પડશે નહિ તો હોટલ નહિ ચલાવી શકે અને તારો ખેલ ખતમ કરી દઇશું. બાદમાં આ શખ્સો છરી વડે હોટલમાં કેમેરાના ડીવીઆર સહિતની વસ્તુઓ પર છરી મારી તોડફોડ કરવા લાગ્યા હતા. જેથી ગભરાઇને આ મેનેજર હોટલની બારીમાંથી કૂદકો મારીને નીચે આવેલી કોઇ દુકાન પાસે જઇને સંતાઇ ગયા હતા. ત્યાં પણ આ શખ્સો આવી ગયા અને મેનેજરને છરી બતાવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા. તો મેનેજરે કૂદકો માર્યો હોવાથી તેઓને ઇજાઓ પહોંચી હતી ત્યારે હવે મેનેજરે આ મામલે પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે સફેદ વાળ રાખી કાળા કામ કરવાની ઇમેજ ધરાવતા અને લંબુજી તરીકે ઓળખાતા અહીંના અધિકારીને લોકોની સુરક્ષાની નહિ પણ માત્ર ખિસ્સા ગરમ કરવાની ચિંતા હોવાથી આ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. લંબુજી અધિકારી તો ઠીક પણ તેમની ઉપરની ઉપરના ઠીંગુજી અધિકારી પણ માત્ર ઓફિસમાં બેસી પાન મસાલા ખાઇ માત્ર વહીવટો પર ધ્યાન આપતા હોવાથી આ નીચલા અધિકારીઓ તેમને ગાંઠતા ન હોવાથી કાયદો અને વ્યવસ્થા આ વિસ્તારોમાં કથળતા જતા હોવાની ચર્ચા પણ પોલીસ બેડામાં થઇ રહી છે. ત્યારે હવે કેટલા સમયમાં આરોપીઓને પકડી વેપારીઓ માટે ભયમુક્ત વાતાવરણ બનાવવામાં આ અધિકારીઓ સફળ થાય છે તે જોવાનું રહેશે.